fbpx

પત્ની પાસે 4 કરોડ પણ કેજરીવાલ પાસે ફક્ત 50 હજાર રોકડા, જુઓ કુલ સંપત્તિ કેટલી છે

આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલે નવી દિલ્હી વિધાનસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે. તેમણે ચૂંટણી સોગંદનામામાં પોતાની સંપત્તિનો ખુલાસો કર્યો છે. જે મુજબ, દિલ્હીના પૂર્વ CM અરવિંદ કેજરીવાલ પાસે 1 કરોડ 73 લાખ રૂપિયાની સ્થાવર સંપત્તિ છે. જ્યારે તેમની પત્નીના નામે કુલ સ્થાવર મિલકત 2 કરોડ 10 લાખ રૂપિયા છે.

અરવિંદ કેજરીવાલની જંગમ સંપત્તિની વાત કરીએ તો, તેમની કુલ જંગમ સંપત્તિ 3 લાખ 46 હજાર રૂપિયાથી વધુ છે, જ્યારે તેમની પત્નીની જંગમ સંપત્તિ 1 કરોડ 89 હજાર રૂપિયા છે. આવી સ્થિતિમાં, અરવિંદ કેજરીવાલની કુલ સંપત્તિ લગભગ 1 કરોડ 77 લાખ રૂપિયા છે. જ્યારે તેમની પત્નીની કુલ સંપત્તિ 3 કરોડ 99 લાખ રૂપિયા છે.

ચૂંટણી સોગંદનામા મુજબ, અરવિંદ કેજરીવાલ પાસે 50,000 રૂપિયા રોકડા છે, જ્યારે તેમની પત્ની સુનિતા કેજરીવાલ પાસે 42,000 રૂપિયા રોકડા છે. અરવિંદ કેજરીવાલના નામે કોઈ કાર નથી, જ્યારે તેમની પત્નીના નામે મારુતિ બલેનો કાર છે. આ ઉપરાંત સુનિતા કેજરીવાલના નામે ગુરુગ્રામમાં એક ફ્લેટ છે. પતિ-પત્ની બંનેના નામે કોઈ દેવું નથી.

આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલના નામે કોઈ ઘર નથી. તેમની પત્ની સુનિતા કેજરીવાલના નામે એક ઘર છે, જેની વર્તમાન બજાર કિંમત લગભગ 1.5 કરોડ રૂપિયા છે. અરવિંદ કેજરીવાલ પાસે બિન-ખેતી જમીન પણ છે, જેની કિંમત 1 કરોડ 70 લાખ રૂપિયા છે.

અરવિંદ કેજરીવાલે શેરબજારમાં કે બીજે ક્યાંય કોઈ પ્રકારનું રોકાણ કર્યું નથી. જ્યારે તેમની પત્ની પાસે 25 લાખ 92 હજાર રૂપિયાના સોના-ચાંદીના દાગીના છે. PPFમાં જીવનસાથીના નામે એક ખાતું પણ છે, જેમાં 26 લાખ રૂપિયાથી વધુની રકમ જમા છે.

અહીં તમને જણાવી દઈએ કે, અરવિંદ કેજરીવાલ નવી દિલ્હી વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. BJPએ અહીંથી પ્રવેશ વર્માને તેમની સામે ટિકિટ આપી છે. તેમણે બુધવારે પોતાનું નામાંકન પણ દાખલ કર્યું અને પોતાની સંપત્તિનો ખુલાસો કર્યો, જે મુજબ પ્રવેશ વર્મા પાસે લગભગ 95 કરોડ રૂપિયાની સ્થાવર અને જંગમ સંપત્તિ છે. દરમિયાન, કાલકાજી વિધાનસભા બેઠક પરથી BJPના ઉમેદવાર રમેશ બિધુડીએ પણ પોતાનું ઉમેદવારીપત્ર ભર્યું છે.

Leave a Reply