fbpx

યુદ્ધ દરમિયાન સોના અને ચાંદીના ભાવ વધવાને બદલે કેમ ઘટી કેમ ગયા?

Spread the love

યુદ્ધ દરમિયાન સોના અને ચાંદીના ભાવ વધવાને બદલે કેમ ઘટી કેમ ગયા?

સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે જ્યારે પણ વૈશ્વિક સ્તરે યુદ્ધ અને અનિશ્ચિતતાનું વાતાવરણ હોય છે, ત્યારે લોકો સુરક્ષિત રોકાણ તરીકે સોના અને ચાંદી તરફ ભાગે છે, જેના કારણે તેમના ભાવ વધે છે. જોકે, હાલમાં ઈરાન સંકટ છતા બુલિયન માર્કેટમાં પરિસ્થિતિ તદ્દન વિપરીત છે. તાજેતરના સમયમાં, સોનું 1.75 લાખ રૂપિયાથી ઘટીને 1.5 લાખ રૂપિયાની નીચે આવી ગયું છે, જ્યારે ચાંદી પણ 3 લાખના સ્તરની નજીક પહોંચ્યા બાદ, હવે 2.5 લાખની નીચે ટ્રેડ કરી રહી છે. ઐતિહાસિક વલણોથી વિપરીત, આ વખતે યુદ્ધના સમય દરમિયાન ભાવ કેમ ઘટી રહ્યા છે? ચાલો તેની પાછળના મુખ્ય કારણો સમજીએ.

સોનાના ઇતિહાસ પર નજર કરીએ તો, 1967ના આરબ-ઇઝરાયલ યુદ્ધ, 1979ની ઈરાની ક્રાંતિ અને 1990ના ગલ્ફ યુદ્ધ દરમિયાન ભાવમાં ભારે ઉછાળો જોવા મળ્યો હતો. 1979માં તો, સોનું 200 ડોલરથી વધીને 800 ડોલર પ્રતિ ઔંસ સુધી પહોંચ્યું હતું. 2022ના રશિયા-યુક્રેન યુદ્ધની શરૂઆતમાં પણ સોનાના ભાવમાં પણ વધારો થયો હતો. ચાંદી પણ ઘણીવાર સોનાના માર્ગને અનુસરે છે; જોકે, તેનો લગભગ અડધો ઉપયોગ હવે ઉદ્યોગો, સૌર પેનલ અને ઇલેક્ટ્રોનિક્સમાં થવા લાગ્યો છે, જેથી તેમાં અસ્થિરતા વધુ રહે છે. પરંતુ, આ વખતે શરૂઆતના વધારા બાદ બંને ધાતુઓ છેલ્લા 4 મહિનાના તેના સૌથી નીચા સ્તરે આવી ગઈ છે.

gold-silver1

ડોલરની મજબૂતાઈ અને તેની ‘સેફ હેવન’નો દરજ્જો

કિંમતોમાં ઘટાડાનું મુખ્ય કારણ અમેરિકન ડોલરનું વધુ મજબૂત થવાનું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીના ભાવ ડોલરમાં નક્કી થાય છે. જ્યારે ડોલર મજબૂત થાય છે, ત્યારે ભારત અને ચીન જેવા મુખ્ય આયાતકાર દેશો માટે સોનાની ખરીદી વધુ મોંઘી થઈ જાય છે; જેથી માંગમાં ઘટાડો થાય છે, જેના કારણે ભાવમાં ઘટાડો થવા લાગે છે.

નિષ્ણાતોનું માનવું છે કે આ યુદ્ધ દરમિયાન, રોકાણકારોએ સોનાને બદલે ડોલરને ‘સેફ હેવન’ (સુરક્ષિત આશ્રય) માની લીધું છે. દુનિયાની મોટી બેંકો અને રોકાણ કંપનીઓ પોતાના પૈસા ડોલરમાં લગાવી રહી છે. ઇતિહાસ સાક્ષી છે કે ડોલર અને સોનું ઘણીવાર વિરુદ્ધ ચાલે છે. 2008ના નાણાકીય કટોકટી દરમિયાન, જ્યારે ડોલર નબળો પડ્યો, ત્યારે 2011 સુધીમાં સોનાનો ભાવ રેકોર્ડ ઊંચા સ્તરે પહોંચ્યો હતો. જોકે, આ વખતે, ડોલરની મજબૂતાઈ સોનાના ભાવ પર પણ ભારે પડી રહી છે.

gold

વ્યાજ દરમાં વધારાની અપેક્ષાઓ

બીજું મુખ્ય પરિબળ અમેરિકામાં વ્યાજ દરમાં વધારો થવાની સંભાવના છે. સોના અને ચાંદીમાં રોકાણ કરવાની એક મર્યાદા એ છે કે તેના પર કોઈ નિયમિત મળતું નથી. જો અમેરિકન સરકારના બોન્ડ અથવા બેંકમાં વધુ વ્યાજ મળવા લાગે, તો મોટા રોકાણકારો સોનામાંથી તેમની મૂડી કાઢીને ત્યાં રોકાણ કરવાનું વધુ સારું માને છે. ઈરાન દ્વારા સ્ટ્રેટ ઓફ હોર્મુઝનો રસ્તો બાધિત કરવાથી ક્રૂડ ઓઇલના ભાવ $100 પ્રતિ બેરલના સ્તરને વટાવી ગયા છે. આનાથી વૈશ્વિક ફુગાવામાં વધારો થવાની આશંકા છે.

આ પરિસ્થિતિમાં અમેરિકન સેન્ટ્રલ બેંક, ફેડરલ રિઝર્વ’ વ્યાજ દરોને ઘટાડવાને બદલે વર્તમાન સ્તરે જાળવવા અથવા તેમને વધારવાનું વિચારી રહી છે. અમેરિકાની ક્રેડિટ વર્થનેસ એટલી મજબૂત છે કે તેના સરકારી બોન્ડમાં પૈસા રાખવા, સોના જેટલું જ સુરક્ષિત માનવામાં આવે છે. એવામાં રોકાણકારો શૂન્ય વ્યાજવાળા સોનાને વેંચીને નફો કમાઈ રહ્યા છે અને તે પૈસા અમેરિકન બોન્ડમાં લગાવી રહ્યા છે.

સોના અને ચાંદીના ભાવમાં સતત ઘટાડા પાછળના મુખ્ય પરિબળો ડોલરમાં મજબૂતાઈ અને અમેરિકન બોન્ડ યીલ્ડમાં અપેક્ષિત વધારો છે. રોકાણકારો માટે, યુદ્ધથી વધુ મહત્ત્વપૂર્ણ ફેડરલ રિઝર્વ દ્વારા આગામી પગલાં અને મોંઘવારીના આંકડા થઈ ગયા છે.

error: Content is protected !!