

ટીમ ઈન્ડિયાએ ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો. ત્યાર પછી ટ્રોફી સાથે ઉજવણીની ઘણી તસવીરો બહાર આવી રહી છે અને આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ પણ થઈ રહી છે. ટીમ ઈન્ડિયાને ટ્રોફી પ્રસ્તુત કરતી વખતે ICC અને BCCIના ઘણા ઉચ્ચ અધિકારીઓ પણ જોવા મળ્યા હતા. જોકે, આ તસવીરોમાં યજમાન રાષ્ટ્ર પાકિસ્તાનનો એક પણ અધિકારી નહોતો. ત્યાર પછી શોએબ અખ્તરે પણ ત્યાંના અધિકારીઓની આકરી ટીકા કરી હતી. હવે અહેવાલો અનુસાર, PCBના અધિકારી ત્યાં હાજર હોવા છતાં, તેમને સ્ટેજ પર બોલાવવામાં આવ્યા ન હતા. આ અંગે ઘણો હોબાળો મચી ગયો છે. હાલમાં, આ સમગ્ર મામલે PCB દ્વારા કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.

પાકિસ્તાનની એક સ્થાનિક મીડિયા ચેનલમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ, સૂત્રોના હવાલાથી જાણવા મળ્યું છે કે, PCBના ચીફ ઓપરેટિંગ ઓફિસર (COO) સુમેર અહેમદ, જે ટુર્નામેન્ટ ડિરેક્ટર પણ હતા, સમાપન સમારોહમાં હાજર હતા. જોકે, ત્યાં હોવા છતાં, તેમને સ્ટેજ પર બોલાવવામાં આવ્યા ન હતા.
રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, PCBના ચેરમેન મોહસીન નકવી સ્વાસ્થ્યના કારણોસર દુબઈ ગયા ન હતા. એટલા માટે PCBએ તેના COOને પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કરવા મોકલ્યા. હકીકતમાં, એવોર્ડ સમારોહ દરમિયાન, ફક્ત ICC પ્રમુખ જય શાહ, BCCI પ્રમુખ રોજર બિન્ની અને સચિવ દેવજીત સૈકિયા હાજર હતા, જેમણે ખેલાડીઓને ટ્રોફી, મેડલ અને જેકેટ આપ્યા હતા.

આ દરમિયાન, ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટન એરોન ફિન્ચ ટ્રોફી સાથે સ્ટેજ પર પહોંચ્યા, જ્યારે ગયા વખતે આ ટુર્નામેન્ટની ચેમ્પિયન પાકિસ્તાન ટીમ હતી. આવી સ્થિતિમાં, પાકિસ્તાની મીડિયાએ ચાહકોનો ઉલ્લેખ કરીને આ પ્રશ્ન પણ ઉઠાવ્યો કે, ભૂતપૂર્વ પાકિસ્તાની કેપ્ટન હોવા છતાં સરફરાઝ અહેમદને ત્યાં કેમ આમંત્રણ ન આપવામાં આવ્યું.

ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટર શોએબ અખ્તર (ચેમ્પિયન્સ ટ્રોફી 2025)એ આ સમગ્ર મામલા અંગે PCBની ટીકા કરી હતી. એવોર્ડ સમારોહ પછી, અખ્તરે તેના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો અને PCBને ખખડાવતા કહ્યું હતું કે, ‘ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી જીતી છે, અને મેં એક વિચિત્ર વાત જોઈ કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનો કોઈ પ્રતિનિધિ અહીં હાજર નહોતો. આ ચેમ્પિયન્સ ટ્રોફીનું યજમાન પાકિસ્તાન હતું, પરંતુ તેનો કોઈ પ્રતિનિધિ ત્યાં જોવા મળ્યો ન હતો. આ વાત મારી સમજની બહાર છે. કોઈ પ્રતિનિધિ ટ્રોફી આપવા કેમ ન આવ્યો? આ વાત ચોક્કસ વિચારવી જોઈએ.’
અખ્તરે આગળ કહ્યું, ‘આ વિશ્વ મંચ છે, તમારે (PCB) અહીં હાજર રહેવું જોઈતું હતું. પરંતુ દુઃખની વાત એ છે કે મેં અહીં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના કોઈ સભ્યને જોયો નહીં. આપણે આ ટુર્નામેન્ટના યજમાન હતા, છતાં કોઈ પ્રતિનિધિ હાજર નહોતો. આ વિશે જરૂર વિચારવું જોઈએ.’ શોએબ અખ્તરે કહ્યું કે, આ જોવું દરેક પાકિસ્તાની માટે ખૂબ જ દુઃખદ ક્ષણ હતી.