
ગુજરાતમાંથી દર વર્ષે મોટી સંખ્યામાં વિદ્યાર્થી અમેરિકા, કેનેડા, યુકે, જર્મની અને ઓસ્ટ્રેલિયા સહિતના દેશોમાં ઉચ્ચ અભ્યાસ માટે જાય છે. જોકે તાજેતરના આંકડા દર્શાવે છે કે અમેરિકાને કેન્દ્રમાં રાખીને વિદેશ જનાર વિદ્યાર્થીઓની સંખ્યામાં હવે નોંધપાત્ર ઘટાડો થયો છે.

ગુજરાત યુનિવર્સિટીના વેરિફિકેશન અને ટ્રાન્સક્રિપ્ટ માટેની અરજીઓના આંકડા પરથી જાણવા મળે છે કે એપ્રિલ 2022થી માર્ચ 2023 દરમિયાન 14,864 વિદ્યાર્થીઓએ અરજી કરી હતી, જ્યારે એપ્રિલ 2023થી માર્ચ 2024 દરમિયાન આ સંખ્યા વધીને 18,237 થઈ હતી. પરંતુ એપ્રિલ 2024થી માર્ચ 2025 દરમિયાન માત્ર 11,071 વિદ્યાર્થીઓએ જ અરજી કરી, એટલે કે અંદાજે 40 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે.
વિદેશ અભ્યાસ માટે અરજી કરતાં પહેલા વિદ્યાર્થીઓએ પોતાની યુનિવર્સિટીમાંથી માર્કશીટ, ડિગ્રી વેરિફિકેશન તથા ટ્રાન્સક્રિપ્ટ મેળવવી ફરજિયાત હોય છે. આ પ્રક્રિયા માટે મળેલા આંકડા દર્શાવે છે કે છેલ્લા બે વર્ષમાં ખાસ કરીને અમેરિકા અને કેનેડાના સ્ટુડન્ટ વિઝા નિયમોમાં થયેલા ફેરફારો અને કડકાઈના કારણે વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થયો છે.

ગુજરાત યુનિવર્સિટી રાજ્યની સૌથી મોટી અને જૂની યુનિવર્સિટી હોવાથી અહીંના આંકડા મહત્વપૂર્ણ માનવામાં આવે છે, જોકે જીટીયુ અને અન્ય સરકારી સ્ટેટ યુનિવર્સિટીના આંકડા સામે આવશે તો સમગ્ર ચિત્ર વધુ સ્પષ્ટ થઈ શકશે.
વિશેષ કરીને, એપ્રિલ 2025થી ઓગસ્ટ 2025 સુધીના માત્ર પાંચ મહિનામાં જ 4,066 વિદ્યાર્થીઓએ અરજી કરી છે, જે અગાઉની સરખામણીએ ઘટાડો દર્શાવે છે.

