

ઢાકામાં બાંગ્લાદેશ અને દક્ષિણ આફ્રિકાની ઇમર્જિંગ ટીમો વચ્ચે રમાયેલી ચાર દિવસીય મેચ દરમિયાન મેદાન પર જે બન્યું તેનાથી ‘જેન્ટલમેન ખેલાડીઓની રમત’ શરમજનક હાલતમાં મુકાઈ ગઈ છે. આ મેચ દરમિયાન ખેલાડીઓ વચ્ચે તણાવ એટલો વધી ગયો કે, તે ઝઘડા સુધી પહોંચી ગયો. બાંગ્લાદેશના બેટ્સમેન અને દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર વચ્ચે પહેલા ઉગ્ર વાતચીત થઇ, પછી તે વાત એકબીજા પર હાથ ઉપાડવા સુધી પહોંચી ગઈ. આ દરમિયાન, અમ્પાયરોએ ખેલાડીઓને અલગ પણ કર્યા. પરંતુ તેમ છતાં, બંને વચ્ચે ઉગ્ર વાતચીત ચાલુ રહી.
આ વિવાદ બાંગ્લાદેશના 22 વર્ષીય બેટ્સમેન રિપોન મંડલ અને દક્ષિણ આફ્રિકાના 29 વર્ષીય બોલર શેપો એંતુલી વચ્ચે થયો હતો. બંને વચ્ચે ઉગ્ર વાતચીત થઈ અને પછી બંને એકબીજા સાથે ઝઘડી પડ્યા. હાલમાં, આ અંગે કોઈ સત્તાવાર કાર્યવાહી કરવામાં આવી નથી. અમ્પાયરો ટૂંક સમયમાં આ અંગે પોતાનો રિપોર્ટ રજૂ કરી શકે છે.

આ ઘટના ત્યારે બની જ્યારે રિપોને શેપો એંતુલીના બોલ પર સીધો છગ્ગો ફટકાર્યો. આ પછી, જ્યારે તે તેના સાથી બેટ્સમેન મેહદી હસન તરફ જઈ રહ્યો હતો, ત્યારે તેની નજર શેપો એંતુલી સાથે મળી. પછી શેપો એંતુલી ગુસ્સામાં તેની તરફ દોડી ગયો. બંને ખેલાડીઓએ પહેલા એકબીજાને ધક્કો માર્યો, પછી શેપો એંતુલીએ રિપનનું હેલ્મેટ ખેંચ્યું.
અમ્પાયર કમરુઝમાન દરમિયાનગીરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ શેપો એંતુલીએ ફરીથી હેલ્મેટ ખેંચ્યું, ત્યારપછી અમ્પાયર તેમને અલગ કરવામાં સફળ થયા. નજીકમાં ઉભેલા દક્ષિણ આફ્રિકા ઇમર્જિંગ ટીમના ખેલાડીઓ શેપો એંતુલીને રોકી શક્યા નહીં, અને તેમાંથી કેટલાક રિપન તરફ આગળ વધતા પણ જોવા મળ્યા, પરંતુ ત્યાં સુધીમાં રિપને તેનું હેલ્મેટ ઉતારી દીધું હતું.

TV કોમેન્ટેટર્સે પણ આ અથડામણ પર પ્રતિક્રિયા આપી. ઓન-એર કોમેન્ટેટર નાબીલ કાઈજરે કહ્યું, આ તો ખૂબ વધારે થઇ ગયું છે, આ અસ્વીકાર્ય છે. સામાન્ય રીતે આપણે ક્રિકેટ મેદાન પર ફક્ત મોં થી બોલાયેલી દલીલો જ જોઈએ છીએ, પરંતુ આવી અથડામણો ભાગ્યે જ જોવા મળે છે. એક સમયે શેપો એંતુલીએ રિપનના હેલ્મેટને હાથ પણ માર્યો હતો.
એક ક્રિકેટ સમાચારની ચેનલ અનુસાર, મેચ રેફરી આ ઘટનાની જાણ BCB (બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ) અને CSA (ક્રિકેટ સાઉથ આફ્રિકા) બંનેને કરશે, જે આ મામલે કાર્યવાહી કરશે, ખાસ કરીને, કારણ કે આ પ્રવાસની છેલ્લી મેચ છે. આ ચાર દિવસીય મેચ દક્ષિણ આફ્રિકા ઇમર્જિંગ ટીમની પ્રવાસની બીજી અને અંતિમ મેચ છે. તેઓ ODI શ્રેણી 2-1થી હારી ગયા હતા, જ્યારે ચિત્તાગોંગમાં પ્રથમ ચાર દિવસીય મેચ ડ્રો રહી હતી.