

ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દાયકાઓથી રાજકીય પ્રભુત્વ ધરાવે છે. આ સફળતાનો શ્રેય મોટાભાગે નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ અને અન્ય પીઢ નેતાઓની રાજકીય કુશળતા, સંગઠનાત્મક શક્તિ અને પ્રજામાં તેમની લોકપ્રિયતાને આપવામાં આવે છે. પરંતુ આ રાજકીય સફળતાની પાછળ હાલના સમયે એક પ્રશ્ન ઊભો થાય છે: જો બધું જ મોદી કરશે, તો ગુજરાતના ચૂંટાયેલા અને સંગઠનમાં બની બેઠેલા નેતાઓની ભૂમિકા શું રહે છે? સરપંચથી લઈને નગરપાલિકા અને મહાનગરપાલિકાના કોર્પોરેટરો, ધારાસભ્યો અને સાંસદો સુધીનું વિશાળ માળખું ધરાવતી ગુજરાત ભાજપમાં આ નેતાઓનું પોતાના મતવિસ્તારમાં મૂલ્ય શું છે?
આવો આ સમજવાનો પ્રયાસ કરીએ,
નરેન્દ્રભાઈ મોદીના નામે વોટ અને જીતનો દોર:
દેશ અને ગુજરાતના રાજકારણમાં નરેન્દ્રભાઈ મોદીનું નામ એક બ્રાન્ડ બની ગયું છે. પ્રદેશના નેતાઓ ઘણીવાર એવું કહેતા સાંભળવા મળે છે કે “આપણને મોદીસાહેબના નામે વોટ મળે છે, મોદીસાહેબના નામે જીત મળે છે.” આ વાતમાં સાતત્ય છે કારણ કે નરેન્દ્રભાઈ મોદીની લોકપ્રિયતા, તેમનું વિકાસનું મોડેલ અને રાષ્ટ્રીય સ્તરે તેમની છબીએ ભાજપને મજબૂત રાજકીય આધાર આપ્યો છે. પરંતુ આ વાતનું બીજું પાસું એ છે કે આ નિવેદન ચૂંટાયેલા નેતાઓની પોતાની ક્ષમતા અને યોગદાન પર પ્રશ્નચિહ્ન ઉભું કરે છે. જો પ્રજા માત્ર મોદી અને ભાજપના નામે વોટ આપે છે તો ધારાસભ્યો, સાંસદો અને કોર્પોરેટરોનું પોતાનું મૂલ્ય શું રહે છે? શું તેઓ માત્ર મોદીના નામે ચૂંટણી જીતીને બેસી રહેવા માટે છે?
9.jpg?w=1110&ssl=1)
ચૂંટાયેલા નેતાઓની ભૂમિકા અને જવાબદારી:
ગુજરાત ભાજપનું સંગઠનાત્મક માળખું ખૂબ જ વ્યાપક રહ્યું અને હાલમાં નબળું છે. ગામડાઓના સરપંચથી લઈને શહેરોના કોર્પોરેટરો, ધારાસભ્યો અને સાંસદો સુધીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પ્રજાએ ચૂંટ્યા છે. આ નેતાઓની મુખ્ય જવાબદારી છે કે તેઓ પોતાના મતવિસ્તારની સમસ્યાઓને સમજે અને તેનું નિરાકરણ લાવે અને કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની યોજનાઓને છેલ્લા નાગરીક સુધી પહોંચાડે. પરંતુ હાલના સમયમાં એવું જણાય છે કે આ નેતાઓનું ધ્યાન પ્રજાની સેવા કરતાં સોશિયલ મીડિયા પર પોતાની છબી ચમકાવવા અને રાજકીય હોદ્દાનો લાભ લેવા પર વધુ કેન્દ્રિત છે.
એક સમય હતો જ્યારે સાચા સમાજસેવકો પ્રજાના ઘરો, સોસાયટીઓ અને મહોલ્લાઓ સુધી જતા હતા. તેઓ લોકોની સમસ્યાઓ સાંભળતા સમજતા અને તેના ઉકેલ માટે સતત પ્રયત્નશીલ રહેતા. આજે આવા સમાજસેવકો ખોવાઈ ગયા હોય તેવું જણાય છે. ચૂંટાયેલા નેતાઓ મોદી અને શાહના નામે વોટ ભેગા કરી લે છે પરંતુ જીત્યા પછી પ્રજા તરફ ધ્યાન આપવાનું ભૂલી જાય છે. આવી સ્થિતિમાં પ્રશ્ન થાય છે: શું આ નેતાઓ ખરેખર પોતાની જવાબદારી નિભાવી રહ્યા છે?

સરકારી યોજનાઓ અને નેતાઓની નિષ્ફળતા:
કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અનેક યોજનાઓ શરૂ કરવામાં આવી છે જેનો હેતુ ગરીબો, ખેડૂતો, મહિલાઓ અને યુવાનોના જીવનમાં સુધારો લાવવાનો છે. પરંતુ આ યોજનાઓને જમીની સ્તર સુધી પહોંચાડવાની જવાબદારી ચૂંટાયેલા પ્રતિનિધિઓની છે. દુઃખની વાત એ છે કે ઘણા ધારાસભ્યો અને સાંસદો આ કામમાં સક્ષમ નથી જણાતા. તેમના મતવિસ્તારના નાગરિકોને આ યોજનાઓનો લાભ નથી મળી રહ્યો અને આ નિષ્ફળતાનો બોજ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ ઉપાડી રહ્યા છે.
આ અધિકારીઓ અને કર્મચારીઓ ખરેખર સાચા દેશસેવક તરીકે કામ કરી રહ્યા છે. તેઓ જનતાની સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે દિવસ-રાત મહેનત કરે છે જ્યારે ચૂંટાયેલા નેતાઓ ફક્ત ફોટા પડાવીને અને સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહેવાનો પ્રયાસ કરે છે. આવી સ્થિતિમાં એક મોટો પ્રશ્ન ઊભો થાય છે: જો નેતાઓ પોતાનું કામ નહીં કરે તો પ્રજાએ તેમને ચૂંટીને શું મેળવ્યું?

ગુજરાત ભાજપમાં એક નવો ધારો પડી ગયો છે, જેમાં નેતાઓ મોદી અને શાહના નામે વોટ ભેગા કરે છે અને પછી પોતાની જવાબદારી ભૂલી જાય છે. આ ધારામાં સોશિયલ મીડિયાની ભૂમિકા પણ મહત્વની છે. આજના સમયમાં ઘણા નેતાઓ પોતાની કામગીરી બતાવવા કરતાં ફોટા અને વીડિયો દ્વારા પોતાની હાજરી બતાડવામાં વધુ રસ લે છે. આનાથી એવું લાગે છે કે રાજકારણ હવે સેવાનું માધ્યમ નહીં પરંતુ ખ્યાતિ અને સત્તાનું સાધન બની ગયું છે.
આ નવી રાજકીય સંસ્કૃતિમાં સાચા સમાજસેવકોનું સ્થાન ઘટતું જાય છે. જે નેતાઓ ગામડાઓ અને શહેરોની ગલીઓમાં જઈને પ્રજાની સમસ્યાઓ સાંભળતા હતા તેમની જગ્યા હવે એવા નેતાઓએ લઈ લીધી છે જેઓ ઓફિસમાં બેસીને અથવા સોશિયલ મીડિયા પર પોતાનું કામ પૂરું માને છે. આનાથી પ્રજા અને નેતાઓ વચ્ચેનું અંતર વધી રહ્યું છે.
5.jpg?w=1110&ssl=1)
નેતાઓને વિનંતિ કે કામ કરો, પ્રજાની સેવા કરો:
ગુજરાત ભાજપના નેતાઓ માટે આ એક ચિંતનનો સમય છે. મોદી અને શાહના નામે વોટ મળવા એ એક તક છે પરંતુ તેનો અર્થ એ નથી કે ચૂંટાયેલા નેતાઓની જવાબદારી ખતમ થઈ જાય છે.
તેમણે સમજવું જોઈએ કે પ્રજાએ તેમને મત આપ્યો છે અને તે મતનું મૂલ્ય ત્યારે જ સાબિત થશે જ્યારે તેઓ પોતાના મતવિસ્તારની સમસ્યાઓનું નિરાકરણ લાવશે.
આ નેતાઓને વિનંતિ કરીએ કે તેઓ સોશિયલ મીડિયાની ચમક-દમક છોડીને પ્રજાની વચ્ચે જઈને કામ કરે. સરકારી યોજનાઓને નાગરિકો સુધી પહોંચાડે. તેમની સમસ્યાઓ સાંભળે અને તેના ઉકેલ માટે સતત પ્રયત્નશીલ રહે. જો તેઓ આવું કરશે, તો માત્ર મોદીના નામે નહીં પોતાના કામના આધારે પણ પ્રજાનો વિશ્વાસ જીતી શકશે.
ગુજરાત ભાજપનું રાજકીય માળખું ખૂબ જ મજબૂત છે પરંતુ તેની સફળતાની ચિંતા અને મહેનત માત્ર નરેન્દ્ર મોદી અને અમિત શાહના શિરે ન રહેવી જોઈએ. ચૂંટાયેલા નેતાઓએ પોતાની જવાબદારી સમજવી જોઈએ અને પ્રજાની સેવામાં પોતાનું યોગદાન આપવું જોઈએ. જો તેઓ આમ નહીં કરે તો રાજકારણ માત્ર સત્તા અને ખ્યાતિનું સાધન બની રહેશે અને સાચી સમાજસેવાનો હેતુ ક્યાંય ખોવાઈ જશે. આજે સમય છે કે ગુજરાતના નેતાઓ પોતાની કાર્યક્ષમતા સાબિત કરે અને પ્રજાના સાચા પ્રતિનિધિ બને.