fbpx

ઇનકમ ટેક્સ દરોડા પાડવા ગયા તો ઘરમાં મગર મળ્યા, વનકર્મીને બોલાવ્યા

મધ્યપ્રદેશના સાગર જિલ્લામાં એક ઘરમાંથી ચાર મગર મળી આવ્યા છે. હકીકતમાં, આવકવેરા વિભાગની ટીમે ઘર પર દરોડો પાડ્યો હતો, તે દરમિયાન અધિકારીઓ ત્યાં મગર જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આ પછી વન વિભાગને જાણ કરવામાં આવી. માહિતી મળતા જ વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી.

મધ્યપ્રદેશના સાગર જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં આવકવેરા વિભાગની ટીમે એક ઘર પર દરોડો પાડ્યો હતો. આ દરમિયાન ઘરમાંથી ચાર મગર મળી આવ્યા હતા. આ બાબતની જાણ વન વિભાગને કરવામાં આવી હતી, ત્યારપછી મગરોને બચાવી લેવામાં આવ્યા હતા. આ મામલે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

આવકવેરા વિભાગે રવિવારે કરોડોની કરચોરીના આરોપસર સાગરમાં હરવંશ સિંહ રાઠોડ અને ભૂતપૂર્વ કાઉન્સિલર રાજેશ કેશરવાનીના ઘરે દરોડા પાડ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે દરોડામાં 155 કરોડ રૂપિયાની કરચોરીનો ખુલાસો થયો છે. સોના અને ચાંદીના દાગીના ઉપરાંત, તેમણે 3 કરોડ રૂપિયા રોકડા પણ જપ્ત કર્યા છે. આ દાગીનાની કિંમત પણ કરોડોમાં હશે.

મીડિયા સૂત્રોના જણાવ્યા અનુસાર, આવકવેરા વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે, રાજેશ કેસરવાની સાથે જોડાયેલા સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. રાજેશ બીડી ઉત્પાદક, મકાન બાંધકામ કોન્ટ્રાક્ટર અને ભૂતપૂર્વ BJP કાઉન્સિલર છે. જોકે, આવકવેરા વિભાગના કોઈ અધિકારીએ મગરો મળ્યા અંગેની કોઈ વાત કરી ન હતી.

મધ્યપ્રદેશ વન દળના વડા અસીમ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, આ મામલે વન્યજીવન સંરક્ષણ અધિનિયમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. મગરોની આરોગ્ય તપાસ કરવામાં આવી રહી છે. આ બાબતની સંપૂર્ણ માહિતી કોર્ટને આપવામાં આવશે અને કાયદા મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે. જોકે, અસીમ શ્રીવાસ્તવે કુલ કેટલા મગર મળી આવ્યા અને તે કોનું ઘર હતું તે સ્પષ્ટ કર્યું નથી. સૂત્રો કહે છે કે, ઘરમાંથી કુલ ચાર મગર મળી આવ્યા હતા.

વન વિભાગે મગરોને બચાવવાનું અને તેમને સલામત સ્થળે મોકલવાનું શરૂ કર્યું છે. અધિકારીઓનું કહેવું છે કે, આ મગરોની સ્થિતિ સામાન્ય છે અને આરોગ્ય તપાસ પૂર્ણ થયા પછી તેમને ખસેડવામાં આવશે. ઘરની નજીક મગર મળવાની આ ઘટના પછી આસપાસના વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી. લોકો ચર્ચા કરવા લાગ્યા કે, આખરે ઘરમાં મગર કેમ રાખવામાં આવ્યા હતા. આ બાબતની તપાસ કરવામાં આવી રહી છે.

Leave a Reply