
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પહેલા મનસ્વી રીતે ટેરિફ લગાવ્યા હતા. હવે, ટેરિફ ઘટાડવા માટે, તેમણે દક્ષિણ કોરિયાને એક એવો સોદો ઓફર કર્યો છે, જે સાંભળીને કોઈ ને પણ અજીબ લાગશે. આના કારણે અમેરિકા અને દક્ષિણ કોરિયા વચ્ચેના વેપાર કરાર પર વિવાદ વધુ ઘેરો બન્યો છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સિઓલ પાસેથી 350 બિલિયન ડૉલરની રોકડ ચુકવણીની માંગ કરી છે. જોકે, આ માંગને દક્ષિણ કોરિયાએ અશક્ય જાહેર કરી છે, તેમણે એમ કહ્યું કે આટલી મોટી રકમ રોકડમાં ચૂકવવાથી અમારા દેશની અર્થવ્યવસ્થા ખોરવાઈ જશે. અહીં તમને જણાવી દઈએ કે, જુલાઈમાં આ બંને દેશો વચ્ચે ટેરિફમાં ઘટાડો કરવાનો કરાર થયો હતો, જે હવે જોખમમાં મુકાયેલો દેખાઈ રહ્યો છે.

જુલાઈમાં થયેલી વાટાઘાટો દરમિયાન, અમેરિકા દક્ષિણ કોરિયાના માલ પર ટેરિફ 25 ટકાથી ઘટાડીને 15 ટકા કરવા સંમત થયું. આના બદલામાં, સિઓલે US પ્રોજેક્ટ્સમાં 350 બિલિયન ડૉલરનું રોકાણ કરવાનું વચન આપ્યું હતું. આ રકમ લોન, ગેરંટી અને ઇક્વિટી દ્વારા પૂરી પાડવામાં આવનાર હતી. જોકે, ટ્રમ્પે હવે કહ્યું છે કે, પૈસા હવે સીધા રોકડમાં ચૂકવવા પડશે. ટ્રમ્પે તો એવો પણ દાવો કર્યો હતો કે, જાપાન પહેલાથી જ 550 બિલિયન ડૉલર અને દક્ષિણ કોરિયા 350 બિલિયન ડૉલર રોકડ ચૂકવવા જઈ રહ્યું છે.
દક્ષિણ કોરિયાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર, V સુંગ-લેકે સ્પષ્ટપણે કહ્યું હતું કે, 350 બિલિયન ડૉલર રોકડ ચૂકવવાનું વ્યવહારીક રીતે શક્ય નથી. રાષ્ટ્રપતિ લી જે-મ્યુંગે પણ ચેતવણી આપી હતી કે, આટલી મોટી રોકડ ચુકવણી દેશના અર્થતંત્રને પાટા પરથી ઉતારી શકે છે. તેમના મતે, દક્ષિણ કોરિયા પાસે આશરે 410 બિલિયન ડૉલરનો વિદેશી હૂંડિયામણ ભંડાર છે, અને એક સામટી આટલી મોટી ચુકવણી ગંભીર કટોકટી ઊભી કરશે. લીએ સૂચવ્યું હતું કે, જો સોદો આગળ વધારવો હોય તો ચલણ સ્વેપ જેવા રક્ષણાત્મક પગલાં જરૂરી બનશે.

બંને દેશો વચ્ચે વાતચીત હાલમાં અટકી પડી છે. સૌથી મોટો અવરોધ એ ઉભો થયો છે કે, US પક્ષ ભંડોળ પર સીધું નિયંત્રણ ઇચ્છે છે, જ્યારે દક્ષિણ કોરિયા આનો વિરોધ કરી રહ્યું છે. હવે બધાની નજર આગામી મહિને યોજાનાર એશિયા-પેસિફિક આર્થિક સહકાર (APEC) સમિટ પર છે, જેનું આયોજન સિઓલમાં થશે અને ટ્રમ્પ પણ તેમાં હાજરી આપશે. કોરિયન નેતૃત્વને આશા છે કે, આ પ્લેટફોર્મ પર બંને દેશો વચ્ચે સંતુલિત ઉકેલ શોધી શકાય.
