
ન્યૂઝીલેન્ડ સામે ઇંગ્લેન્ડની રોમાંચક જીત સાથે જ પાકિસ્તાનન માટે ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026ની સેમીફાઇનલ માટે રસ્તો ખૂલી ગયો છે. પાકિસ્તાન આજે પલ્લેકેલેના પલ્લેકેલે ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે શ્રીલંકા સામે ટકરાશે. આ મેચ ગ્રુપ-2ની સેમીફાઇનલની તસવીર સ્પષ્ટપણે નક્કી કરી દેશે. સેમીફાઇનલમાં સ્થાન મેળવવા માટે, પાકિસ્તાને શ્રીલંકા સામે મોટી જીતની જરૂર પડશે, જેથી તેની નેટ રનરેટ ન્યૂઝીલેન્ડથી સારી થઈ જાય.
જો પાકિસ્તાન પહેલા બેટિંગ કરે છે, તો તેણે શ્રીલંકાને ઓછામાં ઓછા 64 રનથી હરાવવું પડશે. જો પાકિસ્તાનની ટીમ પીછો કરી રહી હોય, તો તેણે 13.1 ઓવરમાં મેચ પૂરી કરવી પડશે. જો પાકિસ્તાન આમ કરવામાં નિષ્ફળ જાય છે, તો ન્યૂઝીલેન્ડ સીધું સેમીફાઇનલમાં પહોંચી જશે. એટલે કે આ મેચ નેટ રન રેટને કારણે અત્યંત મહત્ત્વપૂર્ણ થઇ ગઇ છે.

પાકિસ્તાનની નેટ રન રેટ -0.461 છે. તો, ન્યૂઝીલેન્ડની નેટ રન રેટ 1.390 છે. ન્યૂઝીલેન્ડ પાસે 3 પોઈન્ટ છે અને પાકિસ્તાન પાસે 1 પોઈન્ટ છે. પાકિસ્તાન માટે આ કરો યા મરો જેવી સ્થિતિ છે, જ્યારે ન્યૂઝીલેન્ડનું ધ્યાન મેચના પરિણામ પર રહેશે. જો મેચ વરસાદને કારણે રદ થાય તો પણ, ન્યૂઝીલેન્ડ સેમીફાઇનલ માટે ક્વોલિફાય થઇ જશે. ઇંગ્લેન્ડ 6 પોઈન્ટ સાથે ગ્રુપ-2માં ટોપ પર છે.
સમીકરણ મુજબ, જો ન્યૂઝીલેન્ડ સેમીફાઇનલમાં પહોંચે છે, તો ટૂર્નામેન્ટની પહેલી સેમીફાઇનલ 4 માર્ચે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાશે. બીજી સેમીફાઇનલ 5 માર્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાવાની છે. એ જોવું રસપ્રદ રહેશે કે પાકિસ્તાન પલ્લેકેલેમાં મોટો અપસેટ સર્જી શકે છે કે ન્યૂઝીલેન્ડ સેમીફાઇનલમાં સ્થાન મેળવી લેશે.

ન્યૂઝીલેન્ડ એક સમયે ઇંગ્લેન્ડ સામે મજબૂત સ્થિતિમાં હતું. 16.5 ઓવર સુધી ઇંગ્લેન્ડનો સ્કોર 6 વિકેટે 117 રન હતો. ત્યાંથી, રેહાન અહમદ (અણનમ 19) અને વિલ જેક્સે (અણનમ 32) ધીરજ અને સમજદારી સાથે બેટિંગ કરતા 44 રનની નિર્ણાયક ભાગીદારી કરી દીધી. ઇંગ્લેન્ડે 19.3 ઓવરમાં લક્ષ્યાંક હાંસલ કરી લીધો અને મેચ જીતી લીધી. નોંધનીય છે કે કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં ન્યૂઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતા 159 રન બનાવ્યા હતા.
ઇંગ્લેન્ડે પહેલાથી જ સેમીફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું હતું. જોકે, આ પરિણામથી ગ્રુપ-2ના બાકીના સમીકરણ સંપૂર્ણપણે બદલાઇ ગયા છે. સમીકરણ સ્પષ્ટ છે કે, જો પાકિસ્તાન મોટા માર્જિનથી જીતે છે, તો તે સેમીફાઇનલમાં પ્રવેશ કરી જશે. જો આવું નહીં થાય, તો ન્યૂઝીલેન્ડ ગ્રુપ-2માંથી બીજી ટીમ તરીકે સેમીફાઇનલમાં પ્રવેશ કરશે. બધાની નજર હવે પાકિસ્તાન અને શ્રીલંકાની મેચ પર છે, જે નક્કી કરશે કે અંતિમ-4માં ઇંગ્લેન્ડ સાથે કોણ પહોંચશે.
