

ગુજરાતમાં 64 વર્ષ પછી પહેલીવાર કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન 8 અને 9 એપ્રિલે મળવાનું છે અને કોંગ્રેસના નેતાઓ આના માટે તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. અધિવેશનમાં આવનારા મહેમાનો માટે કોંગ્રેસે અમદાવાદમાં 16 ફાઇવ સ્ટાર કક્ષાની હોટલો બુક કરી લીધી છે.
મહેમાનોના આગામનથી માંડીને તમામ પ્રકારની સુવિધા માટે 40 ટીમ બનાવવામાં આવી છે અને એક ટીમમાં 3 સભ્યોનો સમાવેશ છે.અન્ય રાજ્યોમાંથી આવનારા નેતાઓ માટે દુભાષિયાઓની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 6 અધિવેશન યોજાયા હતા જેમાં પહેલું અધિવેશન 1901માં અને છેલ્લું અધિવેશન 1961માં ભાવનગરમાં મળ્યું હતું.
અમદાવાદમાં મળનારા રાષ્ટ્રીય અધિવેશનમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા સહીતના ટોચના કોંગ્રેસ નેતાઓ ગુજરાત આવવાના છે. 8 તારીખે કોંગ્રેસ વર્કીંગ કમિટીની બેઠક મળશે અને 9 તારીખે અધિવેશન મળશે.