
મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવ્યાના 8 મહિના બાદ વિસ્તરણ કરીને વધુ 10 ગામ અને અધૂરા લાખવડનો રેવન્યૂ વિસ્તાર આવરી લેવામાં આવ્યો છે. પૂર્વ તરફના ગામોને આવરી લઈને પશ્ચિમ અને પૂર્વ બંને તરફ મહાનગરપાલિકા વિસ્તાર સમતુલન કરવામાં આવ્યું છે. પહેલા અર્ધ ગોળાકારમાં મહાનગરપાલિકા વિસ્તાર હવે આ ગામોને ભેળવીને ભૌગોલિક રીતે ગોળાકારમાં આવ્યો છે.


જાન્યુઆરીમાં નગરપાલિકા અને 14 ગામ સાથે 80 ચોરસ કિલોમીટર વિસ્તાર સાથે અસ્તિત્વમાં આવેલ મહાનગરપાલિકા હવે વધુ 10 ગામ અને લાખવડના બાકી સર્વે નંબરો આવરી લેવાતા વધુ 40 ચોરસ કિલોમીટરનો વધારો થઈને 120 ચોરસ કિલોમીટર વિસ્તાર હદની મહાનગરપાલિકા બની છે અને વસ્તી 4.30 લાખથી વધીને 4.53 લાખની થઈ છે. પરંતુ હવે મહેસાણા મહાનગરપાલિકામાં ભેળવાયેલા 10 ગામ પૈકી 4 ગામમાં વિરોધ થઈ રહ્યો છે. આ ગામોમાં વિરોધના બેનર લગાવાયા છે.
દેલા બાદ હવે હેબુવા, શોભાસણ અને રામપુરા (કુકસ)માં પણ રાજકીય પક્ષોને પ્રવેશબંધીના બેનર લાગ્યા છે. એક તરફ મહાનગરપાલિકાના પ્રથમ મેયરનું રોટેશન થયું છે અને પછાત વર્ગ મહિલા પ્રથમ ટર્મમાં મેયરપદે રહેશે. બીજી તરફ મહાનગરપાલિકામાં નવા ભળેલા ગામોમાંથી 4 ગામમાં વિરોધ થઇ રહ્યો છે.

દેલા ગામના સરપંચ ચૌધરી કિરણભાઈએ જણાવ્યું કે, અમારે પશુપાલનનો ધંધો છે ખેતીવાડી છે અને અમે એના પર નિર્ભર છીએ. અત્યારે હાલ અમારે વેરા ડબલ થઈ જાય, 4 ગણા અને ખેતીવાડીનો અને પશુપાલન ઉપર આ બધા બોજા ક્યાંથી લાવીને ભરવાના અમારે. પહેલી તારીખે મહાનગરપાલિકાનું જ્યારે જાહેરનામું પાડ્યું, જે ગામોએ નહોતું જોડાવું, તેમાંથી 5 નામ નીકળી ગયા. તો આ લોકો અમારા ગામનું નામ કેમ નથી કાઢતા?
રામપુરા ગામના સરપંચે જણાવ્યું કે, પશ્ચિમ વિસ્તારના જે ગામડાઓ રહ્યા એમાં છ ગામને એમણે ગામતળ છોડી દીધું છે અને અમે એવી રજૂઆત કરી હતી કે અમારું ગામતળ છોડી અને સીમતળ તમે લો, પરંતુ અમારી કોઈ રજૂઆત સાંભળી નથી. અમારા રામપુરા ગામનો બીજો એક મુદ્દો એ છે કે અમારી લગભગ 40% સર્વે નંબર કુકસ ગામમાં આવે છે. તો કુકસ ગામમાં ઓલરેડી મહાનગરપાલિકામાં જોડાઈ ગયા છે. તો અમારા સર્વે નંબર તો મોટા ભાગના એમને મળી ગયા છે. તો અમારા ગામતળમાં લેવાથી કે ન લેવાથી મહાનગરપાલિકાને કોઈ ફરક પડતો નથી.
બીજું એક કારણ એ છે કે અમારા ગામના બધા જ ખેડૂતો એક સીમાંત ખેડૂતો છે અને બધા પશુપાલન અને ખેતી ઉપર નભતા ખેડૂતો છે. હવે એ મહાનગરપાલિકામાં જોડાય તો એમના જમીનની જે કપાત થાય અને બીજા જે પશુપાલનનો જે ધંધો છે એના ઉપર અસર થાય. અમુક રોજેરોજની મજૂરી કરી અને ખાવાવાળા લોકો પણ છે. તો અમારી ગામની જે ભૌગોલિક સ્થિતિ અને આર્થિક સ્થિતિ અને જે સામાજિક સ્થિતિ છે, એને અનુલક્ષીને અમારું ગામ જે છે એ મહાનગરપાલિકાની રચનામાં કોઈ પણ રોલ ભજવી શકે એમ નથી. ના ભૌગોલિક સ્થિતિથી કે ના અમારા સીમ વિસ્તાર ઓલરેડી કુકસમાં છે તો એ તો મળી ગયો છે એમને. તો ગામતળમાં તો કંઈ કરવાનું રહેતું નથી.

તેમણે કહ્યું કે, અમે આ બાબતે રજૂઆત ધારાસભ્ય, સાંસદ, જિલ્લા સદસ્ય, તાલુકા સદસ્ય, ગાંધીનગરમાં મુખ્યમંત્રી સુધી કરી, વિકાસ કમિશનરને રજૂઆત કરી, અગ્ર સચિવને રજૂઆત કરી, રાજ્યપાલ સુધી અમે લેટરો આપ્યા છે કે અમારી વાત સાંભળો, પરંતુ અમારી વાત કોઈ સાંભળવા માટે તૈયાર નથી, અમારી જોડે ચર્ચા કરવા માટે કોઈ તૈયાર નથી. અમારા ઠરાવને અવગણી અને સીધેસીધું અમારું ગામ લઈ લીધું છે. તો અમારા ગામના લોકોની એક જ માગણી છે કે છેલ્લા 30 વર્ષથી આપણે સત્તા પક્ષને એકતરફી વોટ આપીએ છીએ. તો આજે આ સમયે અમારું કેમ ન સાંભળે અને ખરેખર તમારી મહાનગરપાલિકામાં જો અમારી જરૂરિયાત હોય અને અમે તમારા મહાનગરપાલિકાના કોઈ પણ રીતે વિકાસને અટકાવતા હોય તો અમને તમે સમજાવો કે કઈ રીતે અમે તમને અટકાવીએ છીએ, કારણ કે અમારો સીમ વિસ્તાર તો ઓલરેડી તમારે જોડે આવી ગયો છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, અમે અત્યારે વિરોધ કરવા ગામમાં બેનરો લગાવ્યા છે ગામના લોકોને અમે મીટિંગ કરી હતી. હવે છેલ્લે અમે તાજેતરમાં જ કોર્ટમાં કેસ પણ દાખલ કર્યો છે અને અમને ન્યાયતંત્ર પર પૂરો વિશ્વાસ છે કે અમને 100% ન્યાય મળશે અને કદાચ કંઈ ન થાય તો ગ્રામજનોએ આગામી સમયમાં ચૂંટણીના બહિષ્કાર સુધીની વાતો કરી છે.
