
સૂરતમાં જમીનોના ભાવો આસમાને જતા સૌરાષ્ટ્રના એક મોટા નેતાએ 5 વર્ષ પહેલા 30 લોકોની એક ગેંગ બનાવી હતી. દિવ્ય ભાસ્કરના એક અહેવાલમાં જણાવાયું હતું કે આ ગેંગમાં 10 ભૂમાફિયા, 4 પત્રકાર, 2 ગેંગસ્ટર ઉપરાંત રાજકારણીઓ, વકીલ અને સીએ પણ જોડાયેલા હતા. આ ગેંગનો સૂરતમાં મોટો ત્રાસ ઊભો થયો હતો. ઉદ્યોગપતિઓ ત્રાહિમામ થઇ ગયા હતા. ત્યારે આખી વાત છેક વડાપ્રધાન સુધી પહોંચી હતી. ત્યારબાદ પગલા લેવાયા હતા.
જોકે, ગેંગ તો સમય જતા વિખેરાઇ ગઇ પરંતુ કેટલાક લોકો વ્યક્તિગત ધોરણે કામ કરતા હતા. તેમને ઉપરથી સપોર્ટ પણ મળતો હતો. કહેવાય છે કે આ ગેંગેના કેટલાક સાગરિતોએ ફરી માથું ઉચકવાનો પ્રયાસ કર્યો. મુખ્ય સાગરિતે 6 તો લકઝરી કારો ખરીદી હતી. આઇટીના દરોડામાં લગભગ 1.3 કરોડની કેશ અને કારો ઉપરાંત ઘણા દસ્તાવેજો જપ્ત કરાયા છે. બુધવારે સવારથી જ આઇટીની ટીમે જુદી જુદી જગ્યાઓએ દરોડા પાડ્યા હતા. આ દરોડા પછી મહાકાલ ગ્રુપના બીજા સાગરિતોમાં પણ ફફડાટ ફેલાઇ ગયો છે. ધીરે ધીરે તેમના વિશે ઘણી બધી માહિતીઓ બહાર આવી રહી છે. તેમના કૌભાંડો વિશેની માહિતી આગામી સમયમાં વધુમાં વધુ બહાર આવી રહી છે.
