

બજાજ ઓટો દેશના ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર સેગમેન્ટમાં સતત પોતાનું વર્ચસ્વ વધારી રહ્યું છે. તાજેતરમાં, કંપનીએ દેશની અગ્રણી ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર કંપની ઓલા ઇલેક્ટ્રિકને પાછળ છોડીને બીજા નંબરનું સ્થાન મેળવ્યું છે. હવે આજે કંપનીએ સ્થાનિક બજારમાં તેનું નવું ઇલેક્ટ્રિક સ્કૂટર ચેતક 3001 લોન્ચ કર્યું છે. આ નવું સ્કૂટર પાછલા મોડેલ ચેતક 2903ને બદલશે, આ સાથે કંપનીના પોર્ટફોલિયોમાં રહેલા તમામ ચેતક સ્કૂટર ગયા વર્ષે લોન્ચ થયેલા નવા પ્લેટફોર્મથી સજ્જ હશે.

દેખાવ અને ડિઝાઇનની દ્રષ્ટિએ, તે ચેતકના અન્ય મોડેલો જેવું જ છે. જો કે, તે સંપૂર્ણપણે નવા ફ્રેમ અને ફ્લોરબોર્ડ બેટરી આર્કિટેક્ચર પર ડિઝાઇન કરવામાં આવ્યું છે. આકર્ષક દેખાવ અને શક્તિશાળી બેટરી પેકથી સજ્જ, નવા એન્ટ્રી લેવલ ચેતક સ્કૂટરની શરૂઆતની કિંમત રૂ. 99,990 (એક્સ-શોરૂમ) છે. કંપનીએ કુલ ત્રણ કલર વેરિઅન્ટમાં ચેતક 3001 રજૂ કર્યું છે. જેમાં ગ્રાહકોને લાલ, પીળો અને વાદળી રંગનો વિકલ્પ મળશે.
નવા ચેતક પર એક નજર: બેટરી પેક-3.0kWh, ડ્રાઇવિંગ રેન્જ-127 Km, સ્ટોરેજ-35 લિટર, સ્ટાન્ડર્ડ ચાર્જર-750W, ચાર્જિંગ સમય-3 કલાક 50 મિનિટમાં 80 ટકા

બજાજ ઓટોએ આ ઇલેક્ટ્રિક સ્કૂટરમાં 3kWh ક્ષમતાનો બેટરી પેક આપ્યો છે. જેના સંદર્ભમાં કંપનીનો દાવો છે કે, આ બેટરી પેક એક જ ચાર્જમાં 127 Kmની ડ્રાઇવિંગ રેન્જ આપવા સક્ષમ છે. જોકે, કંપનીએ હજુ સુધી ખુલાસો કર્યો નથી કે, આ હકીકતની રેન્જ છે કે IDC દ્વારા દાવો કરાયેલ રેન્જ. કંપની આ સ્કૂટર સાથે સ્ટાન્ડર્ડ તરીકે 750W ચાર્જર આપી રહી છે. જેની મદદથી તેની બેટરી 3 કલાક 50 મિનિટમાં 0 થી 80 ટકા સુધી ચાર્જ થાય છે.
જો કે 3001માં એ જ પ્રકારની ફ્રેમનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાથી, કંપનીએ આ સ્કૂટરમાં 35 લિટર અંડરસીટ સ્ટોરેજ પણ આપ્યું છે. સ્કૂટરના કિસ્સામાં આ ખૂબ જ મહત્વપૂર્ણ અને ઉપયોગી સુવિધા છે.

કંપનીએ આ સ્કૂટરમાં LCD ડિસ્પ્લે આપી છે. TecPac સોફ્ટવેર સાથે, Chetak 3001માં કોલ અને મ્યુઝિક કંટ્રોલ, ગાઇડ-મી-હોમ લાઇટ, હિલ હોલ્ડ આસિસ્ટ, રિવર્સ લાઇટ અને ઓટો-ફ્લેશિંગ સ્ટોપ લેમ્પ જેવા કાર્યો મળે છે. ફુલ મેટલ બોડી સાથે આવતા, આ સ્કૂટરમાં બે વ્હીલ પર ફક્ત ડ્રમ બ્રેક્સ છે, જેમ કે 3503માં પણ જોવા મળે છે.
99,990 રૂપિયાની શરૂઆતની કિંમતે આવતા, Bajaj Chetak 3001 કંપનીના પોર્ટફોલિયોમાં સૌથી સસ્તા ઇલેક્ટ્રિક સ્કૂટરોમાંનું એક છે. કિંમતની દ્રષ્ટિએ પણ, તે દેશમાં ઉપલબ્ધ કેટલાક 123 cc સ્કૂટરો કરતાં ઘણું સસ્તું છે. જોકે તેની કિંમત Chetak 2903 કરતાં લગભગ 1,500 રૂપિયા વધુ છે, પરંતુ હવે આ સ્કૂટરને બદલી નાખવામાં આવશે.