fbpx

ખરેખર દિલ્હીના CM હાઉસના રિનોવેશન પાછળ કેટલો ખર્ચ થયો, CAGનો રિપોર્ટ આવ્યો સામે

થોડા દિવસો પહેલા PM નરેન્દ્ર મોદીએ દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે પોતાનો પ્રચાર શરૂ કર્યો હતો. તેમણે આ પ્રચાર માટે ‘શીશમહલ વિવાદ’ પસંદ કર્યો. હવે આ મામલે CAGનો ઓડિટ રિપોર્ટ સામે આવ્યો છે. અરવિંદ કેજરીવાલના CM તરીકેના કાર્યકાળ દરમિયાન CM આવાસમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા હતા. આ કારણે વિપક્ષી પાર્ટીઓ તેમને ‘શીશમહલ’ કહીને તેમની પર કટાક્ષ કરી રહ્યા છે. કેગના ઓડિટ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, તે સરકારી મકાનના રિનોવેશન પાછળ પ્રસ્તાવિત ખર્ચ કરતાં ત્રણ ગણી કરતા પણ વધુ રકમનો ખર્ચ કરવામાં આવ્યો હતો. જેમાં ઓફિસના રિનોવેશન તેમજ ફ્લેગ સ્ટાફ રોડ પરના રહેઠાણનો ખર્ચ પણ સામેલ છે.

મીડિયા સૂત્રએ CAG જનરલ ગિરીશ ચંદ્ર મુર્મુના અહેવાલનો ઉલ્લેખ કરીને આ મામલા અંગે રિપોર્ટ આપ્યો છે. જ્યારે કેજરીવાલ CM હતા ત્યારે આ ઘરના નવીનીકરણનું કામ ‘પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ’ (PWD) દ્વારા કરવામાં આવ્યું હતું. આ કામ પાછળ રૂ. 7.91 કરોડનો ખર્ચ થવાનો પ્રાથમિક અંદાજ હોવાનું જાણવા મળે છે. પરંતુ 2020માં તેના માટે 8.62 કરોડ રૂપિયાનું બજેટ આપવામાં આવ્યું હતું. પરંતુ જ્યારે PWDએ તેને 2022માં પૂર્ણ કર્યું ત્યારે કુલ ખર્ચ રૂ. 33.66 કરોડ હતો.

CAGના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આ ઘરમાં 96 લાખ રૂપિયાના પડદા અને 39 લાખ રૂપિયાના કિચન એપ્લાયન્સિસ લગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત 20.34 લાખ રૂપિયાના TV કન્સોલ, 18.52 લાખ રૂપિયાના ટ્રેડમિલ અને જિમના સાધનો અને 16.27 લાખ રૂપિયાના સિલ્ક કાર્પેટ લગાવવામાં આવ્યા છે. આ ઘરમાં 4.80 લાખ રૂપિયા ખર્ચીને મિનીબાર પણ બનાવવામાં આવ્યો છે.

દિવાલો પર માર્બલ સ્ટોન્સ લગાવવા માટે 20 લાખનું બજેટ પસાર કરવામાં આવ્યું હતું. પરંતુ તેના માટે 66.89 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. ફ્લોર પર ટાઇલ્સ લગાવવા માટે રૂ.5.5 લાખનું બજેટ ફાળવવામાં આવ્યું હતું. પરંતુ તેની કિંમત 14 લાખ રૂપિયા છે.

રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, નિવાસસ્થાન સાથે જોડાયેલ સ્ટાફ બ્લોક અને કેમ્પ ઓફિસના નિર્માણ માટે 3.86 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. ઉપરાંત, સાફ-સફાઈની વસ્તુઓ, ફર્નિચર અને જીમના સાધનોના સમારકામ અથવા જાળવણી માટે રૂ. 1.87 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.

આવાસ પાછળ ખર્ચઃ પડદા-96 લાખ, રસોડાનાં સાધનો-39 લાખ, TV કન્સોલ-20.34 લાખ, ટ્રેડમિલ અને જિમનાં સાધનો-18.52 લાખ, સિલ્ક કાર્પેટ-16.27 લાખ, મિનીબાર-4.80 લાખ, માર્બલ-66.89 લાખ, ફ્લોર ટાઇલ્સ-14 લાખ .

આ રિપોર્ટ તૈયાર કરનાર ગિરીશ ચંદ્ર મુર્મુ 20 નવેમ્બર 2024ના રોજ તેમના પદ પરથી નિવૃત્ત થયા હતા. આના એક અઠવાડિયા પહેલા તેમણે આ રિપોર્ટ પર હસ્તાક્ષર કર્યા હતા. AAP સંયોજક કેજરીવાલ 14 ફેબ્રુઆરી, 2015થી 21 સપ્ટેમ્બર, 2024 સુધી દિલ્હીના CM હતા. આ પછી તેઓ દારૂ કૌભાંડ કેસમાં જેલમાં ગયા હતા અને તેમની સામે ભ્રષ્ટાચારના પ્રશ્નો ઉભા થયા હતા. જેના કારણે તેમણે પદ પરથી રાજીનામું આપી દીધું હતું. આ પછી તેણે ઓક્ટોબર મહિનામાં આ રહેઠાણ ખાલી કર્યું હતું.

આવી સ્થિતિમાં BJPએ ફરી એકવાર તેમના ચરિત્ર પર નિશાન સાધ્યું છે. આ વિવાદમાં માત્ર BJPએ જ સવાલો ઉઠાવ્યા નથી, પરંતુ લોકસભા ચૂંટણીમાં AAP સાથે ગઠબંધન કરનાર કોંગ્રેસે પણ સમયાંતરે સવાલો ઉઠાવ્યા છે.

આ આરોપો પર સવાલો પૂછવામાં આવ્યા પછી, AAP પ્રવક્તાએ મીડિયા સૂત્રને કહ્યું કે BJP ચૂંટણીના થોડા દિવસો પહેલા ધ્યાન ભટકાવવા માટે આ બધું કરી રહી છે. કારણ કે તેમની પાસે કોઈ મુદ્દા જ નથી. તેમણે કહ્યું કે, એક આવી મોટી પાર્ટી તરફથી સત્તાવાર CMના આવાસ વિશે સાંભળવું વિચિત્ર લાગે છે, કે જેનું નિર્માણ PWD દ્વારા કરવામાં આવ્યું છે. BJP પર આરોપ લગાવતા તેમણે કહ્યું કે, તેમની પાર્ટીના નેતા 2700 કરોડ રૂપિયાના ઘરમાં રહે છે, 8400 કરોડ રૂપિયાના પ્લેનમાં મુસાફરી કરે છે અને 10 લાખ રૂપિયાનો સૂટ પહેરે છે.

AAPએ અનેક પ્રસંગોએ કહ્યું છે કે, આ નિવાસ કેજરીવાલની અંગત મિલકત નથી અને ભવિષ્યમાં અન્ય લોકોને પણ CM આવાસ તરીકે ફાળવવામાં આવશે.

CBIએ સપ્ટેમ્બર 2023માં આ મામલામાં પ્રાથમિક FIR નોંધી હતી. આ પછી, BJP ધારાસભ્ય વિજેન્દ્ર ગુપ્તાની ફરિયાદ પછી, 6 ડિસેમ્બર, 2024ના રોજ, દિલ્હી LG VK સક્સેનાએ વધુ એક તપાસનો આદેશ આપ્યો હતો.

Leave a Reply