

બલૂચિસ્તાનની આઝાદી માટે સંઘર્ષ કરી રહેલી બલૂચ લિબરેશન આર્મી (BLA)એ પાકિસ્તાનના એક શહેર પર કબજો કરવાનો દાવો કર્યો છે. બલૂચ આર્મીએ દાવો કર્યો છે કે, તેણે બલૂચિસ્તાનના કલાત ડિવિઝનમાં સ્થિત સુરાબ શહેર પર કબજો કરી લીધો છે. ધ બલૂચિસ્તાન પોસ્ટના સમાચાર અનુસાર, BLAના વિદ્રોહીઓએ સુરાબ શહેરમાં બેન્ક, પોલીસ સ્ટેશન અને અન્ય સરકારી પ્રતિષ્ઠાનોને પોતાના કબજામાં લઈ લીધા છે. BLAએ એમ પણ કહ્યું છે કે, આ સંબંધમાં મીડિયાને જલદી જ વિસ્તૃત જાણકારી આપવામાં આવશે.

બલૂચિસ્તાન લાંબા સમયથી આઝાદીની માગ કરી રહ્યું છે. બલૂચ અમેરિકન કોંગ્રેસના મહાસચિવ રઝાક બલૂચે પણ ભારત અને અમેરિકાને બલૂચ સ્વતંત્રતા આંદોલનનું સમર્થન કરવાની અપીલ પણ કરી હતી. હવે BLAના આ દાવાએ શાહબાઝ શરીફ અને અસીમ મુનીરની ઊંઘ હરામ કરી દીધી છે. ધ બલૂચિસ્તાન પોસ્ટે જાણકારોના સંદર્ભે દાવો કર્યો કે, BLAના સેકડો હથિયારધારી લડવૈયાઓએ સુરાબ શહેર પર હુમલો કરીને સુરક્ષાકર્મીઓને ઘૂંટણો ટેકવવા પર મજબૂર કરી દીધા.
કહેવામાં આવી રહ્યું છે કે આ દરમિયાન ઘણા સરકારી વાહનોને આગ લગાવી દેવામાં આવી. BLAએ ઘણા હાઇવે પર પોતાની ચોકીઓ સ્થાપિત કરી લીધી છે અને પાકિસ્તાની સુરક્ષાબળોને ત્યાંથી ભાગવા મજૂબર કરી દીધા છે. જોકે, પાકિસ્તાની સરકાર કે સેના તરફથી અત્યાર સુધી આ દાવાની પુષ્ટિ કરવામાં આવી નથી. બલૂચ અમેરિકન કોંગ્રેસે કહ્યું હતું કે, જો ભારત બલૂચિસ્તાનની આઝાદીનું સમર્થન કરે, તો બલુચિસ્તાનના દરવાજા ભારત માટે ખૂલી જશે.
BLAએ આ મહિનાની શરૂઆતમાં ક્વેટા-કરાચી હાઇવે બંધ કરી દીધો હતો અને વાહનો રોકીને તપાસ કરી હતી. BLAના સભ્યોએ કલાતના મોંગોચર બજારમાં ઘૂસીને ઘણી સરકારી ઇમારતોમાં તોડફોડ કરી હતી અને તેમને આગ ચાંપી દીધી હતી. તેમાં નેશનલ ડેટાબેઝ એન્ડ રજિસ્ટ્રેશન ઓથોરિટી, ન્યાયિક પરિસર અને નેશનલ બેન્ક ઓફ પાકિસ્તાન જેવી ઇમારતો સામેલ હતી.