મહારાષ્ટ્રના જલગાંવ રેલ્વે સ્ટેશન નજીક ટ્રેન પર પથ્થરમારા મામલે FIR નોંધવામાં આવી છે. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે, આ ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી. પરંતુ ટ્રેનના B6 કોચની બારીનો કાચ તૂટી ગયો છે. એવું કહેવામાં આવ્યું હતું કે, આ ટ્રેન પ્રયાગરાજ ખાતે પણ ઉભી રહે છે અને આ ટ્રેનમાં કુંભ મેળા (પ્રયાગરાજ કુંભ 2025)માં જવા માટે ઘણા મુસાફરો છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં મુસાફરો ટ્રેનને થયેલા નુકસાન અંગે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.
તાપ્તી ગંગા એક્સપ્રેસ પર પથ્થરમારાનો આ બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ ટ્રેન ગુજરાતના સુરતથી બિહારના છપરા શહેર જઈ રહી હતી. આવી સ્થિતિમાં, જ્યારે ટ્રેન જલગાંવ રેલ્વે સ્ટેશનથી રવાના થઈ, ત્યારે 2-3 કિલોમીટર આગળ વધ્યા પછી પથ્થરમારો થયાના અહેવાલો આવ્યા. કુંભ મેળામાં જતા ઘણા મુસાફરોએ તેમની સલામતી અંગે ચિંતા વ્યક્ત કરી છે. ઉપરાંત, રેલ્વેએ પોતાના અધિકારીઓને ટ્રેનોની વધુ સારી સુરક્ષા સુનિશ્ચિત કરવા અપીલ કરી છે.
એક મીડિયા ચેનલના સમાચાર અનુસાર, આ ઘટના પ્રયાગરાજ તાપ્તી ગંગા એક્સપ્રેસના B6 કોચમાં બની હતી. ટ્રેનના કોચમાં 13 લોકો મહિલાઓ, બાળકો અને શ્રદ્ધાળુઓ સવાર હતા, ટ્રેનમાં લગભગ 45 ટકા લોકો મહાકુંભ માટે પ્રયાગરાજ જઈ રહ્યા હતા. મધ્ય રેલ્વે અને પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી દીધી છે. મધ્ય રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી સ્વપ્નિલ નીલાએ જણાવ્યું હતું કે, ‘રેલ્વે સુરક્ષા દળે આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરી હતી અને ટ્રેનમાં ચાર ટીમો મોકલી આપવામાં આવી હતી. આ અંગે ફરિયાદ પણ નોંધાઈ છે.’
મીડિયા સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ઘટના પછી, જલગાંવ રેલ્વે પોલીસે પણ કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. આ ઘટના માટે જવાબદાર વ્યક્તિને ઓળખવા અને ધરપકડ કરવાના પ્રયાસો ચાલુ છે. કુંભ મેળામાં જતા યાત્રાળુઓ માટે તાપ્તી ગંગા એક્સપ્રેસ એક લોકપ્રિય ટ્રેન છે. આવી સ્થિતિમાં, રેલવે અધિકારીઓએ મુસાફરોને ખાતરી આપી છે કે, ટ્રેન રૂટ પર વધારાના સુરક્ષા પગલાં લાગુ કરવામાં આવશે. જેથી આવી ઘટનાઓને થતી અટકાવી શકાય અને સલામત મુસાફરી સુનિશ્ચિત કરી શકાય.
ટ્રેન 13 જાન્યુઆરીની સવારે પ્રયાગરાજથી રવાના થઈ ચુકી છે. રેલવે પોલીસ CCTV ફૂટેજની તપાસ કરી રહી છે. અહીં તમને જણાવી દઈએ કે, મહાકુંભનું આ સંસ્કરણ 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી ચાલશે. જે આકર્ષણનું એક મોટું કેન્દ્ર બનવાની અપેક્ષા છે.