
મુંબઈ અને આસામ પોલીસની ટીમો યુટ્યુબ શોમાં કરાયેલી વિવાદાસ્પદ ટિપ્પણીની તપાસના ભાગરૂપે શુક્રવારે યુટ્યુબર રણવીર અલ્હાબાદિયાના ઘરે પહોંચી હતી. પરંતુ તેનો ફ્લેટ બંધ જોવા મળ્યો હતો. માતા-પિતા અને જાતીય સંબંધોને લઈને રણવીર અલ્હાબાદિયાની વાંધાજનક ટિપ્પણીની ભારે ટીકા થઈ રહી છે. આ સંદર્ભમાં, દેશભરમાં ઘણી જગ્યાએ અલ્હાબાદિયા અને અન્ય લોકો વિરુદ્ધ પોલીસમાં ઘણી ફરિયાદો દાખલ કરવામાં આવી છે. અલ્હાબાદિયાએ આ વિવાદાસ્પદ ટિપ્પણી સમય રૈનાના શો ‘ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ’માં કરી હતી.

એક અધિકારીએ જણાવ્યું હતું કે, “રણવીર અલ્હાબાદિયાની વિવાદાસ્પદ ટિપ્પણીના સંબંધમાં તપાસ શરૂ કરનાર મુંબઈ પોલીસ શુક્રવારે વર્સોવા વિસ્તારની મુલાકાતે ગઈ હતી, પરંતું ઘર બંધ મળ્યું હતું.
અલ્હાબાદિયાને તેમના વિવાદાસ્પદ નિવેદનોની તપાસના સંદર્ભમાં ગુરુવારે ખાર પોલીસ સ્ટેશનમાં હાજર રહેવા માટે કહેવામાં આવ્યું હતું. પરંતુ તેના હાજર ન થવા પર પોલીસે તેને બીજું સમન્સ જારી કરીને તેને શુક્રવારે હાજર થવા માટે કહ્યું હતું.
તેમણે કહ્યું કે અલ્હાબાદિયાએ ખાર પોલીસને વિનંતી કરી હતી કે તેમના નિવાસસ્થાને તેમનું નિવેદન નોંધવામાં આવે, પરંતુ આ વિનંતીને ફગાવી દેવામાં આવી હતી. આ દરમિયાન આસામ પોલીસની એક ટીમ ગુવાહાટીમાં નોંધાયેલા કેસમાં અલ્હાબાદિયાની પણ પૂછપરછ કરવા માંગે છે. આસામના રહેવાસીએ શોમાં અશ્લીલતાનો આરોપ લગાવ્યો હતો.

એક પોલીસ અધિકારીએ કહ્યું, “તે મુજબ, મુંબઈ અને આસામ પોલીસની ટીમો આજે સવારે વર્સોવા સ્થિત ફ્લેટ પર ગઈ, પરંતું ત્યાં તાળું હતું. આ પછી બંને પોલીસ ટીમો ખાર પોલીસ સ્ટેશન પરત ફરી હતી.
ગુવાહાટીમાં આ કેસ સોમવારે નોંધવામાં આવ્યો હતો. આસામમાં નોંધાયેલા કેસમાં અલ્હાબાદિયા અને રૈના ઉપરાંત આશિષ ચંચલાની, જસપ્રીત સિંહ અને અપૂર્વ મખીજાનું નામ પણ છે.