
દેશના સૌથી ધનિક લોકોની યાદી બહાર પડી ગઈ છે. મુકેશ અંબાણી ફરી એકવાર M3M હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ 2025માં નંબર વન ધનિક વ્યક્તિ બન્યા છે, જ્યારે ગૌતમ અદાણી બીજા સ્થાને રહ્યા છે. ઘણી નવી એન્ટ્રીઓએ પણ લોકોને આશ્ચર્યચકિત કર્યા છે. બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાન અબજોપતિ ક્લબમાં જોડાયા છે, તો જ્યારે AIએ પણ પરપ્લેક્સિટી AIના સહ-સ્થાપક અરવિંદ શ્રીનિવાસના રૂપમાં દેશને સૌથી નાના અબજોપતિ આપીને પોતાનું કૌશલ્ય દર્શાવ્યું છે, જેની ઉમર હજુ 31 વર્ષની છે.

ચેન્નાઈના અરવિંદ શ્રીનિવાસનો જન્મ 7 જૂન, 1994ના રોજ થયો હતો. IIT મદ્રાસમાંથી B.Tech અને M.Tech પૂર્ણ કર્યા પછી, તેમણે કેલિફોર્નિયા યુનિવર્સિટીમાંથી કમ્પ્યુટર સાયન્સમાં PHDની ડિગ્રી મેળવી. આ સમય દરમિયાન, અરવિંદે OpenAI અને Google Brain જેવી કંપનીઓમાં રિસર્ચ ઇન્ટર્ન તરીકે પણ કામ કર્યું. ત્યારબાદ તેમણે 2022માં Perplexity AI નામનું પ્લેટફોર્મ શરૂ કર્યું, અને તેમાં તેને એટલી સફળતા મળી કે, અરવિંદ શ્રીનિવાસ સૌથી ધનિક લોકોની યાદીમાં જોડાઈ ગયો અને સૌથી યુવા અબજોપતિ બન્યો.

શ્રીનિવાસે ફેસબુકના ભૂતપૂર્વ AI વૈજ્ઞાનિક ડેનિસ યારાટ્સ અને ડેટાબ્રિક્સના સહ-સ્થાપક એન્ડી કોનવિન્સ્કી સાથે મળીને આ કંપનીની સ્થાપના કરી હતી. 2023થી, તેઓ એક એન્જલ રોકાણકારની ભૂમિકામાં પણ રહ્યા છે, જે નવી AI તકનીકો પર કામ કરતા સ્ટાર્ટઅપ્સને ટેકો આપે છે. તેમના પોર્ટફોલિયોમાં ElevenLabs જેવી કંપનીઓનો સમાવેશ થાય છે, જે ટેક્સ્ટ-ટુ-સ્પીચ ટૂલ્સમાં સ્પેશિયાલિટી ધરાવે છે.

Perplexity AIએ AI-સંચાલિત સર્ચ એન્જિન છે અને Google અને ChatGPT જેવી કંપનીઓનો હરીફ છે. અહેવાલો સૂચવે છે કે, જુલાઈ 2025 સુધીમાં તેનું મૂલ્યાંકન રૂ. 1.15 લાખ કરોડ સુધી પહોંચી ચૂક્યું છે. તેને Amazon, Nvidia અને SoftBank તરફથી ભંડોળ મળ્યું છે. કેલિફોર્નિયામાં મુખ્ય મથક ધરાવતી આ કંપની સતત આગળ વધી રહી છે.
અરવિંદ શ્રીનિવાસની ધનવાન લોકોની યાદીમાં પ્રવેશ હકીકતમાં ડીપ-ટેક અને AI-સંચાલિત નવીનતામાં ભારતની ઝડપી પ્રગતિ દર્શાવે છે. હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ અનુસાર, તેમની કુલ સંપત્તિ રૂ. 21,190 કરોડ હોવાનો અંદાજ છે. આ યાદીમાં અરવિંદ શ્રીનિવાસ એકમાત્ર યુવાન વ્યક્તિ નથી. ઝેપ્ટોના સહ-સ્થાપક કૈવલ્ય વોહરા (22) અને આદિત પાલિચા (23) પણ સામેલ છે.

દેશના અમીરોની યાદીમાં 350થી વધુ અબજોપતિઓની સંયુક્ત સંપત્તિ રૂ. 167 લાખ કરોડ હોવાનો અંદાજ બતાવવામાં આવ્યો છે, જે ગયા વર્ષ કરતા 5 ટકા વધુ છે. અબજોપતિઓની આ સંયુક્ત નેટવર્થ ભારતના GDPના લગભગ અડધા ભાગનું પ્રતિનિધિત્વ કરે છે. અહીં જણાવી દઈએ કે, 2025ના અમીરોની યાદીમાં મુકેશ અંબાણી પરિવાર 9.55 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ સાથે નંબર-1 પર છે, ગૌતમ અદાણી પરિવાર 8.15 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ સાથે બીજા સ્થાને છે, જ્યારે રોશની નદાર મલ્હોત્રા અને પરિવાર 2.84 લાખ કરોડ રૂપિયા સાથે ત્રીજા સ્થાને છે.
