

શું ઈસુ ખ્રિસ્તનું 2025માં ફરી ધરતી પર આગમન થશે? ઘણા ધર્મોમાં, ભગવાન કે દુતોના ધરતી પર ફરી આગમનને લઈને લોકોની માન્યતાઓ છે. ખ્રિસ્તી ધર્મ પણ તેનાથી દૂર નથી, જ્યાં એક ધારણા ઈસુ ખ્રિસ્તના ધરતી પર ફરી આગમનને લઈને છે. તેને લઈને થનારી બહેસોમાં ક્રિપ્ટોકરન્સીના દીવાના પણ સામેલ છે. સ્થિતિ એવી છે કે, બ્લોકચેનની દુનિયામાં ઇસુ ખ્રિસ્તનું વર્ષ 2025માં ધરતી પર ફરી આગમન થશે તેવી શક્યતાને લઈને સટ્ટાબાજી ચાલી રહી છે.

ઇસુ ખ્રિસ્તના ફરી ધરતી પર આગમન પર કેટલાનો દાવ?
બ્લોકચેન એટલે ડિજિટલ ખાતાવહી, જેમાં કમ્પ્યુટરમાં લેવડદેવડનો રેકોર્ડ સુરક્ષિત રીતે સ્ટોર થાય છે. ક્રિપ્ટોકરન્સી એક ડિજિટલ પૈસા છે અને તે બ્લોકચેન પર ચાલે છે. ખાસ વાત એ છે કે તેમાં બેંકોની જરૂરિયાત પડતી નથી અને અહીં પોલીમાર્કેટના માધ્યમથી સટ્ટાબાજી પણ કરવામાં આવે છે. ચુકવણી ક્રિપ્ટોમાં કરવામાં આવે છે. પોલીમાર્કેટમાં સટ્ટો એ વાત પર લાગ્યો છે કે, શું ઈસુ ખ્રિસ્તનું 2025માં ઘરતી પર ફરી આગમન થશે? ક્રિપ્ટોકરન્સી સાથે જોડાયેલા સમાચાર પ્રકાશિત કરનાર વેબસાઇટ Bitcoin.com અનુસાર, અત્યાર સુધીમાં 1,60,932 ડૉલરનો વેપાર થઈ ચૂક્યો છે.
સટ્ટાબાજીના નિયમ છે કે જો 31 ડિસેમ્બર, 2025ની રાત્રે 11 વાગીને 59 મિનિટ સુધીમાં ઈસુ ખ્રિસ્તનું ધરતી પર ફરી આગમન થાય છે, તો આ બજાર ‘હા’ પર સેટલ થઈ જશે. તેનો નિર્ણય વિશ્વસનીય સોર્સની સહમતિથી લેવામાં આવશે. રિપોર્ટ અનુસાર, અત્યારે જો કોઈ આ ‘સટ્ટાબજાર’માં ઇસુનું આ વર્ષે આગમન ન થવા પર શરત લગાવે છે અને જો તે સાચું થશે તો તે 13,000 ડૉલર (લગભગ 1 લાખ 11 હજાર રૂપિયા)થી વધુ કમાઈ શકે છે. પરંતુ ભગવાનના ફરી આગમન પર મહોર કોણ મારશે? તેને લઈને હજુ કંઈ સ્પષ્ટ નથી.

ઈસુ ખ્રિસ્તના પાછા ફરવાના દાવાઓમાં કેટલો દમ?
ખ્રિસ્તી ધર્મમાં, ઈસુ ખ્રિસ્તના ફરી ધરતી આગમનની ધારણાને ‘પારુસિયા’ ‘ (સેકન્ડ કમિંગ) કહેવામાં આવે છે. આ માન્યતાનો ઉલ્લેખ બાઇબલમાં ખાસ કરીને ન્યૂ ટેસ્ટામેન્ટ (નવા કરાર)માં કરવામાં આવ્યો છે. ન્યૂ ટેસ્ટામેન્ટનું પહેલું પુસ્તક, મેથ્યૂ 24:30-31 માં, લખવામાં આવ્યું છે કે પૃથ્વી પર ઈસુ ખ્રિસ્તનું બીજું આગમન એક ભવ્ય ઘટના હશે. ‘મેથ્યૂ 24:6-7’માં બતાવવામાં આવ્યું છે કે, ઈસુ ખ્રિસ્તનું બીજું આગમન એવા સમયે થશે, જ્યારે દુનિયા ભયંકર સંકટમાંથી પસાર થઈ રહ્યું હશે. જો કે, બાઇબલમાં આ ઘટનાની તારીખનો કોઈ ઉલ્લેખ નથી. ‘મેથ્યૂ 24:36’ અનુસાર, તે પળ બાબતે કોઈને જાણકારી નથી.