સિડની ટેસ્ટ ફક્ત ત્રણ દિવસમાં જ પૂરી થઇ જવાને કારણે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયામાં અટવાઈ ગઈ છે. હકીકતમાં, ભારતનો બે મહિનાનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ 7મી જાન્યુઆરીએ પૂરો થવાનો હતો અને આખી ટીમ 8મીની ફ્લાઇટમાં વતન પરત ફરવાની હતી. હવે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયામાં અટવાઈ ગઈ છે, કારણ કે બે દિવસ પહેલા મેચ પૂરી થઈ ગઈ છે. તેથી તેમને ત્યાં રોકાવું પડે એમ છે. BCCI ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ માટે રિટર્ન ટિકિટની વ્યવસ્થા કરી રહ્યું છે, જેવી ટિકિટ મળે તેવી તરત જ ખેલાડીઓ પોતાના ઘરે પરત ફરી શકશે. અહીં તમને જણાવી દઈએ કે, ટીમ ઈન્ડિયાને 5 મેચની બોર્ડર ગાવસ્કર ટેસ્ટ શ્રેણીમાં 1-3થી હારનો સામનો કરવો પડ્યો છે, અને ઓસ્ટ્રેલિયા 10 વર્ષ પછી આ ટાઈટલ જીતવામાં સફળ રહ્યું છે.
મીડિયા સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર, ટીમ ઈન્ડિયા ઘરે પરત ફરે તે માટે મેનેજમેન્ટ ટિકિટની વ્યવસ્થા કરી રહ્યું છે. જો કે ભારત મેચ ખતમ થયા પછી 8 જાન્યુઆરીએ ઉડાન ભરવાનું હતું, પરંતુ મેચ વહેલી સમાપ્ત થવાને કારણે, કેટલાક ખેલાડીઓ વહેલા નીકળી શકે છે અને તે એ વાત પર આધાર રાખે છે કે, ટિકિટ ક્યારે ઉપલબ્ધ થાય છે. કેટલાક સિનિયર સભ્યોએ સોમવારે જ ત્યાંથી રવાના થવાનું છે.
ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ અને મેનેજમેન્ટની સાથે મીડિયા અને ચાહકો પણ ભારત પરત ફરવાની ઉતાવળમાં હશે.
ટીમ ઇન્ડિયાની નજીકના એક સૂત્રએ જણાવ્યું હતું કે, ‘લોજિસ્ટિક્સ મેનેજર ટીમ માટે તેના પર કામ કરી રહ્યા છે અને જેવી ટિકિટ ઉપલબ્ધ થશે તેવું તરત જ ત્યાંથી પ્રસ્થાન શરૂ થશે.’
આનો અર્થ એ થયો કે તમામ ખેલાડીઓ એકસાથે ભારત પાછા નહીં ફરે, કારણ કે બધા એક જ જગ્યાએ જતા નથી. મોટાભાગની ટીમ નવેમ્બરના બીજા સપ્તાહમાં અલગ-અલગ બેચમાં ઓસ્ટ્રેલિયા પહોંચી હતી અને વિરાટ કોહલી 10 નવેમ્બરે ઓસ્ટ્રેલિયાની ધરતી પર ઉતરનાર પ્રથમ ખેલાડી હતો.
પર્થ ટેસ્ટ પહેલા ભારતીય ટીમે મેચ સિમ્યુલેશન રમી હતી, ત્યારપછી તેણે પ્રથમ ટેસ્ટ 295 રનથી જીતીને પ્રવાસની શરૂઆત કરી હતી. આ પછી, ટીમે પિંક બોલ ટેસ્ટ માટે કેનબેરામાં પ્રેક્ટિસ કરી અને પછી બીજી ટેસ્ટ માટે એડિલેડ પહોંચી. આ પછી ટીમ બ્રિસબેન અને મેલબોર્ન થઈને સિડની પહોંચી. બે મહિનાના આ ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં ભારતીય ટીમે કુલ 7700 કિલોમીટરથી વધુનો પ્રવાસ કર્યો.