
લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધીની સુરક્ષાને લઈને એક નવો મામલો સામે આવ્યો છે. તેમની VVIP સુરક્ષા સંભાળતી સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)એ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેને પત્ર લખીને ‘યલો બુક પ્રોટોકોલ’ તોડવાની ફરિયાદ કરી છે. તેનાથી સુરક્ષાને લઈને જોખમ વધી જાય છે. એવામાં, ચાલો જાણીએ કે આ ‘યલો બુક’ શું છે.

ભારતના રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને ભારતના વડાપ્રધાન સિવાય, અન્ય કોઈપણ રાજનીતિક વ્યક્તિત્વ માટે સુરક્ષા વ્યવસ્થા એક નિર્ધારિત ધોરણ અને દિશા-નિર્દેશના આધારે નક્કી કરવામાં આવે છે. ગૃહ મંત્રાલય દ્વારા મોટી હસ્તીઓની સુરક્ષાને લઇને બનાવવામાં આવેલી ગાઈડલાઇન્સ અને પ્રોટોકોલની વિગતો એક પુસ્તિકામાં આપવામાં આવી છે. આજ દિશા-નિર્દેશ પુસ્તિકાને ‘યલો બુક’ કહેવામાં આવે છે. આ યલો બુકમાં સુરક્ષા વ્યવસ્થાના વિવિધ સ્તરને લઈને અલગ-અલગ પ્રોટોકોલ આપવામાં આવ્યા છે, જેનું સુરક્ષા મેળવનારા લોકોએ પાલન કરવું પડે છે.

આ યલો બુક પ્રોટોકોલ હેઠળ, VVIPએ સુરક્ષા કર્મચારીઓને તેમની બધી ગતિવિધિઓ બાબતે માહિતી આપવાની હોય છે. જેથી, તે મુજબ જોખમને ધ્યાનમાં રાખીને તેમની સુરક્ષા વ્યવસ્થા નક્કી કરી શકાય. યલો બુકમાં આપેલા દિશા-નિર્દેશ મુજબ, આતંકવાદીઓ, ઉગ્રવાદીઓ, કટ્ટરપંથી સંગઠનો અને સંગઠિત ગુનાહિત ગેંગ તરફથી ઉદ્ભવતા જોખમની શક્યતાનું સાવધાનીપૂર્વક મૂલ્યાંકન કર્યા બાદ વિવિધ સ્તર પર અલગ-અલગ વ્યક્તિઓ માટે સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવે છે. કારણ કે અલગ-અલગ વ્યક્તિઓ માટે જોખમની ગંભીરતા અલગ-અલગ હોય છે, જે ગતિવિધિઓની પ્રકૃતિ, પરિસ્થિતિ અને આતંકવાદીઓના સંભવિત ફાયદા વગેરે જેવા પરિબળો પર આધાર રાખે છે. આ જ કારણ છે કે તેમને જોખમની ગંભીરતાના આધારે Z+, Z, Y અને X જેવા સુરક્ષા કવચ પૂરા પાડવામાં આવે છે.
યલો બુકમાં કોઈ વ્યક્તિ માટે સુરક્ષાની વ્યવસ્થા અને તેમને સુરક્ષિત રાખવા માટે બનાવેલા તમામ પ્રોટોકલનું વિવરણ હોય છે. આ પ્રોટોકોલનું પાલન સુરક્ષા દળો અને સુરક્ષા મેળવનાર વ્યક્તિ બંનેએ કરવાનું હોય છે.
