
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 ફેબ્રુઆરીએ અજમેરથી દેશભરમાં HPV (Human Papillomavirus) સામે રસીકરણ અભિયાન શરૂ કરાવવાના છે. આનો મુખ્ય હેતુ સ્ત્રીઓમાં થતા સર્વાઇકલ કેન્સર ઘટાડવાનો છે. ભારતમાં સ્ત્રીઓમાં સર્વાઇકલ કેન્સર બીજું સૌથી સામાન્ય કેન્સર છે અને તેના અંદાજે 90% કેસ HPV ચેપના કારણે થાય છે. આ રસી માત્ર સર્વાઇકલ કેન્સર જ નહીં પરંતું એનલ કેન્સર,પેનાઇલ કેન્સર,યોનિ કેન્સર,વલ્વર કેન્સર, ગળાના કેન્સરમાં પણ અસરકારક છે. HPV એક સામાન્ય રીતે ફેલાતો વાયરસ છે, જે મુખ્યત્વે શારીરિક સંપર્ક દ્વારા ફેલાય છે.

અભિયાનની મુખ્ય બાબતો
આ રાષ્ટ્રીય અભિયાન હેઠળ ખાસ કરીને 14 વર્ષની છોકરીઓને એક જ ડોઝની HPV રસી આપવામાં આવશે. દર વર્ષે આશરે 1.15 કરોડ છોકરીઓને આ રસી આપવાનું લક્ષ્ય છે.જો કિશોરાવસ્થામાં રસી આપવામાં આવે તો વધુ મજબૂત અને લાંબા ગાળાનું રક્ષણ મળે છે.
કંઈ રસી આપવામાં આવશે?
હાલના રાષ્ટ્રીય અભિયાનમાં Gardasil રસીનો ઉપયોગ કરવામાં આવશે. ભારતમાં વિકસિત Cervavac (Serum Institute) હજી WHOની મંજૂરીની રાહમાં હોવાથી તેનો ઉપયોગ હાલમાં થતો નથી. ભવિષ્યમાં મંજૂરી મળ્યા બાદ તેનો સમાવેશ થઈ શકે છે. GAVI Vaccine Alliance ભારતને 2.6 કરોડ ડોઝ પૂરા પાડશે જેમાંથી 1 કરોડ ડોઝ પહેલેથી જ આવી ચૂક્યા છે.
શું એક ડોઝ પૂરતો છે?
હા. WHOના નિષ્ણાતો અનુસાર 9 થી 20 વર્ષની છોકરીઓ માટે એક ડોઝ પણ અસરકારક રક્ષણ આપે છે.
જ્યારે 21 વર્ષથી ઉપરની મહિલાઓને 2 ડોઝ. ઈમ્યુનિટી ઓછી હોય તેવી વ્યક્તિઓને 3 ડોઝની સલાહ આપવામાં આવે છે.

શું ભારતમાં આ પહેલીવાર છે, બીજા કોઇ દેશમાં અપાય છે?
ઓસ્ટ્રેલિયામાં HPV રસીકરણ શરૂ થયા બાદ યુવાન મહિલાઓમાં HPV પ્રમાણ 22.7% થી ઘટીને 1.5% થયું. ભારતના કેટલાક રાજ્યો પહેલેથી જ શરૂઆત કરી ચૂક્યા છે. સિક્કિમમાં 2018થી શરૂ કરાયું જેમાં 95% થી વધુ છોકરીઓ આવરી લેવાઇ હતી. જ્યારે પંજાબમાં 2016થી શરૂ કરાયું અને 97 ટકાને વેક્સિન આપી દેવાઇ.
