

બાંગ્લાદેશમાં હાલના દિવસોમાં પરિસ્થિતિ કંઈક એવી છે કે, લોકોને સરકારની નિંદા કરવી મોંઘી પડી શકે છે. પછી ભલે તમે પ્રખ્યાત એક્ટ્રેસ હોવ કે સૌંદર્ય સ્પર્ધાના વિજેતા. સોશિયલ મીડિયા પર સરકાર કે સૈન્ય નેતૃત્વ વિરુદ્ધ કંઈપણ બોલવું, એ સીધો જેલનો માર્ગ ખોલી રહ્યું છે. દેશની રાજધાની ઢાકાથી જે સમાચાર આવી રહ્યા છે, તે ન માત્ર ભયાનક છે, પરંતુ એ પણ દેખાડે છે કે, કેવી રીતે બાંગ્લાદેશમાં લોકતાંત્રિક અવાજો દબાવવામાં આવી રહ્યા છે. તાજેતરમાં જ, દેશની વચગાળાની સરકારના મુખિયા મુહમ્મદ યૂનુસની પોલીસે ઘણી મોટી હસ્તીઓની ધરપકડ કરી છે.

બાંગ્લાદેશની ‘મિસ અર્થ 2020’ મેઘના આલમને ગુરુવારે ઢાકા મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સેફતુલ્લાહની કોર્ટે 30 દિવસની જેલની સજા ફટકારી છે. તેની વિરુદ્ધ સ્પેશિયલ પાવર્સ એક્ટ, 1974 હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે, જે સરકારને કોઈને પણ કેસ વિના કોઈને પણ કસ્ટડીમાં લેવાનો અધિકાર આપે છે. મેઘનાની ત્યારે ધરપકડ કરવામાં આવી, જ્યારે તે ફેસબુક પર લાઈવ હતી. આ દરમિયાન, કથિત રીતે ડિટેક્ટિવ બ્રાન્ચ (DB)ની પોલીસે તેના ઘરનો દરવાજો તોડીને અંદર ઘૂસી અને તેને પોતાની સાથે લઈ ગઈ. ઢાકા ટ્રિબ્યૂનના રિપોર્ટ મુજબ, જાણીતી એક્ટ્રેસ સોહાના સબાની પણ DB પોલીસે પૂછપરછ કરી છે. જોકે, હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે તેના પર કયા પ્રકારના આરોપો લગાવવામાં આવ્યા છે.
આ દરમિયાન, એક્ટ્રેસ અને નિર્દેશક મેહર અફરોઝ શાઓનની રાજદ્રોહના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. કહેવામા આવી રહ્યું છે કે, તેની ધરપકડના થોડા કલાકો અગાઉ જ તેના પરિવારિક ઘર પર હુમલો થયો હતો. શાઓને તાજેતરમાં જ નોબેલ પુરસ્કાર વિજેતા મુહમ્મદ યૂનુસના નેતૃત્વવાળી વચગાળાની સરકારની નિંદા કરી હતી. બાંગ્લાદેશમાં આ ઘટનાઓની પૃષ્ઠભૂમિ રાજનીતિક ઉથલ-પાથલ સાથે જોડાયેલી છે. પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ પદ છોડવા અને સેના તરફથી સત્તા સંભાળ્યા બાદ દેશમાં પરિસ્થિતિ તણાવપૂર્ણ છે. સતત વિરોધ પ્રદર્શન અને હિંસક ઘટનાઓ થઈ રહી છે.

વર્તમાન વચગાળાની સરકારે વિરોધી અવાજોને દબાવવા માટે કડક વલણ અપનાવ્યું છે. સોશિયલ મીડિયા પર સરકારની નિંદા કરનારાઓને નિશાનો બનાવવામાં આવી રહ્યા છે. ઘણા કલાકારો, એક્ટિવિસ્ટ અને નાગરિકોની રાજદ્રોહ જેવા ગંભીર આરોપોમાં ધરપકડ કરવામાં આવી છે. સરકારની નિંદા કરવી હવે ગુનો બની ગઈ છે અને તેનાથી નાગરિક સ્વતંત્રતા પર ગંભીર સવાલ ઉભા થયા છે.