

શુક્રવારે નોઈડામાં એક ખાનગી ન્યૂઝ ચેનલના ડિબેટ શો દરમિયાન મહાકુંભ દરમિયાન પ્રખ્યાત ‘IIT બાબા’ ઉર્ફે અભય સિંહ પર હુમલો કરવામાં આવ્યો ત્યારે હોબાળો મચી ગયો. બાબાનો આરોપ છે કે, ભગવા કપડાં પહેરેલા કેટલાક લોકો ન્યૂઝરૂમમાં ઘૂસી ગયા અને તેમને ડંડાઓથી માર માર્યો. આ ઘટના પછી, ‘IIT બાબા’એ પોલીસમાં ફરિયાદ કરી અને ન્યાય માંગ્યો. તેઓ નોઈડાના સેક્ટર 126માં પોલીસ સ્ટેશનની બહાર ધરણા પર બેઠા હતા, જેના કારણે મામલો વધુ ગંભીર બનવા લાગ્યો હતો. જોકે, ત્યાર પછી, પોલીસ દ્વારા તેમને સમજાવ્યા પછી, તેઓએ વિરોધ પ્રદર્શન સમાપ્ત કર્યું.
આ ઘટના અંગે વિવાદ વધી રહ્યો છે, પરંતુ પોલીસનું કહેવું છે કે, બાબાને ખાતરી આપવામાં આવી છે અને તેમણે ફરિયાદ નોંધાવી નથી. આ દરમિયાન, આ મુદ્દો સોશિયલ મીડિયા પર પણ ગરમાયો છે, જ્યાં લોકો આ હુમલાની નિંદા કરી રહ્યા છે અને ન્યાયની માંગ કરી રહ્યા છે.

IIT બોમ્બેમાંથી એરોસ્પેસ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હોવાનો દાવો કરનાર અભય સિંહ પ્રયાગરાજ મહાકુંભ દરમિયાન ખૂબ જ સમાચારમાં છવાયેલા હતા. ત્યાં તેમને ‘એન્જિનિયર બાબા’ તરીકે પણ ઓળખવામાં આવતા હતા. તે કહે છે કે, તેણે આધ્યાત્મિકતાનો માર્ગ પસંદ કરીને પોતાનું જીવન શાંતિ તરફ વાળ્યું. સોશિયલ મીડિયા પર તેમની લોકપ્રિયતા ઝડપથી વધી અને તેમણે ઘણા ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લીધો.

હરિયાણાના રહેવાસી અભય સિંહ પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર પોતાને IIT બોમ્બેના ભૂતપૂર્વ વિદ્યાર્થી તરીકે વર્ણવે છે. તેમણે વિવિધ મીડિયા ઇન્ટરવ્યુમાં એવો પણ દાવો કર્યો છે કે, તેઓ એરોસ્પેસ એન્જિનિયરિંગના વિદ્યાર્થી હતા. જોકે, ઘણા સંતોએ તેમને સન્યાસી તરીકે સ્વીકારવાનો ઇનકાર કર્યો છે અને આરોપ લગાવ્યો છે કે, તેમની જીવનશૈલી પરંપરાગત આધ્યાત્મિક જીવનશૈલી સાથે મેળ ખાતી નથી.

મીડિયાને આપેલા ઇન્ટરવ્યુમાં ‘IIT બાબા’ એ કહ્યું હતું કે, અભ્યાસ પૂર્ણ કર્યા પછી, તેણે કેમ્પસ પ્લેસમેન્ટમાં ભાગ લીધો હતો, જ્યાં તેને લાખો રૂપિયાના પેકેજ સાથે નોકરી મળી હતી. પરંતુ થોડા સમય પછી તેમણે નોકરી છોડી દીધી અને આધ્યાત્મિકતાનો માર્ગ અપનાવ્યો. આ પછી તેમણે આધ્યાત્મિક પ્રવચનો આપવાનું શરૂ કર્યું અને પોતાને ભવિષ્યવક્તા કહેવા લાગ્યા. જોકે, મહાકુંભમાં તેમની ઘણી આગાહીઓ ખોટી સાબિત થઈ, જેના કારણે તેઓ વિવાદોમાં પણ ઘેરાઈ ગયા.
મહાકુંભ દરમિયાન, કેટલાક સંતોએ ‘IIT બાબા’ પર ગંભીર આરોપો લગાવ્યા હતા અને કહ્યું હતું કે, તેઓ ન તો કોઈ પરંપરાગત સંન્યાસ પરંપરાનું પાલન કરે છે અને ન તો તેમની પાસે કોઈ આધ્યાત્મિક અધિકાર છે. આમ છતાં, સોશિયલ મીડિયા અને ધાર્મિક કાર્યક્રમોમાં તેમની લોકપ્રિયતા વધી રહી છે. હવે નોઈડામાં બનેલી આ ઘટના પછી તે ફરી એકવાર હેડલાઇન્સમાં છવાઈ ગયા છે.