
કેરળ હાઈકોર્ટે ટિપ્પણી કરી છે કે બહુવિવાહ (એક કરતા વધુ લગ્ન) માત્ર ત્યારે જ માન્ય છે જો કોઈ પુરુષ તેની બધી પત્નીઓ સાથે સમાન ન્યાય કરી શકે. કેરળ હાઈકોર્ટે આ ટિપ્પણી એક રિવિઝન અરજીનો નિકાલ કરતી વખતે કરી હતી. આ અરજી ફેમિલી કોર્ટના આદેશ સામે દાખલ કરવામાં આવી હતી, જેમાં એક પત્નીએ પોતાના પતિ પાસેથી માસિક 10,000 રૂપિયા ભરણ-પોષણની માગણી ફગાવી દીધી હતી. પતિ નેત્રહીન છે અને ભિક્ષા અને પડોશીઓની મદદ પર નિર્ભર છે. અરજદાર પત્નીએ આરોપ લગાવ્યો હતો કે તેનો પતિએ પહેલાથી બે લગ્ન કર્યા હોવા છતા ત્રીજી વખત લગ્ન કરવાની ચીમકી આપી રહ્યો છે.
કોર્ટે કહ્યું હતું કે, મુસ્લિમ પર્સનલ લૉ બહુવિવાહને માત્ર એ શરતે મંજૂરી આપે છે કે પતિ ઘણી પત્નિઓનું ભરણપોષણ કરી શકે, પરંતુ નાણાકીય અસમર્થતા આવા લગ્નોને અમાન્ય બનાવે છે. કુરાન (સુરા 4, આયાત 3 અને 129)નો સંદર્ભ આપતા કોર્ટે સ્પષ્ટ કર્યું કે ઇસ્લામિક કાયદાની મૂળભૂત ભાવના એકપત્ની પ્રથા (મોનોગેમી) છે, અને બહુવિવાહ માત્ર એક અપવાદ છે અને તે ત્યારે પણ માન્ય છે જ્યારે ન્યાય અને ક્ષમતા ઉપસ્થિત હોય. કોર્ટે જણાવ્યું હતું કે આ આયાતોની ભાવના અને હેતુ એકપત્ની પ્રથા છે. બહુવિવાહ એકમાત્ર અપવાદ છે. કુરાન ‘ન્યાય’ પર ખાસ ભાર મૂકે છે. મુસ્લિમ પુરુષને એક કરતા વધુ પત્નીઓ રાખવાની મંજૂરી ત્યારે જ મળે છે જો તે તેની પહેલી, બીજી, ત્રીજી અને ચોથી પત્નીઓ સાથે ન્યાય કરી શકે.

મુસ્લિમ સમુદાયના મોટાભાગના લોકો એકપત્ની પ્રથાનું પાલન કરે છે, ભલે તેમની પાસે બહુવિવાહનું પાલન કરવાની નાણાકીય ક્ષમતા હોય. આ પવિત્ર કુરાનની સાચી ભાવના પણ છે. કોર્ટે એમ પણ કહ્યું હતું કે મુસ્લિમ સમુદાયનો એક નાનો ભાગ જે કુરાનની આયતોને અવગણીને બહુવિવાહનું પાલન કરે છે, તેને ધાર્મિક નેતાઓ અને સમાજ દ્વારા શિક્ષિત કરવા જોઈએ.
ગયા શુક્રવારે કોર્ટે એવી પણ ટિપ્પણી કરી હતી કે, રાજ્યની મુસ્લિમ રીત-રિવાજોના મૂળભૂત સિદ્ધાંતો પર લોકોને સલાહ આપવાની ફરજ છે. જો કોઈ નેત્રહીન વ્યક્તિ, જે મસ્જિદની સામે ભીખ માગે છે અને જેમને મુસ્લિમ રીત-રિવાજોના મૂળભૂત સિદ્ધાંતોની જાણકારી નથી અને એક બાદ એક લગ્ન કરી રહ્યો છે, તો રાજ્યની ફરજ છે કે તેને યોગ્ય સલાહ પૂરી પાડે. કોર્ટે એમ પણ કહ્યું હતું કે મુસ્લિમ સમુદાયમાં બહુવિવાહનો ભોગ બનતી ત્યક્તાઓનું રક્ષણ કરવાની રાજ્યની ફરજ છે.

કોર્ટે સંબંધિત સરકારી વિભાગને નિર્દેશ આપ્યો હતો કે પતિને સક્ષમ સલાહકારો (જેમાં ધાર્મિક નેતા પણ સામેલ હોય) દ્વારા સલાહ આપવામાં આવે, જેથી તે અન્ય કોઈ સ્ત્રી સાથે ફરીથી લગ્ન ન કરે અને તેને ત્યજી દે. કોર્ટે એમ પણ કહ્યું કે, જો શક્ય હોય તો રાજ્યએ, અરજદાર પત્ની અને પતિને ફરીથી સાથે લાવવાનો પ્રયાસ કરવો જોઈએ. આખરે કોર્ટે સમીક્ષા અરજી ફગાવી દીધી અને ફેમિલી કોર્ટના આદેશને માન્ય રાખ્યો.
