

અલ્હાબાદ હાઈકોર્ટે ન્યાયિક અધિકારી પાસે ચુકાદો લખવાની ક્ષમતા ન હોવાના મુદ્દાને ગંભીરતાથી લીધો છે. ત્યાર પછી હાઈકોર્ટે કાનપુર નગરના એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ અમિત વર્માને ત્રણ મહિનાની તાલીમ માટે જ્યુડિશિયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટમાં મોકલી આપ્યા છે.
હાઈકોર્ટે કહ્યું કે, કાનપુરના એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ અમિત વર્મા પાસે કોર્ટનો ચુકાદો લખવાની ક્ષમતા નથી. આદેશ આપતી વખતે તેઓ કારણો અને નિષ્કર્ષનો ઉલ્લેખ પણ કરતા નથી. તેથી, તેમને ત્રણ મહિનાની તાલીમ માટે મોકલી આપવાની સૂચના આપવામાં આવી છે. હાઈકોર્ટે રજિસ્ટ્રાર જનરલને નિર્દેશ આપ્યો છે કે, તેઓ ડૉ. વર્માને તાલીમ માટે મોકલવા માટે ચીફ જસ્ટિસ પાસેથી પરવાનગી લઇ લે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હાઈકોર્ટના ન્યાયાધીશે કહ્યું કે, ADJનો આવો જ એક આદેશ પહેલા પણ રદ કરવામાં આવ્યો છે. તે પછી પણ તેમણે આવી ભૂલ વારંવાર કરી છે. જે દર્શાવે છે કે તેમને તાલીમની સખત જરૂર છે. મુન્ની દેવી વિરુદ્ધ શશિકલા પાંડેની અરજીની સુનાવણી કરતી વખતે હાઇકોર્ટ જસ્ટિસ નીરજ તિવારીએ આ આદેશ આપ્યો હતો.
કાનપુર શહેરની રહેવાસી મુન્ની દેવીએ જ્યારે કોર્ટનો દરવાજો ખટખટાવ્યો ત્યારે તેમણે કદાચ કલ્પના પણ નહીં કરી હોય કે તેમનો કેસ આટલા મોટા પરિવર્તનનું કારણ બનશે. 2013માં, કાનપુરની એક મહિલા મકાનમાલિક શશિકલા પાંડેએ ભાડાની વસૂલાત અને મકાન ખાલી કરાવવા અંગે કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેમાં કોર્ટે 29 ફેબ્રુઆરી 2024ના રોજ મુન્ની દેવી વિરુદ્ધ આદેશ આપ્યો હતો.
મુન્ની દેવીએ આ નિર્ણય સામે રિવિઝન અરજી દાખલ કરી હતી, જેને 7 નવેમ્બર 2024ના રોજ ADJ દ્વારા ફગાવી દેવામાં આવી હતી. આ આદેશને હાઇકોર્ટમાં અરજી દાખલ કરીને પડકારવામાં આવ્યો હતો.

જેમાં કહેવામાં આવ્યું હતું કે, આદેશના કારણો અને નિષ્કર્ષ આપવામાં આવ્યા નથી. ન્યાયાધીશે ન્યાયિક વિવેકાધિકારનો ઉપયોગ કર્યો નથી. 17 ડિસેમ્બર, 24ના રોજ, હાઈકોર્ટે ADJનો આદેશ રદ કર્યો અને નવા આદેશની ફાઇલ નીચલી કોર્ટમાં મોકલી આપી હતી.
આ દરમિયાન, અરજદારે રિવિઝન અરજીમાં નવા આધારો ઉમેરવા માટે સુધારા અરજી દાખલ કરી. જેને ADJ દ્વારા 1 માર્ચ 2025ના રોજ કોઈપણ કારણ આપ્યા વિના રદ કરવામાં આવ્યું હતું. જેને પછી હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો.
મહિલાએ કહ્યું કે ADJ અમિત વર્માએ અગાઉના આદેશમાં જે ભૂલ કરી હતી, તે જ ભૂલ તેમણે આ આદેશમાં પણ કરી છે. તેથી ઓર્ડર રદ કરવો જોઈએ. જેના પર કોર્ટે કહ્યું કે, જજ વર્મામાં ચુકાદો લખવાની ક્ષમતા નથી, તેથી તેમને તાલીમ આપવી જોઈએ.