

ભારતીય રિઝર્વ બેંકે નાણાકીય વ્યવસ્થામાં લાંબા ગાળાની તરલતા લાવવા માટે 10 બિલિયન ડૉલરના ડૉલર-રૂપિયા સ્વેપ માટે હરાજી યોજી હતી. આ હરાજીની પતાવટ 4 અને 6 માર્ચના રોજ થશે. ત્રણ વર્ષના સમયગાળા માટે US ડૉલર અને ભારતીય રૂપિયાની ખરીદી/વેચાણ સ્વેપ હરાજીમાં 1.62 વખત સબસ્ક્રાઇબ કરવામાં આવ્યું હતું. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ જણાવ્યું હતું કે, તેને હરાજી દરમિયાન 244 બિડ મળી હતી, જેમાંથી 161 બિડ સ્વીકારવામાં આવી હતી, જેની કુલ રકમ 10.06 બિલિયન ડૉલર હતી.
આ અત્યાર સુધીની સૌથી મોટી ડૉલર-રૂપિયા સ્વેપ હરાજી હતી. બેંકિંગ સિસ્ટમમાં પ્રવાહિતાની કટોકટી બની છે. આ પરિસ્થિતિ સુધારવા માટે, RBIએ ડૉલર-રૂપિયા સ્વેપ ઓક્શનનો આશરો લીધો છે. આ હરાજી એવા સમયે યોજાઈ રહી છે, જ્યારે વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે રૂપિયો US ડૉલર સામે 87.46 પર ગગડી ગયો છે. આ સિસ્ટમ હેઠળ, બેંક RBIને US ડૉલર વેચશે અને સ્વેપ સમયગાળાના અંતે તેટલા જ US ડૉલર ખરીદવા માટે સંમત પણ થશે.

આ પહેલા જાન્યુઆરીની શરૂઆતમાં, RBIએ પાંચ અબજ ડૉલરની અદલા-બદલી સહિત અલગ અલગ માધ્યમો દ્વારા રૂ. 1.5 લાખ કરોડથી વધુની રકમ નાખવાની જાહેરાત કરી હતી. જાના સ્મોલ ફાઇનાન્સ બેંકના ટ્રેઝરી અને કેપિટલ માર્કેટ્સના વડા ગોપાલ ત્રિપાઠીના જણાવ્યા અનુસાર, ‘લાંબા ગાળાની અદલા-બદલીની હરાજીની ભારે માંગ છે, જે સિસ્ટમમાં કાયમી પ્રવાહિતા સુનિશ્ચિત કરશે. RBI લિક્વિડિટી ખાધને 1-1.5 ટ્રિલિયન રૂપિયા સુધી મર્યાદિત કરવા માંગે છે. આ માટે, ઓપન માર્કેટ ઓપરેશન્સ (OMO), ફોરેક્સ સ્વેપ અને જો જરૂર હોય તો, કેશ રિઝર્વ રેશિયો (CRR)નો ઉપયોગ કરી શકાય છે.

ભારતીય રૂપિયાને સ્થિર રાખવા માટે RBIએ તરલતાને ખાધમાં રાખવાની વ્યૂહરચના અપનાવી છે. રૂપિયા પર સતત નીચે તરફનું દબાણ છે, જેનું મુખ્ય કારણ આંતરરાષ્ટ્રીય અસ્થિરતા, ભૂ-રાજકીય તણાવ અને US ટેરિફનો ભય છે. નિષ્ણાતોના મતે, જાન્યુઆરી 2025માં, તરલતાની ખાધ 3.3 ટ્રિલિયન રૂપિયા સુધી પહોંચી ગઈ હતી, જે 14 વર્ષમાં સૌથી વધુ હતી. હાલમાં પણ, આ ખાધ 1.5 ટ્રિલિયન રૂપિયાથી વધુ છે. રૂપિયાને ઘટતો અટકાવવા માટે RBI વારંવાર વિદેશી વિનિમય બજારમાં હસ્તક્ષેપ કરી રહી છે.

ફોરેક્સ સ્વેપ એ એક નાણાકીય વ્યવહાર છે, જેમાં RBI બેંકો પાસેથી રૂપિયા લઈને ડૉલર ખરીદે છે. આનાથી બજારમાં રૂપિયાની ઉપલબ્ધતા વધે છે, એટલે કે લિક્વિડિટી ઇન્ફ્યુઝન થાય છે. RBI નિશ્ચિત સમયગાળા પછી (આ કિસ્સામાં ત્રણ વર્ષ) આ ડૉલરનું ફરીથી વેચાણ કરે છે. આનાથી વિદેશી હૂંડિયામણ ભંડાર સંતુલિત રહે છે અને રૂપિયાની અસ્થિરતાને નિયંત્રિત કરવાનો પણ પ્રયાસ થાય છે.