
થાઈલેન્ડમાં એક મોડેલની પાસેથી તેના બ્યુટી સ્પર્ધા જીત્યાના એક જ દિવસમાં તેનો ખિતાબ પાછો લઇ લેવામાં આવ્યો હતો, કારણમાં એવું બહાર આવ્યું કે, તે મોડેલના કેટલાક વાંધાજનક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયા હતા. આના કારણે તેની સામે કાર્યવાહી થઈ હતી. જે ખિતાબ છીનવાઈ ગયો હતો, તે ખિતાબના કારણે તેને મિસ ગ્રાન્ડ થાઈલેન્ડ 2026 સ્પર્ધામાં સ્થાન મળ્યું હતું.

મીડિયા સૂત્રોના જણાવ્યા અનુસાર, 20 સપ્ટેમ્બરના રોજ, 27 વર્ષીય થાઈ મોડેલ સુફાની નોઈનોન્થોંગ, જે બેબી તરીકે ઓળખાય છે, તેને મિસ ગ્રાન્ડ પ્રચુઆપ ખીરી ખાન 2026નો તાજ પહેરાવવામાં આવ્યો હતો. તેના આ ખિતાબ જીત્યાના એક જ દિવસ પછી, ઓનલાઈન વાયરલ થયેલા એક અશ્લીલ વીડિયોને કારણે તેની પાસેથી આ ખિતાબ છીનવી લેવામાં આવ્યો હતો.
એક સ્થાનિક અખબારમાં પ્રકાશિત થયેલા સમાચાર અનુસાર, નોઈનોન્થોંગના 20 સપ્ટેમ્બરના ખિતાબથી તેને રાષ્ટ્રીય મિસ ગ્રાન્ડ થાઈલેન્ડ 2026 સ્પર્ધા માટે પ્રાંતીય પ્રતિનિધિ બનાવવામાં આવી હતી. આ સ્પર્ધામાં, તેણે થાઈલેન્ડના 76 અન્ય રાજ્યોના પ્રતિનિધિઓ સાથે સ્પર્ધા કરી હોત.

સ્પર્ધાનું આયોજન કરતી સંસ્થાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, મિસ ગ્રાન્ડ પ્રચુઆપ ખીરી ખાન 2026એ સ્પર્ધાના નિયમોની વિરુદ્ધ કેટલીક પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનું જાણવા મળ્યું હતું. આ સાથે, કોઈપણ સ્પર્ધક પાસેથી આવું વર્તન કરવાની અપેક્ષા રાખવામાં આવતી નથી. તેથી, તેની પાસેથી તેનો ખિતાબ અને તાજ છીનવી લેવામાં આવ્યો છે.

સોશિયલ મીડિયા પર જે વીડિયો સામે આવ્યા છે તેમાં, નોઇનોન્થોંગ E-સિગારેટ પીતી અને પારદર્શક અન્ડરવેર પહેરીને નાચતી જોવા મળી હતી. આ વીડિયો મિસ ગ્રાન્ડ પ્રચુઆપ ખીરી ખાન 2026 સ્પર્ધા જીત્યાના એક દિવસ પછી જ ઓનલાઈન વાયરલ થયો હતો.
27 વર્ષીય મોડેલે વીડિયો રેકોર્ડ કરવાની વાતની કબૂલાત કરી હતી, અને કહ્યું હતું કે તેણે તેની માતાને મદદ કરવા માટે હતાશામાં આવીને આવું કર્યું હતું, જે હવે આ દુનિયામાં નથી રહી. મોડેલે સમજાવ્યું હતું કે, જૂનો વીડિયો લીક થઈ ગયો હતો.

નોઇનોન્થોંગે પાછળથી તેના ફેસબુક એકાઉન્ટ પર જાહેરમાં માફી માંગી હતી. તેમાં, તેણે સ્પર્ધા સંગઠન અને તેના સમર્થકો બંનેની માફી માંગી હતી. તેણે એવું પણ કાબુલ કર્યું હતું કે ભૂતકાળમાં તે ખોટા રસ્તે નીકળી ગઈ હતી, પરંતુ હવે પછી તેણે પોતાને સુધારવા અને આગળ વધવાની પ્રતિજ્ઞા લીધી હતી.
તેણે એ પણ સ્પષ્ટતા કરી હતી કે, ગેરકાયદેસર ગેમિંગ વેબસાઇટ્સે તેની સંમતિ વિના તેના આ વીડિયોનો દુરુપયોગ કર્યો હતો અને તે આ મામલે પોલીસમાં રિપોર્ટ નોંધાવશે.
