
ભારત, ઓસ્ટ્રેલિયા, વેસ્ટ ઇન્ડીઝ, USA અને દુબઈમાં થતી T20 લીગની સફળતા જોયા બાદ, ન્યૂઝીલેન્ડે હવે પોતાની T20 લીગ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. ન્યૂઝીલેન્ડ ક્રિકેટે નિર્ણય લીધો છે કે, હાલની સુપર સ્મેશ T20 ટૂર્નામેન્ટની જગ્યાએ ‘NZ20’ ફ્રેન્ચાઇઝ લીગ શરૂ થશે, જેમાં 6 ટીમ ભાગ લેશે. આ 6 ટીમો IPLની જેમ અલગ-અલગ કંપનીઓની માલિકીની હશે, અને લીગ જાન્યુઆરી 2027માં શરૂ થઈ શકે છે. ન્યૂઝીલેન્ડ ક્રિકેટે જણાવ્યું છે કે આ ટૂર્નામેન્ટ માત્ર પુરુષો માટે જ નહીં પરંતુ મહિલાઓ માટે પણ શરૂ કરવામાં આવશે.

ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ લિન્ડને જણાવ્યું હતું કે, ‘બોર્ડ NZ20 લીગ પ્રસ્તાવમાં કેટલાક ફેરફારો જોવા માંગે છે. અને NZ20 સાથે મળીને કામ કરીને એ ખાતરી કરવા માંગીએ છીએ કે ઘરેલુ મહિલા T20 સ્પર્ધાને સામેલ કરવામાં આવે અને તેનું સમર્થન કરવામાં આવે.’ લિન્ડને એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે દરેક ટીમમાં સ્થાનિક સુપરસ્ટાર હોવા જોઈએ, જેથી યુવા ક્રિકેટર તેમના હીરોને રમતા જોઈ શકે. નોંધનીય છે કે NZ20 લીગ પ્રસ્તાવ અંગે ચર્ચા દરમિયાન, બોર્ડે ઓસ્ટ્રેલિયાની બિગ બેશ લીગ (BBL)માં સામેલ થવાની શક્યતા પર ચર્ચા કરી હતી, પરંતુ બાદમાં તેણે આમ ન કરવાનો નિર્ણય લીધો.

T20 ફ્રેન્ચાઇઝ લીગ શરૂ કરવાથી ન્યૂઝીલેન્ડ ક્રિકેટને ખૂબ ફાયદો લાભ થશે. જો ખાનગી રોકાણકારો આ લીગમાં રોકાણ કરશે તો ન્યૂઝીલેન્ડ બોર્ડને ચોક્કસ નાણાકીય લાભ થશે સાથે જ, ‘કિવી’ ટીમને પ્રતિભાશાળી યુવા ખેલાડીઓ પણ મળશે. ન્યૂઝીલેન્ડ ક્રિકેટમાં પૈસા વધુ આવવાથી લોકોની ક્રિકેટમાં વધુ રસ વધશે. ન્યૂઝીલેન્ડમાં ક્રિકેટ કરતા જ્યારે રગ્બી વધુ લોકપ્રિય છે, જો આર્થિક રીતે ક્રિકેટ મજબૂત થશે ક્રિકેટના ફોલોઅર્સમાં પણ વધારો થશે.

BCCIએ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) લોન્ચ કરીને નાણાકીય ક્ષમતાની દૃષ્ટિએ વિશ્વના દરેક અન્ય ક્રિકેટ બોર્ડને પાછળ છોડી દીધા છે. ઓસ્ટ્રેલિયા બિગ બેશ લીગ (BBL)નું આયોજન કરે છે, ઇંગ્લેન્ડમાં ‘ધ હંડ્રેડ’ ટૂર્નામેન્ટ રમાય છે, બાંગ્લાદેશ બાંગ્લાદેશ પ્રીમિયર લીગ (BPL), દક્ષિણ આફ્રિકામાં SA20, અને પાકિસ્તાનમાં પાકિસ્તાન સુપર લીગ (PSL) રમાય છે. આ બધી ટૂર્નામેન્ટો દ્વારા છુપાયેલી પ્રતિભા સામે આવે છે. ન્યૂઝીલેન્ડની નવી લીગમાં પણ કંઈક આવું જ જોવા મળી શકે છે.
