fbpx

RSS વડા મોહન ભાગવતે વસ્તીનું ગણિત સમજાવતા કહ્યું કે, ત્રણ બાળકો શા માટે જરૂરી

Spread the love

RSS વડા મોહન ભાગવતે વસ્તીનું ગણિત સમજાવતા કહ્યું કે, ત્રણ બાળકો શા માટે જરૂરી

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે રવિવારે કોલકાતામાં એક પરિષદને સંબોધિત કરી, અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પોતાના વિચારો રજુ કર્યા. તેમણે લિવ-ઇન સંબંધોની નિંદા કરી, પરિવાર અને લગ્નના મહત્વ પર ભાર મૂક્યો, અને વસ્તી નિયંત્રણ પર 50 વર્ષીય દૂરંદેશી નીતિની હિમાયત કરી. તેમણે એ પણ સમજાવ્યું કે ત્રણ બાળકો શા માટે જરૂરી છે. તેમણે એમ પણ કહ્યું કે ભારત પહેલેથી જ એક હિન્દુ રાષ્ટ્ર છે અને આ હકીકતને કોઈ બંધારણીય મંજૂરીની જરૂર નથી.

કોલકાતામાં એક વ્યાખ્યાન શ્રેણીમાં એક સત્રને સંબોધતા, ભાગવતે લિવ-ઇન સંબંધોની વિભાવના પર પોતાના વિચારો વ્યક્ત કર્યા. તેમણે કહ્યું, ‘જો તમે જવાબદારી લેવા તૈયાર નથી, તો તે યોગ્ય નથી. પરિવાર અને લગ્ન ફક્ત શારીરિક સંતોષનું સાધન નથી. તે સમાજનો એક ભાગ છે. પરિવાર એક એવી જગ્યા છે, જ્યાં વ્યક્તિ સમાજમાં કેવી રીતે રહેવું તે શીખે છે… તેથી, તે આપણા દેશ, સમાજ અને ધાર્મિક પરંપરાઓને જાળવવાની બાબત છે.’

Mohan Bhagwat

RSS વડાએ કહ્યું કે જો તમે લગ્ન કરવા માંગતા નથી, તો તે ઠીક છે. આપણે સંન્યાસી બની શકીએ છીએ, પણ જો તમે એમ નહીં કરો અને જવાબદારી ન લો, તો બધું કેવી રીતે ચાલશે?…

બાળકો વિશે સમાજમાં ચાલી રહેલી ચર્ચા પર બોલતા, તેમણે કહ્યું કે, દંપતીએ કેટલા બાળકો હોવા જોઈએ તે પરિવાર, પતિ-પત્ની અને સમાજનો વિષય છે. તેનો કોઈ નિશ્ચિત નિયમ નથી. મેં ડોકટરો અને અન્ય લોકો સાથે વાત કરીને કેટલીક માહિતી એકત્રિત કરી છે, અને તેઓ કહે છે કે, જો લગ્ન વહેલા થાય, 19 થી 25 વર્ષની ઉંમર વચ્ચે, અને ત્રણ બાળકો હોય, તો માતાપિતા અને બાળકો બંનેનું સ્વાસ્થ્ય સારું રહે છે.

તેમણે મનોવિજ્ઞાનીની વાતને ફરી વખત કહ્યું, ‘મનોવિજ્ઞાનીઓ કહે છે કે, ત્રણ બાળકો હોવાને કારણે લોકોને અહંકારનું સંચાલન શીખવામાં મદદ મળે છે. પછી, વસ્તીશાસ્ત્રીઓ કહે છે કે, જો જન્મ દર ત્રણથી નીચે આવે છે, તો વસ્તી ઘટી રહી છે, અને જો તે 2.1થી નીચે જાય છે, તો તે ખતરનાક છે. હાલમાં, બિહારને કારણે આપણો દર 2.1 છે; અન્યથા, આપણો દર 1.9 છે… આ માહિતી મને મળી છે.’

Mohan Bhagwat

વસ્તીના ફાયદા અને ખરાબ અસરોની યાદી આપતાં તેમણે આગળ કહ્યું, ‘હું એક ઉપદેશક છું, અપરિણીત છું. મને આ બાબત વિશે કંઈ ખબર નથી. મને મળેલી માહિતીના આધારે હું તમને આ કહી રહ્યો છું… આપણે વસ્તીનું અસરકારક રીતે સંચાલન કર્યું નથી. વસ્તી એક બોજ છે, પરંતુ તે એક સંપત્તિ પણ છે. આપણે આપણા દેશના પર્યાવરણ, માળખાગત સુવિધાઓ, સુવિધાઓ, મહિલાઓની સ્થિતિ, તેમના સ્વાસ્થ્ય અને દેશની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને 50 વર્ષના અંદાજના આધારે નીતિ બનાવવી જોઈએ…’

ભાગવતે પોતાના સંબોધનમાં ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવા અંગેની ચર્ચાને સંબોધતા કહ્યું, ‘સૂર્ય પૂર્વમાં ઉગે છે; આપણે જાણતા નથી કે, આ કેટલા સમયથી થઈ રહ્યું છે, તો શું તેને બંધારણીય મંજૂરીની જરૂર છે? હિન્દુસ્તાન એક હિન્દુ રાષ્ટ્ર છે. જે કોઈ ભારતને પોતાની માતૃભૂમિ માને છે, ભારતીય સંસ્કૃતિની કદર કરે છે, અને ભારતીય પૂર્વજોના ગૌરવમાં વિશ્વાસ કરે છે અને તેનું સન્માન કરે છે, ત્યાં સુધી ભારત એક હિન્દુ રાષ્ટ્ર છે.’

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હિન્દુત્વની વિચારધારામાં દ્રઢપણે વિશ્વાસ રાખનાર RSSને કોઈ પરવા નથી કે ભારતીય સંસદ ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવા માટે કોઈ કાયદામાં સુધારો કરે છે કે નહીં.

Mohan Bhagwat

ભાગવતે કહ્યું, ‘જો સંસદ ક્યારેય બંધારણમાં સુધારો કરવાનો અને તે શબ્દ ઉમેરવાનો નિર્ણય લે છે, તો તેવું કરે કે ન કરે, અમને કોઈ ફરક પડતો નથી. આપણે હિન્દુ છીએ અને આપણું રાષ્ટ્ર હિન્દુ રાષ્ટ્ર છે. આ જ સત્ય છે. જન્મ પર આધારિત જાતિ વ્યવસ્થા હિન્દુત્વની ઓળખ નથી.’

લઘુમતી મુદ્દા પર પ્રકાશ પાડતા, ભાગવતે કહ્યું કે RSS કોઈ મુસ્લિમ વિરોધી સંગઠન નથી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, RSSનું કાર્ય સંપૂર્ણ પારદર્શિતા સાથે કરવામાં આવે છે, અને કોઈને પણ શંકા જતી હોય તો તે વ્યક્તિ જાતે આવીને જોઈ શકે છે. જો એમની એવી ધારણા હોય કે અમે મુસ્લિમ વિરોધી છીએ, તો જેમ મેં કહ્યું તેમ, ‘RSSનું કાર્ય પારદર્શક છે. તમે ગમે ત્યારે આવીને જાતે જોઈ શકો છો, અને જો તમને કંઈક સાચું દેખાય છે, તો તમારો અભિપ્રાય વ્યક્ત કરો, અને જો તેવું ન દેખાય તો તમારો અભિપ્રાય બદલો. RSS વિશે સમજવા માટે ઘણું બધું છે, પરંતુ જો તમે સમજવા જ ન માંગતા હો, તો કોઈ તમારો વિચાર બદલી શકશે નહીં.’

error: Content is protected !!