

વડોદરામાં હોળીના દિવસે બનેલી હિટ એન્ડ રનની ઘટનાનો મુખ્ય આરોપી રક્ષિત ચૌરસિયાનો FSL રિપોર્ટ આવી ગયો છે. રક્ષિત ચૌરસિયાના બ્લડ સેમ્પલની તપાસમાં નશાની પુષ્ટિ થઈ છે. વડોદરા પોલીસે આ મામલે મોટો ખુલાસો કરતા જણાવ્યું હતું કે, રક્ષિત ચૌરસિયાએ તેના મિત્ર પ્રાંશુ ચૌહાણ સાથે મળીને સુરેશ ભરવાડના ઘરે ગાંજા પીધો હતો. પોલીસને ગાંધીનગર FSL પાસેથી મળેલા રિપોર્ટમાં રક્ષિત ચૌરસિયા, પ્રાંશુ ચૌહાણ અને સુરેશ ભરવાડ નશામાં હોવાની વાતને પુષ્ટિ થઇ છે. આ મામલે ભારે વિવાદ થયો હતો. બોલિવુડ એક્ટ્રેસ જાહ્નવી કપૂરની પણ પ્રતિક્રિયા પણ સામે આવી છે. FSLના રિપોર્ટમાં નશાની પુષ્ટિ બાદ રક્ષિત ચૌરસિયાની મુશ્કેલીઓ વધી શકે છે.

FSL રિપોર્ટમાં નશાની પુષ્ટિ થયા બાદ વડોદરા પોલીસ પ્રાંશુ ચૌહાણ અને સુરેશ ભરવાડને શોધી રહી છે. બંને પોલીસની પ્રાથમિક તપાસથી ફરાર છે. પોલીસ 2 ટીમ બનાવીને અંતિમ લોકેશન અને બાતમીના આધારે તપાસ કરી રહી છે. DCP પન્ના મેમાયાએ જણાવ્યું કે, 3 આરોપીઓએ સુરેશ ભરવાડના ઘરે ગાંજો પીધો હતો. કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ત્રણેય વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. 13 માર્ચની રાત્રે 11:00 વાગ્યાની આસપાસ રક્ષિત ચૌરસિયાએ પુરપાટ ઝડપે વોક્સવેગન કાર હંકારીને 3 ટૂ-વ્હીલરોને ટક્કર મારી દીધી હતી. જેમાં એક મહિલાનું મોત થઇ ગયું હતું, જ્યારે અન્ય 6 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. રક્ષિત ચૌરસિયા હાલમાં વડોદરાની સેન્ટ્રલ જેલમાં છે. NDPS એક્ટના અન્ય પ્રાવધાનમાં ગાંજાનું સેવન કરવા પર પણ સજાનું પ્રાવધાન છે.

વડોદરા હિટ એન્ડ રનના આ કેસનો મુખ્ય આરોપી દારૂના નશામાં હોવાની પુષ્ટિ થયા બાદ પોલીસ હવે અન્ય 2 આરોપીઓની ધરપકડ કરીને નશાના રેકેટની તપાસ કરશે. પોલીસ એ જાણકારી મેળવશે કે આખરે આ કોલેજના વિદ્યાર્થીઓને ગાંજો ક્યાંથી મળ્યો? તેમને ગાંજો કોણે આપ્યો? રક્ષિત ચૌરસિયા એમ.એસ. યુનિવર્સિટીનો વિદ્યાર્થી છે, જ્યારે પ્રાંશુ ચૌહાણ અને સુરેશ ભરવાડનું કનેક્શન પારુલ યુનિવર્સિટી સાથે છે. વડોદરા હિટ એન્ડ રનની ઘટના બાદ પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે કડક કાર્યવાહી કરવાની વાત કરી હતી. રક્ષિત ચૌરસિયા વારાણસીના ઈમલોક-1 કોલોનીનો રહેવાસી છે.