

મહારાષ્ટ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી ‘લાડલી બહેન યોજના’એ રાજ્યના બજેટને હચમચાવી નાખ્યું છે. મહારાષ્ટ્રના લઘુમતી મંત્રી દત્તાત્રેય ભરણેએ જણાવ્યું હતું કે આ યોજનાને કારણે રાજ્યની તિજોરી પર નાણાકીય બોજ વધી રહ્યો છે. તેમણે એક કાર્યક્રમ દરમિયાન આ વાતનો ખુલાસો કર્યો.
મહારાષ્ટ્રના લઘુમતી મંત્રી દત્તાત્રેય ભરણેએ પુણેના ઇન્દાપુરમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન જણાવ્યું હતું કે, રાજ્યના દેવામાં વધારાને કારણે, ગયા અઠવાડિયે મહાયુતિ સરકારના બજેટમાં ‘લાડલી બહેન યોજના’ માટેના ભંડોળમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. આ યોજના માટે અંદાજે 10 હજાર કરોડ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ યોજના હેઠળ, 21-65 વર્ષની વયની મહિલાઓને દર મહિને 2,100 રૂપિયા આપવામાં આવતા હતા.

અહીં તમને જણાવી દઈએ કે, ‘લાડલી બહેન યોજના’ ગયા વર્ષે જુલાઈ 2024માં શરૂ કરવામાં આવી હતી. આ વર્ષે નવેમ્બરમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની હતી. આવી સ્થિતિમાં, શિવસેના, NCP અને BJP સરકારે સત્તામાં આવવાના લોભમાં વચન આપ્યું હતું કે તેઓ આ યોજના હેઠળ દર મહિને 2,100 રૂપિયા આપશે. હવે લઘુમતી મંત્રીએ તેમના સમર્થકોને અપીલ કરી છે અને કહ્યું છે કે, ‘સરકાર ‘લાડલી બહેન યોજના’ના નાણાકીય બોજનો સામનો કરી રહી છે. આ વાત માનવી જ પડે એમ છે. તેથી, હું તમને વિનંતી કરું છું કે, આ વર્ષે ઓછી માંગ કરજો.’ અર્થ સ્પષ્ટ છે કે પૈસાની અછતને કારણે લોકોને ઓછી માંગણી કરવાનું કહેવામાં આવી રહ્યું છે.

હવે વિપક્ષી નેતાઓ આ યોજનાને લઈને સરકાર પર નિશાન સાધી રહ્યા છે. તેમણે આરોપ લગાવ્યો કે, રાજ્યની મહાયુતિ સરકાર ‘લાડલી બહેન યોજના’ બંધ કરવા જઈ રહી છે, જોકે શિવસેનાના નેતા અને મહારાષ્ટ્ર સરકારના મંત્રી શંભુરાજ દેસાઈએ આ વાતનો ઇનકાર કર્યો છે. તેમણે કહ્યું, ‘સરકારના કોઈપણ મંત્રી કે નેતાએ એવું નથી કહ્યું કે અમે ‘લાડલી બહેન યોજના’ બંધ કરવા જઈ રહ્યા છીએ.’

અહીં તમને જણાવી દઈએ કે, મહારાષ્ટ્ર સરકાર દ્વારા મહિલા સશક્તિકરણ માટે રાજ્યમાં ‘લાડલી બહેન યોજના’ લાગુ કરવામાં આવી છે. પરંતુ હવે આ યોજનાને કારણે અન્ય કલ્યાણકારી યોજનાઓના બજેટમાં કાપ મૂકવાનો મુદ્દો ચર્ચામાં છે. આ યોજના માટે, સામાજિક ન્યાય વિભાગ પાસેથી 7,000 કરોડ રૂપિયા અને આદિજાતિ વિકાસ વિભાગ પાસેથી 3,000 કરોડ રૂપિયા પાછા ખેંચી લેવામાં આવ્યા છે. કુલ 10,000 કરોડ રૂપિયાનું બજેટ અન્ય યોજનાઓમાંથી લેવામાં આવ્યું છે.