
અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેન્સે રવિવારે જણાવ્યું હતું કે સ્વિટ્ઝર્લેન્ડમાં થયેલી વાતચીત દરમિયાન વોશિંગ્ટન અને ઈરાન વચ્ચે નોંધપાત્ર પ્રગતિ થઈ છે. લેબનોન અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝને લઈને ચાલી રહેલા મોટા મતભેદો મુત્સદ્દીગીરીની પ્રક્રિયાને રોકવાનો ભય ઉભો કરી રહ્યા છે, તેમ છતાં તેમણે આગામી સમયમાં પરસ્પર સહયોગના ભવિષ્ય અંગે આશાવાદ વ્યક્ત કર્યો હતો.
સ્વિસ રિસોર્ટ ‘બર્ગનસ્ટોક’ ખાતે ઈરાની અધિકારીઓ સાથેની વાટાઘાટો પછી બોલતા વેન્સે જણાવ્યું હતું કે, આ ચર્ચાઓથી કેટલાય મોરચે પ્રગતિ થઈ છે અને તે મિડલ ઈસ્ટમાં મોટી સફળતા મેળવવા માટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રયાસોને દર્શાવે છે.

જે.ડી. વેન્સે જણાવ્યું કે, ‘અમે છેલ્લા કેટલાક દિવસોમાં ઘણી સારી પ્રગતિ જોઈ છે. હવે વહીવટીતંત્ર એક એવું સહિયારું ભવિષ્ય જોઈ રહ્યું છે જ્યાં શાંતિ અને સમૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટે દરેક વ્યક્તિ સાથે મળીને કામ કરી શકે.’
આ બેઠક અમેરિકા અને ઈરાન વચ્ચે એક સપ્તાહ પહેલા થયેલા સમજૂતી કરાર (MoU) હેઠળ યોજાયેલી પ્રથમ મુલાકાત હતી. આ કરારનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રાદેશિક તણાવ ઓછો કરવાનો, સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ફરીથી ખોલવાનો અને વ્યાપક સુરક્ષા મુદ્દાઓ પર ચર્ચાને આગળ વધારવાનો છે.
વેન્સે જણાવ્યું હતું કે ટ્રમ્પ વહીવટીતંત્ર સમગ્ર પ્રદેશમાં વ્યાપક યુદ્ધવિરામ સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે, જેમાં લેબનોનમાં નાજુક શાંતિ જાળવી રાખવાનો પણ સમાવેશ થાય છે.
તેમણે સ્વીકાર્યું હતું કે આવી વ્યવસ્થાઓ ઘણીવાર ‘થોડી અસ્તવ્યસ્ત’ હોય છે, પરંતુ સાથે ઉમેર્યું કે, ‘લેબનોનમાં યુદ્ધવિરામ જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવામાં અમે છેલ્લા કેટલાક દિવસોમાં મોટી પ્રગતિ જોઈ છે.’ ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું કે ટ્રમ્પે અમેરિકી વાટાઘાટકારોને આ પડકારોના રાજદ્વારી ઉકેલો શોધવાની સત્તા આપી છે અને તેઓ વ્યાપક પ્રાદેશિક સમાધાન મેળવવા માટે મક્કમ છે.
તેમણે મુત્સદ્દીગીરી દ્વારા ઈરાન સાથેના લાંબા સમયના સંઘર્ષને બદલવાની વોશિંગ્ટનની ઈચ્છાનો પણ સંકેત આપ્યો હતો. વેન્સના જણાવ્યા અનુસાર, ટ્રમ્પે વાટાઘાટકારોને ‘એક નવો અધ્યાય શરૂ કરવા’ અને ઈરાનના લોકો પ્રત્યે નવો અભિગમ અપનાવવાનો નિર્દેશ આપ્યો હતો.
વેન્સે કહ્યું, ‘સવાલ એ છે કે શું આપણે મધ્ય પૂર્વના સંબંધોને કાયમ માટે બદલી શકીએ? અમે જે હાસલ કરવા માંગીએ છીએ તે એ છે કે ડિપ્લોમેસી દ્વારા સાથે મળીને કામ કરવું અને મધ્ય પૂર્વનો કાયાકલ્પ કરવો.’ જો કે, તેમણે આ સકારાત્મક મૂલ્યાંકનની સાથે ઈરાનની તીખી ટીકા પણ કરી હતી અને કહ્યું હતું કે ઈરાને લાંબા સમયથી આ વિસ્તારમાં અસ્થિરતાને હવા આપી છે.

અમેરિકી પ્રતિનિધિમંડળના સકારાત્મક વલણ છતાં, આ વાટાઘાટો પર ત્યારે સંકટના વાદળો છવાઈ ગયા જ્યારે ઈરાને જાહેરાત કરી કે તેણે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર ફરીથી નાકાબંધી લાગુ કરી દીધી છે.
તેહરાને સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી લેબનોનમાં લડાઈ બંધ નહીં થાય અને વચન આપેલા આર્થિક લાભો આપવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ પરમાણુ કાર્યક્રમ સહિતની વાટાઘાટોના આગામી તબક્કામાં આગળ વધશે નહીં. ઈરાની અધિકારીઓએ દલીલ કરી હતી કે વોશિંગ્ટન લેબનોનમાં હિંસા રોકવામાં નિષ્ફળ રહ્યું છે, જ્યાં ઇઝરાયેલે માર્ચ મહિનામાં સૈન્ય અભિયાન શરૂ કર્યું હતું.