

જુલાઇ-ઑગસ્ટ મહિનાથી હિન્દુ તહેવારોની શરૂઆત થઈ જાય છે અને દિવાળી સુધી હિન્દુ તહેવારોની ભરમાર આવી જાય છે. હવે થોડા જ દિવસોમાં રક્ષાબંધનનો તહેવાર આવી જશે, ત્યારબાદ જન્માષ્ટમી અને ગણેશ ચતુર્થી જેવા તહેવારો આવશે. પછી નવરાત્રિ અને દિવાળી જેવા તહેવાર આવશે. અને પછી જાન્યુઆરીમાં ઉત્તરાયણ આવશે. ગુજરાતીઓ ઉત્તરાયણના બીજા દિવસે વાસી ઉતરાયણ પણ મનાવે છે. એવી જ રીતે સુરતમાં વાસી રક્ષાબંધન પણ બનાવવામાં આવે છે શું તમને આ વાત ખબર છે? ચાલો આપણે તેની પાછળની કહાની જાણીએ.


સુરતમાં 12 ઑગસ્ટ, 1938ના રોજ લગભગ 86-87 વર્ષ અગાઉ રક્ષાબંધનના દિવસે એક દુર્ઘટના ઘટી હતી. આ દિવસે કોટ વિસ્તારમાં રહેતા મૂળ સુરતી ગણાતા ક્ષત્રિય, રાણા અને મૌઢ વણિક સમાજના લોકો એક નાવમાં સવાર થઈને રાંદેર ગામ તરફ જઈ રહ્યા હતા. દુર્ભાગ્યથી, આ બોટ તાપી નદીમાં પલટી ગઈ, અને આ દુર્ઘટનામાં ઘણા લોકોના મોત થઈ ગયા હતા. આ ઘટના વર્ષો સુધી ભૂલાઈ નહોતી. આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાને યાદ રાખવા માટે મૂળ સુરતીઓ રક્ષાબંધનના બીજા દિવસે વાસી રક્ષાબંધનની ઉજવે છે. ત્યારથી આ પરંપરા પેઢી દર પેઢી ચાલતી આવે છે અને આજે પણ મૂળ સુરતીઓ આ રીતે મૃતકોને શ્રદ્ધાંજલિ આપે છે.

વાસી રક્ષાબંધન સાથે અન્ય એક કહાની પણ જોડાયેલી છે. આ ઘટના 1928ની છે. રક્ષાબંધનના મેળા દરમિયાન શનિવારી બજારની જગ્યાએથી 52 લોકો હોડીમાં બેસીને રાંદેર જઈ રહ્યા હતા. આ દરમિયાન અકસ્માત સર્જાયો હતો અને નાવમાં ખત્રી, ઘાંચી, રાણા અને કણબી સમાજના લોકો સામેલ હતા. તાપી નદીમાં નાવ પલટી જવાથી ઘણા લોકોનું ડૂબી જવાથી મોત થયા હતા. આ ઘટનાએ પણ વાસી રક્ષાબંધનની પરંપરાને મજબૂત કરી. આજે સુરતમાં મૂળ સુરતી ગણાતા ક્ષત્રિય, રાણા અને મૌઢ વણિક સમાજની વસ્તી લઘુમતીમાં આવી ગઈ છે છતા, આ સમાજના લોકોએ વાસી રક્ષાબંધનની પરંપરા અકબંધ રાખી છે.

