fbpx

ગુજરાતના આ શહેરમાં 1-2 કલાક માટે કપલને રૂમ ભાડે ન આપવા પોલીસનો આદેશ

Spread the love
ગુજરાતના આ શહેરમાં 1-2 કલાક માટે કપલને રૂમ ભાડે ન આપવા પોલીસનો આદેશ

રાજકોટમાં નવરાત્રિનો તહેવાર શરૂ થતાની સાથે જ પોલીસ સક્રિય બની ગઈ છે. શહેરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને યુવતીઓનું શોષણ અટકાવવા માટે હોટલોને કડક માર્ગદર્શિકા અપાઈ છે. DCP ઝોન-2 રાકેશ દેસાઈએ હોટલ સંચાલકો સાથે બેઠક કરી સ્પષ્ટ સૂચના આપી કે હવે યુગલોને થોડા કલાકો માટે રૂમ ભાડે આપવાની પ્રથા બંધ કરવી ફરજિયાત રહેશે.

હોટલ સંચાલકોને ચેતવણી

પોલીસે જણાવ્યું કે કેટલીક હોટલોમાં સ્થાનિક યુવક-યુવતીઓને એકાંત આપવા માટે ટૂંકા સમય માટે રૂમ આપવામાં આવતા હતા. હવે એ પર રોક લાગશે. સાથે જ, જો કોઈ યુવતી ચહેરો ઢાંકી આવે તો આધાર કાર્ડ સાથે તેનો ચહેરો મેળવો અનિવાર્ય બનશે. સ્થાનિક યુવકો-યુવતીઓને ટૂંકા સમય માટે રૂમ ન આપવાની ખાસ સૂચના અપાઈ છે.

ગુનાઓ અટકાવવાનો મુખ્ય હેતુ

પોલીસના જણાવ્યા મુજબ, આવા કિસ્સાઓમાં સગીરાઓનું શોષણ થવાની ઘટનાઓ સામે આવી છે. આ કારણે ગંભીર ગુનાઓ બને છે. ડીસીપી દેસાઈએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, “સ્થાનિક વ્યક્તિ યુવતી સાથે આવે તો રૂમની જરૂર શું?” તેમજ, એકલા આવેલા સ્થાનિક વ્યક્તિને રૂમ ન આપવાની પણ સલાહ આપવામાં આવી છે જેથી આપઘાત જેવા બનાવો અટકાવી શકાય.

Navratri

ફરજિયાત વ્યવસ્થા

હોટલ સંચાલકોને તમામ મહેમાનોની વિગતો ‘પથિક’ સોફ્ટવેરમાં નોંધવાની રહેશે. સાથે જ રજીસ્ટરમાં એન્ટ્રી ફરજિયાત અને સમગ્ર પરિસરમાં CCTV કેમેરા લગાવવાની શરત મુકાઈ છે.

લોકોમાં હવે સવાલ ઉઠી રહ્યો છે કે આવા નિયમો નવરાત્રિ શરૂ થયા પછી જ કેમ યાદ આવ્યા? પોલીસની આ નવી કડકાઈથી વાસ્તવમાં ગુનાઓ ઘટશે કે નહીં, તે આવનારા દિવસોમાં જ સ્પષ્ટ થશે.

error: Content is protected !!