

ગુજરાત વિધાનસભાનું 15મું સત્ર 8 થી 10 સપ્ટેમ્બર, 2025 દરમિયાન યોજાશે. રાજ્ય સરકાર આ ત્રણ દિવસના સત્રમાં કુલ 5 નવા વિધેયક રજૂ કરશે. આ સત્રમાં શ્રમ, નાણા, ઉદ્યોગ અને આરોગ્ય જેવા મહત્વના વિભાગોને લગતા કાયદાઓ પર ચર્ચા થશે.

‘ઓપરેશન સિંદૂર’ માટે અભિનંદન
આ સત્રમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ‘ઓપરેશન સિંદૂર’ની સફળતા માટે એક અભિનંદન પ્રસ્તાવ રજૂ કરશે. આ પ્રસ્તાવ દ્વારા ઓપરેશનની સફળતાને બિરદાવવામાં આવશે.
સત્રની કાર્યસૂચિ
રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે સત્રની સંભવિત કામગીરી વિશે માહિતી આપી હતી. તેમના જણાવ્યા મુજબ, સત્રની શરૂઆત 8 સપ્ટેમ્બરે પ્રશ્નોતરીથી થશે અને ત્યારબાદ શોકદર્શક પ્રસ્તાવો પર ચર્ચા થશે. વિધાનસભાના કાયદાકીય કામકાજ 9 અને 10 સપ્ટેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે, જેમાં પાંચ નવા વિધેયકો પર ચર્ચા અને મંજૂરી માટે રજૂ કરાશે.
પાંચ મુખ્ય વિધેયકો
આ સત્રમાં રજૂ થનાર પાંચ મુખ્ય વિધેયકો નીચે મુજબ છે:
‘કારખાના (ગુજરાત સુધારા) વિધેયક, 2025’: આ વિધેયકનો ઉદ્દેશ્ય મહિલા કર્મચારીઓ માટે કામના કલાકો સહિતની શરતોમાં સુધારા કરીને ઔદ્યોગિક રોકાણ અને રોજગારીની તકો વધારવાનો છે.
‘ગુજરાત માલ અને સેવા કર (દ્વીતીય સુધારા) વિધેયક, 2025’: આ વિધેયક GST કાઉન્સિલની ભલામણોને અમલમાં મૂકવા અને કેન્દ્ર-રાજ્યના GST કાયદામાં એકરૂપતા લાવવા માટે રજૂ કરાશે.
‘ગુજરાત જનવિશ્વાસ (જોગવાઇઓના સુધારા) વિધેયક, 2025’: આ વિધેયકનો હેતુ કાયદાકીય નિયમોને સરળ બનાવીને વ્યવસાય કરવાની સરળતાને પ્રોત્સાહન આપવાનો અને અદાલતો પરનો ભાર ઘટાડવાનો છે.
‘ગુજરાત વૈદ્યક વ્યવસાયીઓનું (સુધારા) વિધેયક, 2025’: આયુર્વેદિક અને યુનાની પ્રેક્ટિશનરો માટેની નિયમનકારી સંસ્થાનું નામ ‘બોર્ડ’ થી બદલીને ‘કાઉન્સિલ’ કરશે.
‘ગુજરાત ચિકિત્સા સંસ્થાઓ (રજિસ્ટ્રેશન અને નિયમન) (સુધારા) વિધેયક, 2025’: આ વિધેયક રાજ્યની ક્લિનિકલ સંસ્થાઓને 2021ના કાયદા હેઠળ નોંધણી કરવા માટે વધુ સમય આપશે.