

ગ્રાહક કમિશનનો મહત્ત્વનો ચૂકાદો
સુરત. જો મોટરકાર (યા કોઈપણ વાહન)નો ઇન્સ્યુરન્સ લેવામાં આવ્યો હોય અને આખા વર્ષ દરમ્યાન અકસ્માત/ચોરીનો કોઈ ક્લેઈમ ન થયો હોય તો બીજા વર્ષે મોટરકારનો (વાહન)નો વીમો લેતી વખતે પ્રિમીયમની રકમમાંથી 25 ટકા રકમ No claim Bonus તરીકે બાદ મળતી હોય છે. એટલે કે વીમેદારે એટલા પ્રમાણમાં ઓછું પ્રિમીયમ ચૂકવવાનું હોય છે. પરંતુ કેટલીક વાર વીમેદારી પોતાની મોટરકારની રીપેર કરાવી પડી હોય અને તે સંબંધિત કલેઈમ વીમા કંપની પાસે લીધો હોય અને છતાં ત્યાર પછીના બીજા વર્ષે વીમો રીન્યુ કરાવતી વખતે શરતચુક/ભુલથી પાછલા વર્ષમાં અકસ્માત થયેલ હોવાની તથા પોતે કલેઈમ લીધેલ હોવાની હકીકત વીમા કંપનીને ન જણાવી હોય અને No claim Bonus નો લાભ મેળવ્યો હોય અને તેવા સંજોગોમાં વાહનને અકસ્માત થાય તો વીમા કંપનીઓ વીમેદારે સાચી અને મહત્વની હકીકત છુપાવી છે એવું જણાવી કલેઈમ નામંજુર કરી દેતી હોય છે. પરંતુ વીમા કંપનીનું વલણ યોગ્ય ન હોવાનું ગ્રાહક અદાલતોએ વખતો વખતના ચૂકદાઓ થકી ઠરાવ્યું છે. તાજેતરમાં સુરત જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન (એડીશનલ) દ્વારા એક ચૂકદામાં પણ વીમેદારે પાછલા વર્ષમાં મેળવેલ ક્લેઈમની હકીકત ન જણાવી No daim Bonus મેળવ્યું હોવા છતા મોટરકારને થયેલો અકસ્માતનો ક્લેઈલ નોન-સ્ટાન્ડર્ડ ધોરણે ચૂકવવા એટલે કે કલેઈમની રકમમાંથી 25% રકમ કાપી 75% રકમ ચૂકવવા વીમા કંપની જવાબદાર ઠરાવી છે.
એક (ફરિયાદી)એ એડવોકેટ શ્રેયસ દેસાઈ/ પ્રાચી અર્પિત દેસાઈ/ ઇશાન દેસાઈ મારફત યુનિવર્સલ સોમ્પો જનરલ ઇન્સ્યુરન્સ કંપની લી. (સામાવાળા) વિરુધ્ધ સુરત જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન સમક્ષ કરેલ ફરિયાદની વિગતો એવી છે કે, ફરિયાદીએ પોતાની Ford મોટરકારનો વીમો IDV રૂા. ૫,૩૦,000/-નો સામાવાળા વીમા કંપની કનેથી મેળવેલ હતો. વીમો અમલમાં હતો તે દરમ્યાન ફરિયાદી પોતાની મોટરકાર લઇને સુરતથી સચીન જતા હતા. ત્યારે હાઇવ પાસે સરથાણા ચારરસ્તા પર મોટરકારને એકસીડન્ટ થયેલ અકસ્માત અંગેની જાણ ફરિયાદીએ સામાવાળા વિમાકંપનીને કરેલી. અને મોટરકારને ટો કરીને મોટરકાર કંપનીના ડીલરની સુરતની વર્કશોપમાં રીપેર કરવા માટે આવેલી. સામાવાળા વિમાકંપની તરફે સર્વેયર દ્વારા મોટરકારના સર્વે કરાયેલ. વર્કશોપ દ્વારા મોટરકારને રીપેર કરવાનો એસ્ટીમેટ રૂા. ૧,૫૦,૦૦૦/- નો આપવામાં આવેલો. ત્યારબાદ સર્વેયરની સંમતિ લઈને મોટરકાર રીપેર કરાવી લેવામાં આવેલી. સામાવાળા વિમા કંપની ફરિયાદીનો ઉપરોક્ત સાચો અને વાજબી કલેઈમ ચૂકવવા બંધાયેલા હતા. આમ છતાં સામાવાળા વિમા કંપનીએ તેમના તા. ૦૩/૦૯/૨૦૨૦ ના રોજના પત્ર દ્વારા ફરિયાદીનો ફરિયાદવાળો ક્લેઈમ નામંજૂર કરેલો.
કલેઈમ નામંજુર કરવા અંગે સામાવાળા કારણ આપતા જણાવેલ હતુ કે ફરિયાદીએ ફરિયાદવાળી મોટરકારનો પાછલા વર્ષનો વીમો ICICI Lombard General Insurance કંપની પાસેથી લીધો હતો. અને પાછલા વર્ષમાં ફરિયાદીને અકસ્માત થયો હતો. જેનો ક્લેઈમ ફરિયાદીએ ICICI Lombard General Insurance કંપની કનેથી મેળવ્યો હતો. ત્યારબાદ ફરિયાદીએ ૨૦૨૦-૨૧ ના વર્ષ માટે મોટરકારનો વીમો સામાવાળા વીમા કંપની કનેથી લીધો હતો. પરંતુ વીમો લેતી વખતે પાછલા વર્ષમાં થયેલ અકસ્માત અને મેળવેલ ક્લેઈમની વીગતો ફરિયાદીએ સામાવાળા વીમા કંપનીએ જણાવી ન હતી. અને No claim Bonus નો લાભ લીધો હતો. જે હકીક્તમાં ફરિયાદીના પક્ષે મહત્વની હકીકત છુપાવી હોવાથી અને ગેરરજુઆત થઈ હોવાથી ક્લેઈમ ચૂકવી શકાય તેમ ન હોવાનું જણાવેલ હતું. જેથી ફરિયાદીએ ગ્રાહક કમિશન સમક્ષ કરિયાદ કરવી પડેલી.
ફરિયાદી તરફે દલીલો કરતા એડવોકેટ શ્રેયસ દેસાઈ, પ્રાચી દેસાઈ, ઈશાન શ્રેયસ દેસાઈ એ ગ્રાહક કમિશન સમક્ષ જણાવેલ હતુ કે, ફરિયાદવાળી મોટરકાર સંબંધે ફરિયાદવાળા વીમો આપતી વખતે સામાવાળા વીમા કંપની તરફે મોટરકાર સંબંધે તથા તેના અગાઉના ICICI Lombard General insurance co ltd વીમા સંબંધે જરૂરી તમામ તપાસ સામાવાળા તરફે કરાવવામાં આવી હતી. અને તમામ વિગતો/માહિતી મેળવ્યા બાદ પોતાને સંતોષ થયા બાદ સામાવાળા વીમા કંપનીએ ફરિયાદવાળો વીમો ઉતારવાનું પસંદ કર્યું હતું. એવી તપાસ કરાવાની, વીમા કંપનીની જવાબદારી અને ફરજ પણ હતા અને છે, વળી સામાવાળા વીમા કંપની દ્વારા નિયત Rules and Regulation અને પ્રસ્થાપિત કાનૂની સિધ્ધાંતોનું પાલન પણ કરવામાં આવેલ ન હતું. જે સામાવાળા વીમા કંપનીના પક્ષે બેદરકારી, અનફેર ટ્રેડ પ્રેક્ટીસ અને સેવામાં ક્ષતિ દર્શાવે છે. વળી, ખુદ સામાવાળા વીમા કંપનીના જણાવ્યા પ્રમાણે ૨૫% No Claim Bonus ની રકમ માત્ર રૂા. ૨૧૧૩/- હતી. જેથી, માત્ર રૂા. ૨૧૧૩/- જેવી નાની રકમનો લાભ મેળવવા ફરિયાદી ઇરાદાપૂર્વક ખોટુ ડેક્લેરેશન કરે તેવો કોઈ પ્રશ્ન ન હતો. વધુમાં, No daim bonus મેળવેલ હોય તો પણ હાલનો જેન્યુન ક્લેઈમ પુરેપુરો નામંજુર ન કરી કલેઇમના ૭૫% રકમ વિમા કંપની એવી રજુઆતો કરી હતી. નોન સ્ટાન્ડર્ડ બેઝીઝ હેઠળ ચૂકવવા જવાબદાર છે.
સુરત ગ્રાહક તકરાર નિવારણ કમિશન (એડીશનલ) ના તત્કાલીન પ્રમુખ ન્યાયાધીશ એમ.એચ.પટેલ અને સભ્ય પુર્વી જોષીએ આપેલા હુકમમાં ફરિયાદીની ફરિયાદ મંજુર કરી ફરિયાદીના ક્લેઈમની રકમ રૂા. ૧,૫૦,૦૦૦/-માંથી ૨૫% બાદ કરી ૭૫% રકમ એટલે કે રૂા. ૧,૧૨,૫૦૦/- નોન-સ્ટાન્ડર્ડ કલેઈમ તરીકે ફરિયાદીને વાર્ષિક ૭% ના વ્યાજ સહિત તેમજ વળતર/ખર્ચ માટે બીજા રૂા. ૫,૦૦૦/- સહિત ફરિયાદીને ચુકવી આપવાનો સામાવાળા વીમા કંપનીને આદેશ આપતો હુકમ કર્યો છે.