fbpx

પાકિસ્તાની મંત્રી અને ACC ચીફ મોહસીન નકવી નવું લાવ્યો, બોલ્યો- ટ્રોફી જોઈતી હોય તો સૂર્યકુમાર…

Spread the love
પાકિસ્તાની મંત્રી અને ACC ચીફ મોહસીન નકવી નવું લાવ્યો, બોલ્યો- ટ્રોફી જોઈતી હોય તો સૂર્યકુમાર...

એશિયા કપ 2025ની ફાઇનલમાં સૂર્યકુમાર યાદવના નેતૃત્વવાળી ભારતીય ટીમે પાકિસ્તાનની ટીમને 5 વિકેટથી હરાવી. ફાઇનલ બાદ ચોંકાવનારા દૃશ્ય સામે આવ્યા. ભારતીય ટીમે એશિયા કપ તો જીતી લીધો, પરંતુ ટ્રોફી વિના જ ઉજવણી કરી. ભારતીય ટીમે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) અને એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના અધ્યક્ષ મોહસીન નકવી પાસેથી ટ્રોફી સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો.

ત્યારબાદ મોહસીન નકવી એશિયા કપ ટ્રોફી સાથે પોતાની હોટલ પરત ફરી ગયો. ભારતીય ખેલાડીઓએ પહેલા જ સ્પષ્ટ કરી દીધું હતું કે તેઓ નકવી પાસેથી ટ્રોફી નહીં લે અને માગ કરી હતી કે અમીરાત ક્રિકેટ બોર્ડના ઉપાધ્યક્ષના હાથે ટ્રોફી સોંપવામાં આવે. જોકે, નકવીએ આ શરત સ્વીકારવાનો ઇનકાર કરી દીધો. મેચ જીતવા છતા ભારતીય ખેલાડીઓએ લગભગ એક કલાક રાહ જોઈ અને આખરે ટ્રોફી વિના ડ્રેસિંગ રૂમમાં પાછા ફર્યા.

Team-India1

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ મોહસીન નકવીને સ્પષ્ટ કહ્યું કે ટ્રોફી ભારતને સોંપવામાં આવે. જોકે, મોહસીન નકવીની જીદ ઓછી થઈ રહી નથી. પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નકવીએ BCCIના ઉપપ્રમુખ રાજીવ શુક્લાની અપીલને પણ ફગાવી દીધી. શુક્લાએ મંગળવારે (30 સપ્ટેમ્બર) ACCની બેઠકમાં એશિયા કપ ટ્રોફી ભારતને સોંપવાની જોરદાર માગ કરી હતી, પરંતુ નકવીએ આગ્રહ કર્યો હતો કે ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટ્રોફી સ્વીકારવા માટે ACC ઓફિસમાં આવવું પડશે.

BCCIના સચિવ દેવજીત સૈકિયાએ મોહસીન નકવીના વર્તનને અત્યંત દુર્ભાગ્યપૂર્ણ અને રમતની ભાવના વિરુદ્ધ ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે, ‘અમે નિર્ણય લીધો હતો કે મોહસીન નકવી પાસેથી ટ્રોફી નહીં લઈએ, પરંતુ તેનો અર્થ એ નથી કે તે ટ્રોફી અને મેડલ લઈને ભાગી જાય. આ શરમજનક છે અને અમને આશા છે કે કપ ટૂંક સમયમાં ભારતને સોંપવામાં આવશે.’

Team-India

આ ટકરાવ બાદ BCCIના અધિકારીઓએ ભાર આપીને કહ્યું કે, એશિયા કપ ટ્રોફી ભારતને સોંપવામાં આવે. GEO Superના અહેવાલ મુજબ, ACCની બેઠકમાં આ મુદ્દા પર કોઈ અંતિમ નિર્ણય થઈ શક્યો નથી. એટલે કે હવે પરિસ્થિતિ એવી છે કે ભારતે એશિયા કપ 2025 જીતી લીધો, પરંતુ ટ્રોફી હજુ પણ મોહસીન નકવી પાસે છે. આ મામલો આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) સુધી પહોંચી શકે છે.

error: Content is protected !!