
ઉત્તર પ્રદેશના સ્વાર-ટાંડાના ધારાસભ્ય શફીક અહેમદ અન્સારીનો પુત્ર ઉમૈર અન્સારી પોલીસ સાથે રામપુરના સ્વાર તાલુકામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) ખાતે તેનું નિરીક્ષણ કરવા પહોંચ્યો હતો. આ દરમિયાન સરકારી પ્રોટોકોલનું ઉલ્લંઘન કરીને તેણે તબીબી અધિકારીની ખુરશી પર બેસીને અને અધિકારીઓને કડક સૂચનાઓ આપી. આ ઘટના તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયો દ્વારા સામે આવી હતી. રામપુરના મુખ્ય તબીબી અધિકારી (CMO), દીપા સિંહે ધારાસભ્યના પુત્રના વર્તન પર કડક વલણ અપનાવ્યું અને વધારાના CMOના નેતૃત્વમાં તપાસ સમિતિની રચના કરી.

સોશિયલ મીડિયા પર ફરતો વીડિયો સ્પષ્ટપણે દર્શાવે છે કે, ધારાસભ્યના પુત્ર કેવી રીતે સત્તાના રુઆબમાં ડૂબી ગયા છે. તેઓ કોઈપણ કાનૂની અધિકાર વિના હોસ્પિટલમાં પહોંચ્યા અને MBBS/MD સ્તરના તબીબી અધિકારીને હટાવીને તેમની મુખ્ય ખુરશી પર બેસી ગયા. તેમણે સ્ટાફ સાથે એક વરિષ્ઠ અધિકારીની જેમ વર્તન કર્યું, જાણે કે તેઓ હોસ્પિટલના અંતિમ અધિકાર હોય. ધારાસભ્યના પુત્રએ પોતે જ આ ‘દબદબા’નો વીડિયો બનાવીને તેને વાયરલ કર્યો.

આ મામલાને આગળ વધતો જોઈને રામપુરના CMO દીપા સિંહે સ્પષ્ટતા કરી કે, ધારાસભ્યના આગમનની જાણ હતી, પરંતુ તેમની જગ્યાએ તેમના પુત્રનું આવવું અને ખુરસી પર બેસવું એ કોઈ પ્રોટોકોલનો ભાગ નહોતો. ઇન્ચાર્જ મેડિકલ ઓફિસરના જણાવ્યા મુજબ, તેમણે ખુરશી ઓફર કરી ન હતી. CMOએ એવો પણ પ્રશ્ન ઉઠાવ્યો કે, ધારાસભ્યના પુત્રને કયા નિયમ હેઠળ ભારે પોલીસ દળ પૂરો પાડવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે, સરકારના નિર્દેશ મુજબ તપાસના તારણો અનુસાર કાર્યવાહી કરવામાં આવશે.

સરકારી પ્રણાલીઓમાં બાહ્ય હસ્તક્ષેપ કેટલો વધ્યો છે, તે અંગે સ્થાનિક ચર્ચા ચાલી રહી છે. ધારાસભ્યના પુત્રનું પોલીસ દળ સાથે આવવું અને સરકારી કચેરીઓમાં તેમનો હુકમ ચલાવવો એ ચર્ચાનો વિષય બની ગઈ છે. હવે, બધાની નજર તપાસ રિપોર્ટ પર છે, કે શું પ્રભાવશાળી ધારાસભ્યના પુત્ર સામે કોઈ કાનૂની કાર્યવાહી કે FIR દાખલ કરવામાં આવશે, કે પછી આ આખા મામલાને દબાવી દેવામાં આવશે.