fbpx

20 રૂપિયા આપો લર્નિંગ લાયસન્સની પરીક્ષા પાસ કરો! અમદાવાદમાં આ રીતે પકડાયું મોટું કૌભાંડ

Spread the love
20 રૂપિયા આપો લર્નિંગ લાયસન્સની પરીક્ષા પાસ કરો! અમદાવાદમાં આ રીતે પકડાયું મોટું કૌભાંડ

મોટા મોટા પગાર છતા અધિકારીઓએ લાંચ લેતા ઝડપાઇ જાય છે, અથવા તો મોટા કૌભાંડ કરી બેસે છે અને પછી જ્યારે તેમનો ભાંડો ફૂટી જાય ત્યારે ઘરભેગા થવાનો વારો આવે છે! કાયદાકીય દાવપેંચમાં ફસાવાનો વારો આવે છે. આમ તો ગુજરાતમાં પરીક્ષામાં કૌભાંડ થવાનો મામલો નથી, પરંતુ જ્યારે RTO કચેરીએ કૌભાંડ બહાર આવે તો ખૂબ જ ગંભીર બાબત છે. તાજેતરમાં અમદાવાદ  RTOમાં લર્નિંગ લાઈસન્સ મેળવવાનું કૌભાંડ ઝડપાયું છે.

અંગ્રેજી અખબાર ટાઇમ્સ ઓફ ઇન્ડિયા (TOI)ના રિપોર્ટ મુજબ પ્રાદેશિક પરિવહન કાર્યાલય (RTO)એ ઓનલાઈન લર્નિંગ લાયસન્સની ટેસ્ટમાં હેરાફેરી સાથે સંકળાયેલ એક છેતરપિંડીનો પર્દાફાશ કર્યો છે. જેમાં 2 અરજદારોએ અનુક્રમે માત્ર 22 અને 27 સેકન્ડમાં 10 સવાલોના સાચા જવાબ આપ્યા હતા, જેનાથી આશંકાઓ ઉભી થતા તપાસ કરવામાં આવી હતી અને આખા કૌભાંડનો પર્દાફાસ થયો. ઉલ્લેખનીય છે કે, લર્નિંગ લાયન્સ માટેની આ પરીક્ષા ઓનલાઈન હોય છે અને સરકાર દરેક સવાલના જવાબ આપવા માટે 30 સેકન્ડ ફાળવે છે.

RTO

મીડિયા રિપોર્ટ મુજબ આ દુરૂપયોગ પાછળના ડેવલપરે પ્રતિ ટેસ્ટ 20 રૂપિયા વસૂલ્યા છે, જેના કારણે એજન્ટોએ ગેરરીતિ આચરીને લર્નિંગ લાઈસન્સ મેળવવા માગતા અરજદારો પાસેથી વધારાની ફી વસૂલી હોવાની પણ શક્યતા છે. RTO અધિકારીએ જણાવ્યુ કે, હવે તપાસ અધિકારીઓ એ પણ તપાસ કરી રહ્યા છે કે શું આ સ્ક્રિપ્ટનો ઉપયોગ કરીને ફેસ રિકોગ્નિશન જેવી અન્ય સિક્યુરિટી પગલાઓને પણ બાયપાસ કરવામાં આવ્યા હતા કે કેમ.

પરિવહન વિભાગના મુખ્ય સચિવ રમેશ ચંદ મીણાએ જણાવ્યું હતું કે, ‘હું પોર્ટલના ટેકનિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું સંચાલન કરતા નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર (NIC)ના અધિકારીઓને બોલાવીશ, જેથી એ સુનિશ્ચિત કરી શકાય કે સિસ્ટમમાં આ રીતે કેવી રીતે છેડછાડ થઈ શકે છે.’

RTO

અમદાવાદ RTOની તપાસમાં લર્નિંગ લાઈસન્સ પરીક્ષામાં પકડાયેલા કૌભાંડથી સારથી પરિવહન પોર્ટલમાં રાજયભરમાં તપાસ શરૂ થઈ છે, જે સરકારના ડ્રાઇવિંગ લાઇસન્સ સેવાઓ માટેનું સત્તાવાર પ્લેટફોર્મ છે. કૌભાંડ સામે આવ્યા બાદ અધિકારીઓને આશંકા છે કે ભારતભરમાં ઘણા અરજદારોએ તેમના લર્નિંગ લાયસન્સ મેળવવા માટે સિસ્ટમમાં છેડછાડ કરી હોઈ શકે છે. આ ઘટનાએ RTO અધિકારીઓમાં ચિંતા ફેલાવી છે, જેના કારણે સોમવારે કમિશનર ઓફ ટ્રાન્સપોર્ટ (COT) ઓફિસમાં મળેલી બેઠક બાદ તપાસ શરૂ કરવામાં આવી છે.

એક વરિષ્ઠ અધિકારીના મતે બ્રાઉઝર ડેવલપર ટૂલ્સનો ઉપયોગ કરીને ઓનલાઈન લર્નિંગ લાયસન્સ પરીક્ષામાં છેડછાડ કરવામાં આવી હતી. આ કૌભાંડમાં sarathi.parivahan.gov.inમાં લોગ ઇન કરવું અને પછી બ્રાઉઝરમાં સચોટ URL પેસ્ટ કરીને 404 Error ટ્રિગર કરીને, બ્રાઉઝરના ડેવલપર કન્સોલ દ્વારા Java સ્ક્રિપ્ટ કોડ દાખલ કરવામાં આવ્યો, જેથી સાઇટના નેટવર્ક વિભાગમાં રહેલા બધા MCQના સાચા જવાબો તરત જ જાહેર થઈ ગયા હતા.

error: Content is protected !!