

જ્યારથી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં સત્તા સંભાળી છે, ત્યારથી આખી દુનિયા તેમનાથી નારાજ છે. માત્ર દુનિયા જ નહીં પરંતુ તેમના દેશના લોકો પણ નારાજ છે. એટલા માટે ટ્રમ્પે તેમના બીજા કાર્યકાળમાં US ફેડરલ રિઝર્વ (FED)ની સ્વતંત્રતા પર પણ પ્રશ્નો ઉભા કર્યા છે. ટ્રમ્પ ખરેખર વ્યાજ દરો અને અન્ય નીતિઓમાં ફેડને પોતાના નિયંત્રણમાં લાવવા માંગે છે.

આનાથી સમગ્ર વિશ્વમાં ભય પેદા થયો છે. ખાસ કરીને યુરોપિયન દેશોમાં. યુરોપના લોકોને ડર છે કે જો અમેરિકા તેમની નીતિઓને પ્રભાવિત કરે છે, તો તેમના સોનાની સુરક્ષા અને તેની પહોંચ જોખમમાં મુકાઈ શકે છે. ધારો કે ટ્રમ્પ કોઈ દેશથી ગુસ્સે થાય છે અને સોનું આપવાનો ઇનકાર કરે છે, તો શું થશે. આવી સ્થિતિમાં, યુરોપના દેશો ટ્રમ્પ પાસેથી પોતાનું સોનું માંગી રહ્યા છે. મીડિયામાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બીજી વખત સત્તામાં આવ્યા પછી, યુરોપિયન યુનિયન (EU)ના દેશો તેમના સોનાના ભંડાર પર પુનર્વિચાર કરી રહ્યા છે, જે અમેરિકાના તિજોરીઓમાં રાખવામાં આવ્યા છે. નિષ્ણાતો અને સંગઠનો આ દેશોને અમેરિકાથી તેમનું સોનું પાછું લાવવા અથવા ઓછામાં ઓછું તેની સંપૂર્ણ તપાસ કરાવવા માટે કહી રહ્યા છે.
યુરોપિયન ટેક્સપેયર્સ એસોસિએશન (TAE)એ એક નિવેદનમાં જણાવ્યું છે કે, EU દેશોએ અમેરિકાથી યુરોપમાં તેમનું સોનું પાછું લાવવું જોઈએ. જો આ શક્ય ન હોય, તો ઓછામાં ઓછું સોનાની સંપૂર્ણ યાદી બનાવવી જોઈએ અને તેનું ઓડિટ થવું જોઈએ. TAE કહે છે કે સોનું તમારા દેશમાં લાવવું જરૂરી નથી, પરંતુ તે સુનિશ્ચિત કરવું મહત્વપૂર્ણ છે કે, તે કોઈપણ અવરોધ વિના ઍક્સેસ કરી શકાય. આ અગાઉ, જર્મન સાંસદોને અમેરિકામાં રાખવામાં આવેલા સોનાની સીધી તપાસ કરવાની મંજૂરી મળી નહોતી.

અમેરિકા, જર્મની, ઇટાલી, ફ્રાન્સ, ચીન, સ્વિટ્ઝર્લૅન્ડ અને ભારત જેવા વિશ્વના મુખ્ય સોનાના માલિક દેશો લંડન અને ન્યૂયોર્કમાં બેંક ઓફ ઇંગ્લેન્ડના તિજોરીઓમાં તેમના સોનાનો અમુક ભાગ રાખે છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના ડેટા અનુસાર, અમેરિકા પાસે 8,133.46 ટન સોનું છે, જે વિશ્વમાં સૌથી વધુ છે. તે પછી જર્મની (3,351.53 ટન), ઇટાલી (2,451.84 ટન), ફ્રાન્સ (2,437 ટન) અને સ્વિટ્ઝર્લૅન્ડ (1,039.94 ટન)નો નંબર આવે છે.
અમેરિકાના લગભગ અડધા સોનાને ફોર્ટ નોક્સમાં રાખવામાં આવે છે, જે લગભગ 4,000 ટન છે. પરંતુ ફોર્ટ નોક્સમાં રાખવામાં આવેલા સોનાનું હજુ સુધી ઓડિટ કરવામાં આવ્યું નથી, જ્યારે તેની માંગ વધી રહી છે. જર્મનીના લગભગ અડધા સોનાને ફેડરલ રિઝર્વ બેંક ઓફ ન્યુ યોર્કના તિજોરીમાં રાખવામાં આવ્યું છે, જે મેનહટનની શેરીથી 80 ફૂટ નીચે બનેલ છે.

તાજેતરના વર્ષોમાં, ફુગાવા અને ભૂ-રાજકીય તણાવને કારણે કેન્દ્રીય બેંકો સોનાને વધુ મહત્વ આપી રહી છે. યુરોપિયન સેન્ટ્રલ બેંકના તાજેતરના અહેવાલ મુજબ, સોનું હવે યુરોને વટાવીને કેન્દ્રીય બેંકોનો બીજો સૌથી મોટો વિદેશી વિનિમય અનામત બની ગયો છે. 2022, 2023 અને 2024માં સતત ત્રણ વર્ષ સુધી, કેન્દ્રીય બેંકોએ દર વર્ષે 1,000 ટનથી વધુ સોનું ખરીદ્યું, જે છેલ્લા દાયકાના સરેરાશ (400-500 ટન) કરતા ઘણું વધારે છે.
