
મધ્ય પ્રદેશના દમોહ જિલ્લામાં એક ગામના સરપંચના ભાઈની કથિત રીતે ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નજીકની સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. એવો આરોપ છે કે હોસ્પિટલે ત્યારબાદ મૃતદેહને નગરપાલિકાની કચરા ગાડીમાં ઘરે મોકલી આપ્યો હતો.
NDTVના રિપોર્ટ અનુસાર, આ ઘટના ત્યારે બની જ્યારે સરકાર દ્વારા પૂરી પાડવામાં આવેલી 2 શબવાહિની દમોહ જિલ્લા હોસ્પિટલમાં બેકાર પડી હતી. જોકે, મુખ્ય તબીબી અને આરોગ્ય અધિકારી આર.કે. અઠયાએ જણાવ્યું હતું કે આ વાન માત્ર હૉસ્પિટલની અંદર મૃત્યુ પામેલા દર્દીઓ માટે જ અનામત છે. દૈનિક ભાસ્કરના રિપોર્ટ અનુસાર, આર.કે. અઠયાએ જણાવ્યું હતું કે હોસ્પિટલની બહાર મૃત્યુના કિસ્સામાં આ સુવિધા પૂરી પાડવામાં આવતી નથી.

મૃતકની ઓળખ દેવેન્દ્ર લોધી તરીકે થઈ છે, જે પટેરા બ્લોકનો રહેવાસી છે. કહેવામાં આવી રહ્યું છે કે, તે શિકારપુરા ગામના સરપંચનો પિતરાઈ ભાઈ છે. પીડિત પરિવારનું કહેવું છે કે, તેમણે શબવાહિનીની માગ કરી હતી, પરંતુ કોઈ ન આવ્યું. તેના બદલે તેમને પાલિકાની ટ્રોલી આપી દીધી હતી. મૃતકના સંબંધી ચંદન સિંહે જણાવ્યું હતું કે, અમને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. પોલીસે અમારા માટે વાહન માગ્યું હતું અને અમને આ વાહન મળ્યું.
આજ તકના અહેવાલ મુજબ, સિવિલ સર્જન પ્રહલાદ પટેલે જણાવ્યું હતું કે સરકાર મૃતકોને ઘરે લઈ જવા માટે શબવાહિની પૂરી પાડે છે. પરિવારોએ માત્ર જરૂરી દસ્તાવેજો સાથે ફોન કરવાનો હોય છે. જોકે, વાસ્તવિકતા અલગ હતી.

આ આખા મામલે નગરપાલિકાના ઉપપ્રમુખ નીલુ પાઠકે પણ પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે તેમની પાસે શબવાહિની નથી, એટલે તેણે આ વાહનને શબવાહિની બનાવી દીધું છે. નીલુ પાઠકનો દાવો છે કે આ વાહનનો ઉપયોગ હવે કચરો વહન કરવા માટે થતો નથી. તેમણે એમ પણ કહ્યું કે ટૂંક સમયમાં તેના પર ‘શબવાહિની’ લખાવી દેવામાં આવશે.
