fbpx

યોગરાજ સિંહનું વિવાદાસ્પદ નિવેદન, ‘ખેલાડીઓની પત્નીઓ બને છે નિવૃત્તિનું કારણ…’; કોહલી અને રોહિત પર થયા ગુસ્સે

Spread the love

યોગરાજ સિંહનું વિવાદાસ્પદ નિવેદન, 'ખેલાડીઓની પત્નીઓ બને છે નિવૃત્તિનું કારણ...'; કોહલી અને રોહિત પર થયા ગુસ્સે

ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહના પિતા યોગરાજ સિંહે ફરી એકવાર પોતાના નિવેદનથી મોટો વિવાદ ઉભો કરી દીધો છે, યોગરાજ સિંહે ખેલાડીઓની પત્નીઓ અંગે નિવેદન આપ્યું હતું, જેના કારણે તેઓ ટીકાનો ભોગ બન્યા છે. યોગરાજ સિંહે સ્પષ્ટપણે કહ્યું કે, ઉંમરને ખેલાડીના પ્રદર્શન સાથે જોડવી ખોટી છે. તેમના મતે, ફિટનેસ અને પ્રદર્શન ખેલાડીની કારકિર્દીનું સાચું માપદંડ હોવું જોઈએ, ઉંમર નહીં.

Yograj Singh

યોગરાજ સિંહે એક સ્પોર્ટ્સ ચેનલ સાથેની મુલાકાતમાં કહ્યું, ‘ભારતમાં, લોકો 40 વર્ષની ઉંમર પછી પોતાને વૃદ્ધ માનવા લાગે છે. મહિલાઓ 30 વર્ષ પછી કહે છે કે તેઓ હવે ફિટ રહી શકતી નથી, તેમના બાળકો મોટા થઈ ગયા છે. પરંતુ રમતગમતને ઉંમર સાથે જોડવું સંપૂર્ણપણે ખોટું છે.’

યોગરાજ સિંહે કહ્યું, ‘ઘણી વખત, ઘરની મહિલાઓ, પત્નીઓ તમને સમજાવવા લાગે છે કે, હવે નિવૃત્તિ લઇ લો અને તમારા પરિવાર અને બાળકો પર ધ્યાન કેન્દ્રિત કરો. મારું માનવું છે કે મહિલાઓએ ખેલાડી અને તેની કારકિર્દી વચ્ચે ન આવવું જોઈએ. ખેલાડી અને ફકીરનો કોઈ ધર્મ કે વર્ગ હોતો નથી, તેઓ ભગવાનના હોય છે. જ્યાં સુધી તેઓ જીવિત છે, ત્યાં સુધી તેઓ ઘણું બધું કરી શકે છે.’

Yograj Singh

વિરાટ કોહલી અને રોહિત શર્મા પર નિશાન સાધતા, યોગરાજ સિંહે સ્પષ્ટપણે કહ્યું કે ખેલાડીઓએ તેમના નિર્ણયોનો જવાબ તેમની ઉંમરના આધારે નહીં, તેમના પ્રદર્શનના આધારે આપવો જોઈએ. યોગરાજે પોતાના સ્પષ્ટ અંદાજમાં કહ્યું, ‘રોહિત શર્મા અને વિરાટ કોહલી હજુ પણ યુવા ખેલાડીઓ છે અને નિવૃત્તિ લેવાનું વિચારી રહ્યા છે. આવા જીવન પર શરમ આવવી જોઈએ, દુનિયાને બતાવી દો કે તમે સૌથી શ્રેષ્ઠ છો, તમે અનિવાર્ય છો.’

યોગરાજ સિંહે આગળ કહ્યું, ‘જો કોઈ ખેલાડી 50 વર્ષની ઉંમરે પણ બેવડી સદી ફટકારી રહ્યો હોય, તો તેને ટીમમાંથી કોઈ બહાર કરી શકતું નથી. આ દેશમાં ઉંમરનું પરિબળ ખૂબ જ રમુજી છે.’ અત્રે ઉલ્લેખનીય છે કે, રોહિત અને કોહલી પહેલાથી જ ટેસ્ટ ક્રિકેટની સાથે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી પણ નિવૃત્તિ લઈ ચૂક્યા છે.

Yograj Singh

IPL 2026 નજીક આવતાની સાથે, બંને દિગ્ગજોના ભવિષ્ય અંગે ચર્ચાઓ તેજ થઈ ગઈ છે. આ અગાઉ, યોગરાજ સિંહે મહેન્દ્ર સિંહ ધોનીનું સમર્થન કરતા કહ્યું હતું કે, તેને હજુ નિવૃત્તિ લેવાની જરૂર નથી અને તે આવનારા ઘણા વર્ષો સુધી રમી શકે છે.

યોગરાજ સિંહના તાજેતરના નિવેદનોએ ભારતીય ક્રિકેટમાં એક નવી ચર્ચા ઉભી કરી છે. એક તરફ જ્યારે ઉંમર અને નિવૃત્તિની ચર્ચા થઈ રહી છે, ત્યારે તેમના નિવેદનથી ખેલાડીઓના અંગત જીવન અને પરિવારની ભૂમિકા પર પણ પ્રશ્નો ઉભા થયા છે.

Leave a Reply

error: Content is protected !!