
4.jpg?w=1110&ssl=1)
ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની મેચમાં ભારતીય ટીમે ન્યુઝીલેન્ડને 44 રનથી હરાવ્યું હતું. મેચમાં પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 249 રન બનાવ્યા હતા, ત્યારબાદ વરુણ ચક્રવર્તીએ શાનદાર બોલિંગનું પ્રદર્શન કર્યું હતું. વરુણે પાંચ વિકેટ લીધી અને ન્યૂઝીલેન્ડના બેટ્સમેનોને કોઈ તક આપી નહીં. તેનો કુલદીપ યાદવ, રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલે સારો સાથ આપ્યો. ભારતીય બોલરો સામે ન્યૂઝીલેન્ડની આખી ટીમ 205 રનમાં ઓલઆઉટ થઈ ગઈ.
સેમિફાઇનલમાં ભારતનો ઓસ્ટ્રેલિયા સામે થશે સામનો
રોહિત શર્માના નેતૃત્વમાં, ભારતીય ટીમે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માં સારું પ્રદર્શન કર્યું છે અને અત્યાર સુધી વર્તમાન ટુર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયા અપરાજિત છે. ભારતે ગ્રુપ સ્ટેજમાં પોતાની ત્રણેય મેચ જીતી છે. ટીમ ઈન્ડિયાએ પહેલી મેચમાં બાંગ્લાદેશને 6 વિકેટથી હરાવ્યું હતું અને પછી બીજી મેચમાં પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું હતું. હવે ન્યુઝીલેન્ડને 44 રનથી હરાવ્યું છે. 4 માર્ચે દુબઈના મેદાન પર ટીમ ઈન્ડિયા સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. આ સેમિમાં ભારતીય ટીમને હંમેશાંની જેમ ટ્રેવિસ હેડનો ખૌફ છે, પણ આ વખતે વરૂણ ચક્રવર્તિ ટ્રમ્પ કાર્ડ સાબિત થઈ શકે છે અને ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાની ટીમને ધૂળ ચખાવી શકે છે.
બીજી સેમિફાઇનલ 5 માર્ચે લાહોરના મેદાન પર રમાશે. બીજી સેમિફાઇનલ ન્યુઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાશે.

ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની સેમિફાઇનલનો શેડ્યૂલ
– પહેલી સેમીફાઇનલ ભારત – ઓસ્ટ્રેલિયા, દુબઈ; 4 માર્ચ
– બીજી સેમીફાઇનલ દક્ષિણ આફ્રિકા – ન્યુઝીલેન્ડ, લાહોર; 5 માર્ચ
શ્રેયસ ઐયરે અડધી સદી ફટકારી
ન્યુઝીલેન્ડ સામેની મેચમાં, ભારતીય ટીમનો ટોપ ઓર્ડર ખરાબ રીતે ફ્લોપ થયો અને સારું પ્રદર્શન કરી શક્યો નહીં. ભારતીય ટીમે માત્ર 30 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી અને મુશ્કેલીમાં દેખાઈ રહી હતી. પરંતુ ત્યારબાદ શ્રેયસ ઐયર અને અક્ષર પટેલે થોડા સમય માટે વિકેટ પર રહેવાનો પ્રયાસ કર્યો. ઐયરે 79 રનની ઇનિંગ રમી. અક્ષર પટેલે 42 રન અને હાર્દિક પંડ્યાએ 45 રનની ઈનિંગ રમા હતી. આ ખેલાડીઓના કારણે જ ભારતીય ટીમ 249 રન સુધી પહોંચી શકી.

વરુણ ચક્રવર્તીએ પાંચ વિકેટ લીધી
આ પછી વરુણ ચક્રવર્તીએ શાનદાર બોલિંગ કરી. તેણે પોતાની 10 ઓવરમાં 42 રન આપીને 5 વિકેટ લીધી. ન્યુઝીલેન્ડની ટીમને ઝડપથી સમેટવામાં તેણે મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેના સિવાય કુલદીપ યાદવે બે વિકેટ લીધી. રવિન્દ્ર જાડેજા, હાર્દિક પંડ્યા અને અક્ષર પટેલે એક-એક વિકેટ લીધી. ન્યુઝીલેન્ડ માટે કેન વિલિયમસને ચોક્કસપણે 81 રનની ઇનિંગ રમી હતી, પરંતુ બાકીના બેટ્સમેનો સારો દેખાવ કરવામાં નિષ્ફળ રહ્યા.