

ડોક્ટરોએ માત્ર 30 મિનિટની એન્ડોસ્કોપી પ્રક્રિયા કરીને 30 વર્ષીય વ્યક્તિના આંતરડામાં ફસાયેલી 8 cmની ધાતુની ચમચી કાઢીને તેનો જીવ બચાવ્યો. આ દુર્લભ અને આઘાતજનક કિસ્સો તબીબી કટોકટીનું એક ઉત્તમ ઉદાહરણ છે, જેમાં ડોક્ટરોની ઝડપ અને વ્યવહારુ કુશળતાએ દર્દીને નવું જીવન આપ્યું.
ઉત્તર દિલ્હીની એક મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલમાં પ્રારંભિક તપાસ પછી, દર્દીને ફોર્ટિસ શાલીમાર બાગના ઇમરજન્સી વિભાગમાં રિફર કરવામાં આવ્યો. દર્દીએ પેટમાં તીવ્ર દુખાવો અને અપચોની ફરિયાદ કરી હતી. હોસ્પિટલમાં પહોંચતાની સાથે જ, ડોક્ટરોએ તાત્કાલિક એક્સ-રે અને ડાયગ્નોસ્ટિક ઇમેજિંગ કર્યું, જેમાં ચોંકાવનારી સત્ય બહાર આવ્યું. તપાસમાં જાણવા મળ્યું કે, દર્દીના નાના આંતરડાના ઉપરના ભાગમાં 8 CMની ધાતુની ચમચી ફસાઈ ગઈ હતી.
ફોર્ટિસ હોસ્પિટલના ગેસ્ટ્રોએન્ટેરોલોજીના HOD અને સિનિયર ડિરેક્ટર ડૉ. રમેશ ગર્ગે જણાવ્યું હતું કે, આ ખૂબ જ અસામાન્ય અને પડકારજનક કેસ હતો. ચમચી જેવી ધાતુની વસ્તુ આંતરડામાં ફસાઈ જાય તે ખતરનાક છે, કારણ કે તે આંતરડાને નુકસાન પહોંચાડી શકે છે અથવા ગંભીર ચેપનું કારણ બની શકે છે. સમયસર યોગ્ય નિદાન અને તાત્કાલિક કાર્યવાહીથી દર્દીનો જીવ બચી ગયો.

ડૉ. રમેશ ગર્ગના નેતૃત્વમાં ડૉક્ટરોની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી. દર્દીને એનેસ્થેસિયા આપવામાં આવ્યું અને ઇમરજન્સી અપર ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ (GI) એન્ડોસ્કોપી કરવામાં આવી. આ પ્રક્રિયામાં, એક પાતળી, લવચીક નળી (એન્ડોસ્કોપ)નો ઉપયોગ કરવામાં આવ્યો જેમાં કેમેરા અને પ્રકાશ હતો. સર્જિકલ ટીમે ફોર્સેપ્સની મદદથી ચમચીને કાળજીપૂર્વક આંતરડામાંથી બહાર કાઢી, તે પણ કોઈપણ આંતરિક ઈજા વિના. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ સમગ્ર પ્રક્રિયામાં ફક્ત 30 મિનિટનો સમય લાગ્યો.
પ્રક્રિયા પછી, દર્દીને 24 કલાક નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યો. તેની સ્થિતિ સંપૂર્ણપણે સ્થિર છે અને તેને બીજા દિવસે સ્વસ્થ સ્થિતિમાં રજા આપવામાં આવી. ડૉ. રમેશ ગર્ગે કહ્યું કે જો ચમચી સમયસર દૂર ન કરવામાં આવે, તો તે આંતરડામાં કાણું (છિદ્ર) અથવા ગંભીર ચેપનું કારણ બની શકે છે. અમારી બહુ-શાખાકીય ટીમે અત્યંત ચોકસાઈ સાથે કામ કર્યું, જેથી દર્દીને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડ્યો. તેમણે વધુમાં કહ્યું કે, આવા કિસ્સાઓ તબીબી કટોકટીમાં ઝડપી નિર્ણય લેવાનું અને અદ્યતન ટેકનોલોજીનું મહત્વ દર્શાવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, દર્દીએ ચમચી કેવી રીતે ગળી તે ડોકટરો સ્પષ્ટ કરી શક્યા નથી, પરંતુ ડોકટરોને શંકા છે કે આ ખોરાક સાથે અથવા સૂતી વખતે અજાણતાં થયું હશે. આવા કિસ્સાઓ ઘણીવાર માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ અથવા અજાણતાં કંઈક ગળી જવા સાથે સંબંધિત હોય છે. અગાઉ પણ, ફોર્ટિસમાં 23 વર્ષના એક વ્યક્તિના આંતરડામાંથી 3 cm જીવંત વંદો કાઢવામાં આવ્યો હતો, જે લારી પર ખાવાનું ખાવાથી થયો હતો.