બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર મધ્યરાત્રિએ તેમના ઘરે ચાકુ વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં તે ગંભીર રીતે ઘાયલ થયો છે. તેમને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સર્જરી ચાલી રહી છે. શરૂઆતની તપાસમાં આ મામલો લૂંટનો લાગે છે. બાંદ્રા પોલીસે ઘટના સમયે અને તે પહેલાંના CCTV ફૂટેજની તપાસ કરી છે, જેમાં કોઈ શંકાસ્પદ વ્યક્તિ ઘરમાં પ્રવેશતો દેખાતો નથી. આ કેસમાં ત્રણ શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટના ગુરુવારે રાત્રે લગભગ 2:30 વાગ્યે બની હતી, જ્યારે અભિનેતા તેના પરિવારના સભ્યો સાથે તેના ઘરમાં સૂઈ રહ્યો હતો. પોલીસે જણાવ્યું કે, ઘરના લોકો જાગી ગયા અને બૂમ પાડવા લાગ્યા પછી, લૂંટારુ હુમલો કરીને સ્થળ પરથી ભાગી ગયો.
બાંદ્રા પોલીસે આ કેસમાં લૂંટ અને હુમલાની કલમો હેઠળ FIR નોંધી છે. ગુનેગારને પકડવા માટે પોલીસની અનેક ટીમો બનાવવામાં આવી છે. એક વરિષ્ઠ IPS અધિકારીએ ઘટનાની પુષ્ટિ કરતા કહ્યું કે, સૈફ અલી ખાનને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સર્જરી કરવામાં આવી છે. સર્જરી પછી, અભિનેતાની હાલત હવે ખતરાથી બહાર છે. તેના શરીરમાંથી 3 ઇંચની તીક્ષ્ણ ધાતુ જેવી વસ્તુ મળી આવી હતી. તે છરીનો એક ભાગ હોવાનું માનવામાં આવે છે.
પોલીસે આ કેસમાં ત્રણ શંકાસ્પદોની ધરપકડ કરી છે અને તેમની પૂછપરછ કરી રહી છે. આ સાથે, ઘરની નોકરાણી અને અન્ય સ્ટાફની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. આ કેસમાં નોકરાણીની ભૂમિકા શંકાસ્પદ માનવામાં આવી રહી છે. કારણ કે ઘટના સમયે બે કલાકના CCTV ફૂટેજમાં કોઈ બહારનો શંકાસ્પદ વ્યક્તિ ઘરમાં પ્રવેશતો જોવા મળ્યો ન હતો. આવી સ્થિતિમાં, એવું સમજી શકાય છે કે હુમલાખોર પહેલાથી જ ઘરમાં હાજર હતો. એવી પણ આશંકા છે કે તે પાઇપલાઇન અથવા AC ડક્ટ દ્વારા પ્રવેશ્યો હશે.
મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, શંકાસ્પદ લૂંટારો સૈફના બાળકો તૈમૂર અને જેહના રૂમમાં ઘૂસી ગયો. બાળકોની સંભાળ રાખતી આયાએ તેની આજુ બાજુ કોઈ અવાજ સાંભળ્યો અને તેની ઉંઘ ઉડી ગઈ હતી. બાળકો પણ જાગી ગયા હતા અને બૂમો પાડવા લાગ્યા હતા. આનાથી સૈફ અને પરિવારના બાકીના સભ્યો જાગી ગયા હતા. જ્યારે સૈફ બાળકોના રૂમમાં પહોંચ્યો ત્યારે અજાણ્યો વ્યક્તિ આયા સાથે ઝઘડો કરી રહ્યો હતો. સૈફે દરમિયાનગીરી કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ અજાણ્યો વ્યક્તિ ગભરાઈ ગયો અને તેણે સૈફ પર ચાકુ વડે હુમલો કર્યો અને ત્યાંથી ભાગી ગયો.
ઘટના પછી તરત જ સૈફ અલી ખાનનો પુત્ર ઇબ્રાહિમ ત્યાં પહોંચી ગયો. તેને બોલાવવામાં આવ્યો હતો. ઇબ્રાહિમ પોતે સૈફને લીલાવતી હોસ્પિટલમાં લઈ ગયો. કરીના કપૂરનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં તે ઘટના પછી ઘરના સ્ટાફની પૂછપરછ કરતી જોવા મળી રહી છે. આ સમય દરમિયાન, કરીના પણ ચિંતા અને પરેશાનીથી આમતેમ આંટા મારતી જોવા મળી.
મુંબઈ પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘ગઈકાલે મોડી રાત્રે એક અજાણ્યો માણસ અભિનેતા સૈફ અલી ખાનના ઘરમાં ઘૂસી ગયો હતો. ઘરમાં બાળકો અવાજ કરવા લાગ્યા હોવાથી બધા જાગી ગયા હતા. તે સમયે અજાણ્યો વ્યક્તિ અભિનેતાની નોકરાણી (આયા) સાથે ઝઘડો કરી રહ્યો હતો. જ્યારે અભિનેતાએ દરમિયાનગીરી કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેણે સૈફ અલી ખાન પર ચાકુ વડે હુમલો કર્યો. આ હુમલામાં તે ઘાયલ થયો હતો.’
પોલીસે જણાવ્યું હતું કે, લૂંટારુ સાથેની ઝપાઝપીમાં તેને ચાકુના ઘા મારવામાં આવ્યા હતા કે, તે બચાવવા જતા ઘાયલ થયો હતો તે હજુ સ્પષ્ટ નથી. તેમણે કહ્યું કે, તેઓ આ મામલાની તપાસ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ પણ આ ઘટનાની તપાસ કરી રહી છે. સૈફ અલી ખાનને કુલ 6 જગ્યાએ ચાકુના ઘા લાગ્યા છે.
આ દરમિયાન, લીલાવતી હોસ્પિટલના COO ડૉ. નીરજ ઉત્તમાણીએ પણ એક નિવેદન બહાર પાડ્યું છે. તેમણે કહ્યું, ‘સૈફ પર તેના ઘરમાં એક અજાણ્યા વ્યક્તિએ હુમલો કર્યો હતો. તેમને વહેલી સવારે 3:30 વાગ્યે લીલાવતી લાવવામાં આવ્યા. તેમને છ જગ્યાએ ઈજાઓ થઈ છે, જેમાંથી બે ગંભીર છે. એક ઈજા તેમના કરોડરજ્જુની નજીક છે. અમે તેના પર કામ કરી રહ્યા છીએ. ન્યુરોસર્જન નીતિન ડાંગે અને કોસ્મેટિક સર્જન લીના જૈન અને એનેસ્થેટિસ્ટ નિશા ગાંધી દ્વારા તેમનું ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. સર્જરી પછી જ આપણે ચોક્કસ કહી શકીશું કે ઈજાથી કેટલું નુકસાન થયું છે.’
આ સમગ્ર મામલે સૈફ અલી ખાન અને કરીના કપૂરની ટીમે એક નિવેદન બહાર પાડ્યું છે. કરીનાની ટીમે કહ્યું, ‘ઘરમાં લૂંટનો પ્રયાસ થયો હતો. આ દરમિયાન સૈફ પર હુમલો થયો. હાલમાં હોસ્પિટલમાં તેમની સર્જરી ચાલી રહી છે. મીડિયા અને ચાહકોને ધીરજ રાખવા વિનંતી છે. આ પોલીસ તપાસનો વિષય છે. અમે ભવિષ્યમાં પણ મહત્વપૂર્ણ માહિતી શેર કરતા રહીશું.’
NCP (SP) સાંસદ સુપ્રિયા સુલેએ કરિશ્મા કપૂરને ફોન કરીને તેમના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી. કરિશ્માએ તેને કહ્યું કે, કરીના અત્યારે હોસ્પિટલમાં છે. આ ઘટનાથી આખો પરિવાર દુઃખી અને પરેશાન છે.