

મધ્ય પ્રદેશના રાજગઢ જિલ્લાના બ્યાવરા શહેરની રહેવાસી એક મહિલા, લગભગ 35 વર્ષ અગાઉ શાજાપુરના કાલાપીપલ સ્થિત પોતાના ખોખરા ગામથી માનસિક સ્થિતિ સારી ન હોવાથી અચાનક ગાયબ થઈ ગઈ હતી. મહિલાને મૃત માનીને, પરિવારના લોકોએ અલ્લાહબાદના પ્રયાગરાજ જઈને પિંડદાન પણ કરી દીધું હતું. એટલું જ નહીં, દર વર્ષે મહિલાના ફોટા પર ફૂલો ચઢાવીને શ્રાદ્ધ પણ કરવામાં આવતા હતા. પરંતુ આ મહિલા અચાનક મહારાષ્ટ્રના નાગપુરમાં જીવતી મળી. ત્યારબાદ પરિવારમાં ખુશી પાછી આવી ગઈ છે. ચાલો જાણીએ શું છે આ ચોંકાવનારી કહાની.
રાજગઢ જિલ્લાના બ્યાવરા શહેરના જગાત ચોકમાં રહેતા ગોપાલ સેનની પત્ની ગીતા સેન લગભગ 35 વર્ષ અગાઉ પોતાના પિયર શાજાપુર જિલ્લાના કાલાપીપલ તાલુકાના ખોખરા ગામે ગઈ હતી. તે ત્યાંથી અચાનક ગાયબ થઈ ગઈ હતી. ત્યારબાદ, પરિવારના સભ્યોએ ગીતા બાઈની ખૂબ શોધખોળ કરી, પરંતુ તેમનો કોઈ પત્તો લાગ્યો નહીં. ત્યારબાદ, લગભગ 5 વર્ષ અગાઉ, પરિવારના લોકોએ મૃત સમજીને પ્રયાગરાજ જઈને, ગીતા બાઈનું પિંડદાન કરી દીધું હતું. પરિવારના સભ્યો દર વર્ષે શ્રાદ્ધ પક્ષના નવમા દિવસે શ્રાદ્ધ કરવા લાગ્યા, પરંતુ અચાનક મહારાષ્ટ્રના નાગપુરની મેન્ટલ હૉસ્પિટલમાંથી એક ફોન આવતા તેમના પગ નીચેથી જમીન ખસી ગઈ. આ ફોન પર ગીતા બાઈ જીવિત હોવાની માહિતી આપવામાં આવી હતી. ત્યારબાદ, નાગપુર મેન્ટલ હોસ્પૉટલના સમાજ સેવા અધિક્ષક કુંડા બિડકર અને કાલાપીપલ સહિત બ્યાવાર પોલીસની મદદથી, પરિવાર નાગપુર પહોંચ્યો અને ગીતાબાઈને સુરક્ષિત ઘરે લાવ્યો, ત્યારબાદ પરિવારમાં ખુશીનો માહોલ છે.

નાગપુર ક્ષેત્રિય મેન્ટલ હોસ્પૉટલના સમાજ સેવા અધિક્ષક કુંડા બિડકરે જણાવ્યું હતું કે, મહિલાને કોર્ટના આદેશ પર બીમાર હાલતમાં દાખલ કરવામાં આવી હતી. મહિલાને પરિવાર અને સરનામા બાબતે કોઈ માહિતી નહોતી. આ દરમિયાન, બાયોમેટ્રિક્સ દ્વારા સરનામું શોધવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ તેમાં પણ સફળતા ન મળી. આ દરમિયાન, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશના ઘણા ગામ, પોલીસ સ્ટેશનો અને સરપંચો સહિત કરિયાણાના દુકાનદારો સાથે સંપર્ક એડ્રેસ ટ્રેસ કરવામાં આવ્યો, પરંતુ સફળતા ન મળી. 19 મહિના બાદ, જ્યારે બ્યાવારા બાબતે જાણકારી મળી તો રાજગઢના SP કાર્યાલયનો સંપર્ક કરવામાં આવ્યો. ત્યારબાદ, પોલીસની મદદથી પરિવાર બાબતે જાણકારી મેળવવામાં આવી. પરિવાર નાગપુર પહોચ્યા બાદ મહિલાને સુરક્ષિત રીતે પરિવારને સોંપી દેવામાં આવી.

ગીતાબાઈના પતિ ગોપાલ સેન અને પુત્ર અશોક સેને જણાવ્યું હતું કે, માતા ગુમ થઇ ગયા બાદ કોઈ જાણકારી ન મળતા, લગભગ 5 વર્ષ અગાઉ પ્રયાગરાજ જઈને પિંડદાન કરી દીધું હતું. ત્યારથી, દર વર્ષે શ્રાદ્ધ પક્ષમાં ફોટાને માળા ચઢાવીને શ્રાદ્ધ કરવામાં આવતા હતા. ગીતાબાઈ 35 વર્ષ બાદ પહેલી વખત ઘરે ફરતા પતિ, પુત્ર-પુત્રી અને પૌત્ર-પૌત્રીઓએ ફૂલમાળા પહેરાવીને તેનું ભવ્ય સ્વાગત કર્યું હતું. આ દરમિયાન પતિ-પત્નીએ એક-બીજાને માળા પણ પહેરાવી હતી.