

ભારતના સ્ટાર ફૂટબોલ ખેલાડી સુનીલ છેત્રીએ અચાનક જ રિટાયરમેંટ પાછી ખેંચી લીધી છે. સુનિલ છેત્રી ભારત માટે સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી છે. રિટાયરમેંટ પછી પાછા ફર્યા બાદ, તે હવે માર્ચમાં ફરીથી મેદાન પર રમતા જોવા મળશે. લગભગ 40 વર્ષના સુનીલ છેત્રીએ ગયા વર્ષે જૂનમાં રિટાયરમેંટની જાહેરાત કરી હતી. પરંતુ લગભગ 8 મહિના પછી, તે ફરીથી વાપસી કરી રહ્યો છે.

બાંગ્લાદેશ સામે રમી શકે છે મેચ
હાલમાં ફક્ત AFC એશિયન કપ 2027 માટે ક્વોલિફાયર રાઉન્ડ રમાઈ રહ્યા છે. ભારતીય ટીમ 25 માર્ચે બાંગ્લાદેશ સામે રમશે. એવું માનવામાં આવે છે કે તેમાં સુનીલ છેત્રી પણ જોવા મળશે. સુનિલ છેત્રીએ 94 ગોલ કર્યા છે. તે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, લિયોનેલ મેસ્સી અને અલી દાઈ પછી પુરુષોના ફૂટબોલમાં ચોથા ક્રમે સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી છે. જોકે, સુનીલ છેત્રી રિટાયરમેંટ પછી કેમ પાછા ફર્યા છે તે અંગે હજુ સુધી ચિત્ર સ્પષ્ટ નથી. આ માહિતી ભારતીય ફૂટબોલ ટીમે એક એક્સ-પોસ્ટ દ્વારા આપી છે. પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે સુનીલ છેત્રી વાપસી કરી રહ્યા છે. કેપ્ટન, નેતા, દિગ્ગજ માર્ચમાં ફિફા ઇન્ટરનેશનલ વિન્ડો માટે ભારતીય રાષ્ટ્રીય ટીમમાં પાછા ફરશે.

ઘણા રેકોર્ડ બનાવી ચૂક્યા છે સુનિલ
સુનીલ છેત્રીએ ભારત તરફથી રમતી વખતે ઘણા નવા રેકોર્ડ બનાવ્યા છે. જોકે,તેના રિટાયરમેંટ પછી પણ, સુનિલે ઇન્ડિયન સુપર લીગમાં બેંગલુરુ એએફસી માટે રમવાનું ચાલુ રાખ્યું છે, જ્યાં તે શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. છેત્રીએ 2024-25 સીઝનમાં 12 ગોલ કર્યા છે અને 2 આસિસ્ટ પણ કર્યા છે. ભારતને AFC એશિયન કપ ક્વોલિફાઇંગ ગ્રુપમાં બાંગ્લાદેશ, હોંગકોંગ (ચીન) અને સિંગાપોર સાથે સ્થાન આપવામાં આવ્યું છે અને તેઓ તેમના અભિયાનની શરૂઆત શિલોંગથી કરશે.
આ પુરસ્કારો પણ એનાયત કરવામાં આવ્યા છે છેત્રીને
સુનીલ છેત્રીને 2011 માં અર્જુન એવોર્ડ અને 2019 માં પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા. વર્ષ 2021 માં, તે ભારતના સર્વોચ્ચ રમત સન્માન, ખેલ રત્ન પુરસ્કાર મેળવનાર પ્રથમ ફૂટબોલર બન્યો. અત્યાર સુધીના લગભગ 19 વર્ષના તેમના કરિયરમાં, તેમણે આંતરરાષ્ટ્રીય સ્તરે 150 મેચોમાં 94 ગોલ કર્યા છે. ભારતીય ફૂટબોલ દિગ્ગજ સુનિલ છેત્રી ઓલ ટાઇમ ઇન્ટરનેશનલ ગોલ સ્કોરર્સની યાદીમાં ચોથા ક્રમે છે.