fbpx

સરકારે કેજરીવાલને જે બંગ્લો આપ્યો એના ફોટો શેર કરી ભાજપે તેને શીશ મહેલ 2.0 કહ્યો, AAPએ કહ્યું કે, ‘એના કરતા તો AIનો ઉપયોગ કરી લીધો હોત’

Spread the love

સરકારે કેજરીવાલને જે બંગ્લો આપ્યો એના ફોટો શેર કરી ભાજપે તેને શીશ મહેલ 2.0 કહ્યો, AAPએ કહ્યું કે, 'એના કરતા તો AIનો ઉપયોગ કરી લીધો હોત'

BJP અને આમ આદમી પાર્ટી વચ્ચે શબ્દયુદ્ધ ચાલુ છે. આ દરમિયાન, દિલ્હીના કેબિનેટ મંત્રી પરવેશ વર્માએ ફરી એકવાર AAPના રાષ્ટ્રીય સંયોજક અને ભૂતપૂર્વ CM અરવિંદ કેજરીવાલ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે દિલ્હીના લોધી એસ્ટેટમાં કેજરીવાલને ફાળવવામાં આવેલા બંગલાના ફોટા શેર કર્યા છે, તેને ‘શીશ મહેલ ભાગ 2’ ગણાવ્યો છે. તેમણે આમ આદમી પાર્ટીને એક નવું નામ પણ આપ્યું છે, જેમાં કહ્યું છે કે AAPનો અર્થ ‘આલીશાન આદમી પાર્ટી’ છે.

શનિવાર (25 એપ્રિલ)ના રોજ એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, પરવેશ વર્માએ અરવિંદ કેજરીવાલ પર આરોપ લગાવ્યો કે, તેમણે પોતાના બંગલામાં વૈભવી વસ્તુઓ પસંદ કરીને દિલ્હીના લોકો સાથે દગો કર્યો છે. તેમણે કહ્યું, ‘જેણે દિલ્હીના લોકો સાથે દગો કર્યો, જે બાબાસાહેબ આંબેડકર અને ભગતસિંહના ફોટા બતાવીને અણ્ણા હજારેના નામે સત્તામાં આવ્યો, જેણે કહ્યું કે તે સરકારી આવાસ અને વાહનો સ્વીકારશે નહીં, તે દિલ્હીનો રહેમાન ડાકુ છે. આજે, અમે તમને શીશ મહેલનો બીજો ભાગ બતાવીશું.’

Arvind-Kejriwal-Bungalow2
newstrack.com

મંત્રીએ આગળ કહ્યું કે, ‘દિલ્હીના લોકો કોવિડ મહામારીનો સામનો કરી રહ્યા હતા ત્યારે તેમણે શીશ મહેલ (એક મહેલ) બનાવ્યો હતો. રૂ. 70 કરોડના ખર્ચે એક વિસ્તાર પણ બનાવવામાં આવી રહ્યો હતો. ચૂંટણી હારી ગયા પછી, તેઓ પંજાબ નીકળી ગયા. અરવિંદ કેજરીવાલ, સત્યેન્દ્ર જૈન, સંજય સિંહ અને મનીષ સિસોદિયાએ પંજાબના CM ભગવંત માનના નિવાસસ્થાન પાસે સરકારી ક્વાર્ટર પર કબજો કર્યો. ભગવંત માન આ લોકોથી ગુસ્સે છે.’

દિલ્હીના મંત્રી પરવેશ વર્માએ કહ્યું, ‘આમ આદમી પાર્ટીએ ‘આલિશાન આદમી પાર્ટી’ હોવી જોઈએ. શું કેજરીવાલ અમને કહેશે કે, લોધી રોડ બંગલામાં એટલે કે નવા શીશ મહેલમાં કેટલા પૈસા રોકાયા હતા? તે પૈસા ક્યાંથી આવ્યા અને તે પૈસાના માલિક કોણ છે? શું એ સાચું નથી કે આમ આદમી પાર્ટીના પ્રામાણિક કાર્યકરો તમારા લોભને કારણે તમારી પાર્ટી છોડી રહ્યા છે? વારંવાર આવા શીશ મહેલો બનાવવાની શું જરૂર છે? આ શીશ મહેલમાં કઈ કંપનીના પૈસા ઉપયોગમાં લેવામાં આવ્યા છે?’

તેમણે પૂછ્યું, ‘જે વ્યક્તિએ વારંવાર બે રૂમના ફ્લેટનું વચન આપ્યું હતું તેને આવો શીશ મહેલ બનાવવાની જરૂર કેમ લાગી?’ શું કેજરીવાલ આનો જવાબ આપશે? BJP પૂછવા માંગે છે કે, જેમ દારૂના ઠેકેદારોના પૈસા પહેલા શીશ મહેલમાં રોકાયા હતા અને તેમને ફાયદો થયો હતો, તેમ આ નવા શીશ મહેલમાં કોના પૈસા રોકાયા હતા? કઈ કંપનીઓના પૈસાનો ઉપયોગ થયો હતો? આ પૈસા ક્યાંથી આવ્યા? કેટલા પૈસા ખર્ચાયા? અને શું જનતાને અંદર જઈને તેણે જોવાની પરમિશન આપવામાં આવશે?’

તેમણે વધુમાં ઉમેર્યું, ‘આ તેમના આખા ઘરનો બ્લુપ્રિન્ટ છે… જો તેમણે દિલ્હીના કામકાજ માટે એટલો સમય ફાળવ્યો હોત જેટલો દરેક રૂમને સજાવવામાં ફાળવ્યો છે, તો કદાચ તેમના કાર્યકરો આજે આમ આદમી પાર્ટી છોડી ન રહ્યા હોત.’

Arvind-Kejriwal-Bungalow4

મંત્રી વર્માએ કહ્યું, ‘દિલ્હીના રહેમાન ડાકુ, ફિલ્મ ‘ધુરંધર’ની સિક્વલની જેમ, આજે આપણે ‘શીશ મહેલ 2’નું અનાવરણ કરવા જઈ રહ્યા છીએ.’ તેમણે કહ્યું કે, કેજરીવાલે દિલ્હીમાં શીશ મહેલ ત્યારે બનાવ્યો હતો જ્યારે દિલ્હી COVID-19ની લહેર સામે લડી રહી હતી. લોકો COVID-19ની દવાઓની માંગ કરી રહ્યા હતા અને મૃત્યુ પામી રહ્યા હતા. તે સમય દરમિયાન, કેજરીવાલના આદેશ મુજબ, દિલ્હીના શીશ મહેલ પર કામ એક પણ દિવસ માટે બંધ થયું નહીં. જ્યારે અમારા ‘ધુરંધર’ દિલ્હીના મતદારોએ દિલ્હીના રહેમાન ડાકુને હરાવ્યા, ત્યારે તેઓ પંજાબ ગયા, જેનાથી CM ભગવંત માનની મુશ્કેલીઓમાં વધારો થયો. CM ભગવંત માનના ઘરની આસપાસના ચાર મોટા સરકારી મકાનોમાંથી એક કેજરીવાલ, બીજા દિલ્હીના ભૂતપૂર્વ આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈન, ત્રીજા રાજ્યસભા સાંસદ સંજય સિંહ અને ચોથા મનીષ સિસોદિયાનો છે.’

તેમણે વધુમાં ઉમેર્યું, ‘પંજાબમાં CM ભગવંત માન નારાજ છે. તેમણે ત્યાં બીજો ‘શીશ મહેલ’ બનાવી લીધો. આજે, દિલ્હીમાં, તેઓ વર્ષોથી બંગલાની માંગણી કરીને કોર્ટમાં દોડી રહ્યા છે, અને જ્યારે તેમને બંગલો મળી ગયો, ત્યારે તેઓ રહેવા ગયા. ગઈકાલે જ, જ્યારે 95 લોધી એસ્ટેટના ફોટા સામે આવ્યા, ત્યારે અમે સ્તબ્ધ થઈ ગયા. જે માણસ કહેતો હતો કે તે સાદું જીવન જીવશે તે હવે વૈભવી જીવન જીવી રહ્યો છે.’

મંત્રીએ કહ્યું, ‘આ સરકાર દ્વારા ફાળવવામાં આવેલું ઘર છે, પરંતુ તેમાં રોકાણ કરાયેલા પૈસા સરકારી ભંડોળ નથી. છેલ્લી વખત, તેમણે કહ્યું હતું કે, PWDએ રોકાણ કર્યું છે, પરંતુ આ ઘરમાં રોકાણ કરાયેલ દરેક પૈસો વ્યક્તિગત પૈસા છે. તેમનો પોતાનો બેડરૂમ ગોવાની 7-સ્ટાર હોટલના રૂમ જેવો દેખાય છે. આવા કુલ પાંચ બેડરૂમ છે.

દિલ્હીના ભૂતપૂર્વ CM રાષ્ટ્રીય રાજધાનીમાં 95, લોધી એસ્ટેટ ખાતે નવા ટાઇપ-VII સરકારી બંગલામાં ગયા પછી આ ઘટના બની હતી.

Arvind-Kejriwal-Bungalow5

આમ આદમી પાર્ટી (AAP)એ આ મામલે વળતો પ્રહાર કર્યો છે. પાર્ટીએ પરવેશ વર્મા દ્વારા બતાવવામાં આવેલા ફોટોઓને નકલી ગણાવ્યા છે. AAP સાંસદ સંજય સિંહે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે, પરવેશ વર્મા દ્વારા જાહેર કરાયેલા અરવિંદ કેજરીવાલના ઘરના ફોટા સંપૂર્ણપણે નકલી છે. તેમણે કહ્યું કે વર્મા અને જેમણે ફોટોગ્રાફ્સ શેર કર્યા છે તેઓએ માનહાનિના કેસનો સામનો કરવા માટે તૈયાર રહેવું જોઈએ.

તેમણે વધુમાં કહ્યું કે, તેઓ દિલ્હીના CM રેખા ગુપ્તા, લેફ્ટનન્ટ ગવર્નર તરનજીત સિંહ સંધુ અને પરવેશ વર્માને તેમના ઘરો જાહેર જનતા માટે ખુલ્લા મુકવા માટે પડકાર ફેંકે છે. કેજરીવાલ પોતાનું ઘર ખોલશે, અને જનતા જાણશે કે કોનું ઘર વધુ વૈભવી છે.

આ દરમિયાન, AAP સાંસદ આતિશીએ પણ આ મુદ્દા પર BJP પર પ્રહાર કર્યા છે. સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરતા તેમણે કહ્યું, ‘આજે BJPના મંત્રી પરવેશ વર્માએ આખા મીડિયાને ફોન કરીને અરવિંદ કેજરીવાલના કહેવાતા નવા ઘરની તસવીરો બતાવી, પરંતુ મજાની વાત એ છે કે આ તસવીરો કેજરીવાલના ઘરની નથી, પરંતુ પિન્ટરેસ્ટ પરથી ડાઉનલોડ કરવામાં આવી છે!’

તેમણે આગળ કહ્યું, ‘શું હવે આવા દિવસો આવી ગયા છે તેમના, જ્યારે કેજરીવાલ સામે તેમને કંઈ જ નથી મળી રહ્યું, તો તેઓ ઇન્ટરનેટ પરથી લીધેલા ફોટાના આધારે ખોટા દાવા કરી રહ્યા છે. પરવેશ વર્મા જી, એના કરતા તો તમે AIનો ઉપયોગ કર્યો હોતે તો સારું હોત, ચોરી આટલી ઝડપથી તો પકડાઈ ન જાતે.’

Leave a Reply

error: Content is protected !!