

અમેરિકાના લોસ એન્જલસમાં કહેવાતા ‘ખાલિસ્તાની લોકમત‘ના થોડા દિવસો પહેલા, કેલિફોર્નિયાના ચિનો હિલ્સમાં BAPS હિન્દુ મંદિરમાં તોડફોડનો મામલો પ્રકાશમાં આવ્યો છે. આ સાથે મંદિર પર વાંધાજનક સંદેશાઓ લખવામાં આવ્યા હતા. BAPSના સત્તાવાર પેજે એક સોશિયલ પોસ્ટમાં કેસ વિશે વિગતો શેર કરી છે. તેમાં એ વાત પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો કે, તેઓ ક્યારેય નફરતને મૂળિયાં પકડવા દેશે નહીં અને શાંતિ અને કરુણાનો ફેલાવો કરશે.
સોશિયલ મીડિયા પોસ્ટમાં, BAPS પબ્લિક અફેર્સે લખ્યું, ‘એક વધુ મંદિર અપવિત્ર થયું, કેલિફોર્નિયાના ચિનો હિલ્સમાં હિન્દુ સમુદાય નફરત સામે એકમત સાથે અડગ છે. ચિનો હિલ્સ અને દક્ષિણ કેલિફોર્નિયાના સમુદાય સાથે મળીને, અમે ક્યારેય નફરતને મૂળિયાં પકડવા દઈશું નહીં. આપણી સહિયારી માનવતા અને શ્રદ્ધા સુનિશ્ચિત કરશે કે શાંતિ અને કરુણાનો ફેલાવો થશે.‘

ભારતે આ ઘટનાની સખત નિંદા કરી છે અને સંડોવાયેલા લોકો સામે ‘કડક કાર્યવાહી‘ કરવાની માંગ કરી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું, ‘અમે કેલિફોર્નિયાના ચિનો હિલ્સમાં એક હિન્દુ મંદિરમાં તોડફોડના અહેવાલો જોયા છે. અમે આવા ઘૃણાસ્પદ કૃત્યોની સખત શબ્દોમાં નિંદા કરીએ છીએ.‘
તેમને કહ્યું કે, ‘અમે સ્થાનિક કાયદા અમલીકરણ અધિકારીઓને આ કૃત્યો માટે જવાબદાર લોકો સામે કડક પગલાં લેવા અને ધાર્મિક સ્થળોની પૂરતી સુરક્ષા સુનિશ્ચિત કરવા હાકલ કરીએ છીએ.‘

ઉત્તર અમેરિકાના હિન્દુઓના ગઠબંધન (CoHNA)એ પણ સોશિયલ મીડિયા પર આ ઘટના વિશે માહિતી શેર કરી અને કહ્યું કે, કેલિફોર્નિયામાં પ્રતિષ્ઠિત BAPS મંદિરનું અપમાન લોસ એન્જલસમાં કહેવાતા ખાલિસ્તાન લોકમત પહેલા થયું છે.
આ પોસ્ટમાં 2022થી મંદિરોમાં તોડફોડના અન્ય તાજેતરના કેસોની યાદી આપવામાં આવી છે અને આ બાબતની તપાસની માંગ કરવામાં આવી છે.

CoHNAએ ઉત્તર અમેરિકામાં હિન્દુ ધર્મ અને હિન્દુ સમુદાયને અસર કરતા મુદ્દાઓની સમજ સુધારવા માટે સમર્પિત એક પાયાના સ્તરે હિમાયતી સંસ્થા છે.
ગયા વર્ષે પણ મંદિરમાં તોડફોડની ઘટનાઓ બની હતી, જ્યારે 25 સપ્ટેમ્બરની રાત્રે કેલિફોર્નિયાના સેક્રામેન્ટોમાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી. આ ઘટના ન્યૂ યોર્કના BAPS મંદિરમાં બનેલી આવી જ ઘટનાના 10 દિવસથી પણ ઓછા સમયમાં બની હતી.
